ગુજરાતમાં પહેલી ડિસેમ્બર, ગુરુવારના વિધાનસભા પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન ગુરુવારે થયું હતું. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષ માટે એક પણ બેઠક પર પ્રચાર કર્યો ન હતો. રાજ્યમાં પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે આ તબક્કામાં પણ સોનિયા ગાંધી કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરે તેવી શક્યતા નહીંવત છે.

સોનિયા ગાંધી કોંગ્રેસના 136 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પક્ષના અધ્યક્ષ રહ્યા છે. પરંતુ, તેમણે હિમાચલ પ્રદેશની ચૂંટણી અને ગુજરાતની ચૂંટણીમાં એક દિવસ પણ પ્રચાર કર્યો ન હતો. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પછી તેમનું નામ બીજા ક્રમે હતું. પરંતુ, તેમણે છેલ્લા પાંચ-છ વર્ષમાં એક પણ ચૂંટણી રેલીને સંબોધી નથી.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કહેવા મુજબ સોનિયાએ જાહેર સભાઓ, ખાસ કરીને ચૂંટણી રેલીઓને સંબોધવાનું બંધ કરી દીધું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ, તેમણે કોઈ ચૂંટણી રેલીને સંબોધિત કરી ન હતી. 11 એપ્રિલ, 2019 ના રોજ, તેમણે રાયબરેલીમાં તેમના મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્રો ભર્યા પછી જ મીડિયા સાથે વાત કરી હતી.
સોનિયા ગાંધીએ લગભગ ત્રણ વર્ષ પહેલાં 14 ડિસેમ્બર, 2019ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં છેલ્લી જાહેર રેલીને સંબોધિત કરી હતી. તે તેમની પાર્ટી દ્વારા આયોજિત ‘ભારત બચાવો રેલી’નો કાર્યક્રમ હતો. પહેલા સોનિયાએ મે 2016માં ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી. 21 મે 2016 ના રોજ, તેમણે પોતાના પતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 25મી પુણ્યતિથિ પર દિલ્હીમાં ‘હમ મેં હૈ રાજીવ ગાંધી’ રેલીને સંબોધિત કરી હતી.

ચૂંટણી સભાથી દૂર રહેવા પાછળ તેમના આરોગ્યને જવાબદાર ગણવામાં આવે છે. સોનિયા ગાંધી 9 ડિસેમ્બરે 76 વર્ષના થશે અને તેમની તબિયત પણ સારી નથી. સોનિયા ગાંધી 2017ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અભિયાનની શરૂઆત કરવા વારાણસી ગયા હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ 2 ઓગસ્ટ 2016ના રોજ રાજકીય કાર્યક્રમમાં તેમને પહેલીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સોનિયા ગાંધી અંગત અને પાર્ટી સંબંધિત કામ માટે દિલ્હીની બહાર જતા રહે છે. કોંગ્રેસના નેતાઓના માનવા મુજબ સોનિયા ધીમે ધીમે સક્રિય રાજકારણથી પોતાને દૂર કરી રહ્યા છે.
READ ALSO
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ