GSTV
Home » News » રાયબરેલીમાં સોનિયા રાજ, આ લોકસભાની ચૂંટણી બાદ બનશે નવો રેકોર્ડ

રાયબરેલીમાં સોનિયા રાજ, આ લોકસભાની ચૂંટણી બાદ બનશે નવો રેકોર્ડ

વાત કરીએ દાયકાઓથી ગાંધી પરિવારનો અજેય ગઢ રહેલી રાયબરેલી બેઠકની. તો અહીં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી પાંચમી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જો સોનિયા ગાંધી ફરી એક વખત ચૂંટણી જીતી જશે તો તે નવો જ રેકોર્ડ નોંધાવશે. રાયબરેલીના રાજકીય ઇતિહાસમાં કોઇ સાંસદ અહીંથી પાંચ વખત ચૂંટાઇને સંસદ પહોંચશે તેવું પ્રથમ વખત બનશે.

ગાંધી પરિવારનું પ્રચંડ પ્રભુત્વ ધરાવતી રાયબરેલી બેઠક પરથી ફરી એક વખત કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં છે. સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી પાંચમી વખત ચૂંટણી લડી રહ્યા છે. અને જો સોનિયા ગાંધી ચૂંટણી જંગ જીતી જશે તો રાયબરેલીથી પાંચ વખત ચૂંટણી જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવશે.

રાયબરેલી બેઠક પર અત્યાર સુધી થયેલી તમામ ચૂંટણીઓમાં કોઇ ઉમેદવાર 4 વખતથી વધુ ચૂંટણી જીતી શક્યા નથી. ફિરોઝ ગાંધીથી લઇને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ અહીંથી સૌથી વધુ 4 વખત જીતવાનો રેકોર્ડ પણ સોનિયા ગાંધીના નામ પર જ છે. સોનિયા ગાંધીએ જ્યારે રાજનીતિમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે પહેલી વખત તેમના પતિ રાજીવ ગાંધીની સંસદીય બેઠક અમેઠીને પોતાની કર્મભૂમિ બનાવી. 1999માં અમેઠીમાંથી ચૂંટણી જીતી તેઓ પહેલી વખત સંસદ પહોંચ્યા. 2004માં રાહુલ ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી બાદ સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે અમેઠી બેઠક ખાલી કરી અને પોતાના સાસુ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સંસદીય બેઠક રાયબરેલીને અપનાવી.

સોનિયા ગાંધીએ 2004માં રાયબરેલી બેઠક પરથી પહેલી વખત ચૂંટણી લડી અને 2.49 લાખ મતોની સરસાઇથી વિજય મેળવ્યો. ત્યાર બાદ સોનિયાએ ગાંધીએ લાભના પદના આક્ષેપોને કારણે રાજીનામું આપ્યું. 2006માં રાયબરેલી બેઠકની પેટાચૂંટણી યોજાઇ અને ફરી સોનિયા ગાંધીએ 4.17 લાખ મતોની જંગી સરસાઇથી જીત મેળવી. 2009માં સોનિયા ગાંધીએ ફરી 3.72 લાખ મતોની સરસાઇથી ભવ્ય જીત મેળવી અને ત્યાર બાદ ચોથી વખત 2014ની લોકસભા ચૂંટણીમાં પણ 3.52 લાખ મતોની સરસાઇથી વિજય પ્રાપ્ત કર્યો.

સોનિયા ગાંધી બાદ સૌથી વધુ જીત મેળવવાનો રેકોર્ડ ઇન્દિરા ગાંધીના નામે છે. ઇન્દિરા ગાંધી 3 વખત રાયબરેલી બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. જ્યારે કે રાયબરેલીથી બે વખત ચૂંટણી જીતનારા નેતાઓમાં ફિરોઝ ગાંધી. બૈજનાથ કુરીલ. અરુણ નહેરુ, શીલા કૌલ અને અશોક સિંહનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે સપા અને બસપા રાયબરેલી બેઠક પર હજુ સુધી ખાતું પણ ખોલાવી શકી નથી. અહીં ગાંધી પરિવારનો દબદબો એવો છે કે 2014માં મોદી લહેર દરમ્યાન પણ અહીં કમળ ખીલી શક્યું નહોતું.

READ ALSO

Related posts

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva

નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

Mayur

ગુજરાતમાં કાયદેસર દારૂ પીવો પણ પડશે મોંઘો, સરકાર પરમીટને બહાને ખંખેરી લેશે ખિસ્સા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!