GSTV
Auto & Tech GSTV લેખમાળા Gujarat Samachar Technoworld Trending

Security / સ્માર્ટફોનને સ્માર્ટલી લોક કરવાની રીત છે અનેક, અપનાવો સૌથી સુરક્ષિત પદ્ધતિ

smartphone

સાવ સાચું કહેજો, દિવસમાં કેટલી વાર તમે સ્માર્ટફોન હાથમાં લઈ, તેમાં ખાંખાંખોળાં કરો છો? આપણે કોઈને મળવા ગયા હોઈએ કે કોઈ મળવા આવ્યું હોય ત્યારે પણ આપણે ફોન ઉપાડી તેમાં જુદી જુદી એપ્સમાં નજર ફેરવવાની લાલચ રોકી શકતા નથી. આવા દરેક મોકે, આપણે ફોનને અનલોક કરવો પડે. જો તમે તમારા ડેટાની સિક્યોરિટી બાબતે સચેત હો તો તમે ફોનને લોક્ડ રાખતા હશો. ‘મારા ફોનમાં છુપાવવા જેવું કંઈ છે જ નહીં’ એમ માનતા હો તો પણ ફોનને લોક રાખવો જરૂરી છે. સ્માર્ટફોનની જેટલી વધુ સગવડો છે એટલી જ મોટી એક ખામી એ છે કે તેમાં આપણી ઘણા પ્રકારની માહિતી અસલામત રહે છે – જો આપણે ફોનને લોક ન રાખતા હોઈએ તો. ફોન લોક્ડ ન હોય તો કોલેજમાં મિત્રો કે ઓફિસમાંના સાથી કર્મચારીઓ આપણી ગેરહાજરીમાં ફોનમાં ખાંખાખોળાં કરી શકે છે કે ઘરે આવેલા મહેમાન આપણો ફોન હાથમાં લઈને સીધા તેની ફોટોગેલેરી સુધી પહોંચી શકે છે – આપણને કેવું લાગશે તેની પરવા કર્યા વિના! ફોન ખોવાઈ જાય ત્યારે તો એ ચોક્કસપણે લોક હોવો જરૂરી છે. આથી તમે ફોનને કોઈ તાળું માર્યું ન હોય તો પહેલું કામ એ કરો, ફોનના સેટિંગ્સમાં સિક્યોરિટી વિભાગમાં જાઓ અને સ્ક્રીન લોક સેકશનમાં તમને ગમે તે રીત પસંદ કરી લો) તકલીફ એ જ છે કે આ પછી તેને વારંવાર અનલોક કરવાનું અગવડભર્યું  છે.
ફિંગરપ્રિન્ટનો ઉપયોગ આ અગવડનો સૌથી સહેલો ઉપાય છે, એ પણ મુશ્કેલ લાગે તો પછી અજમાવી જુઓ – સ્માર્ટ લોક્સ. એન્ડ્રોઇના પાંચમા વર્ઝનથી મળેલી આ સુવિધાથી ‘અમુક સંજોગ’માં ફોન આપોઆપ અનલોક્ડ રહે છે, આપણે દરેક વખતે પાસકોડ, પિન કે પેટર્નની મગજમારી કરવાની જરૂર નહીં. ફોનમાં ઉપલબ્ધ આવાં જુદાં જુદાં સ્માર્ટ લોક્સ વિશે જાણીએ!

સ્માર્ટલોકની સિસ્ટમ ફોનમાં જ છે

સ્માર્ટ લોક્સનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં આપણે ફોનમાં કોઈ પણ એક પ્રકારનું લોક લગાવવું પડશે. આગળ કહ્યું તેમ જો તમારા ફોનમાં કોઈ પણ પ્રકારનું લોક ન હોય તો પેટર્ન, પિન કે પાસવર્ડ આપી દો. હવે સેટિંગ્સમાં જઈને સિક્યોરિટી ઓપ્શનમાં ‘સ્માર્ટ લોક’માં જાઓ. આપણે ફોનને પેટર્ન, પિન કે પાસવર્ડ આપીને પછી જ અહીંથી આગળ વધી શકીશું. એન્ડ્રોઇડનું નવમું કે તેથી જૂનું  વર્ઝન હશે તો અહીં તમને પાંચ પ્રકારના સ્માર્ટ લોક જોવા મળશે : ટ્રસ્ટેડ પ્લેસીઝ, ટ્રસ્ટેડ ડિવાઈસીઝ, ટ્રસ્ટેડ ફેસ, ટ્રસ્ટેડ વોઈસ અને ઓન બોડી ડીટેકશન. નવા ફોનમાં ટ્રસ્ટેડ ફેસ અને વોઇસના વિકલ્પ અન્ય રીતે મળશે.

સ્માર્ટ લોકથી, આપણને જે સાધન કે સ્થળ વિશ્વાસપાત્ર લાગતાં હોય તેની મદદથી ફોનને ઓટોમેટિક અનલોક્ડ રાખી શકીએ છીએ અને ફોન આપણા ખિસ્સામાં હોય ત્યારે પણ અનલોક્ડ રહે એવું સેટિંગ કરી શકીએ છીએ. તમે આ બધા સ્માર્ટ લોકનો એક સાથે ઉપયોગ કરી શકો છો. જોકે એટલું યાદ રાખજો કે આ પ્રકારનાં લોક સ્માર્ટ છે, પણ સચોટ નથી!

લોકેશન સેટિંગ

‘ટ્રસ્ટેડ પ્લેસીઝ’ પ્રકારના સ્માર્ટ લોકથી આપણો ફોન આપણા ઘર જેવી વિશ્વસનીય જગ્યાએ હોય ત્યારે તેમાં લોક હોવા છતાં તે ઓટોમેટિકલી અનલોક્ડ રહે તેવું સેટિંગ કરી શકાય છે. આ સ્માર્ટ લોક એક્ટિવ કર્યા પછી, જ્યારે તમે ઘર બહાર હો ત્યારે ફોન લોક્ડ રહે અને તેમાં કંઈ પણ કરવા માટે રાબેત મુજબ પેટર્ન, પીન કે પાસવર્ડ આપવા પડશે પરંતુ જેવા તમે ઘરમાં દાખલ થાવ એ સાથે ફોન ઓટોમેટિકલી અનલોક્ડ થઈ જશે. જ્યારે ફરી તમે ઘર બહાર જાવ ત્યારે ફોન આપોઆપ લોક થઈ  જશે. એટલું યાદ રાખશો કે આ સ્માર્ટ લોક ગૂગલ લોકેશન સર્વિસ પર આધાર રાખતું હોવાથી જો ફોનમાં જીપીએસ ઈનેબલ રાખશો તો આ લોક કામ કરશે (સેટિંગ્સમાં ‘લોકેશન’ સેક્શનમાં જીપીએસ ઓન કે ઓફ કરી શકાય છે).

new smartphone

ટ્રસ્ટેડ પ્લેસ નક્કી કરવા માટે તમે ટ્રસ્ટેટ પ્લેસીસ પર ક્લિક કરીને ગૂગલ મેપ્સમાં તમારા હોમ અને વર્ક લોકેશનને ટ્રસ્ટેડ પ્લેસ તરીકે ઓન કરી શકો છો. તમે આ રીતે ચાહો તેટલા ટ્રસ્ટેડ પ્લેસીસ ઉમેરી શકો છો. ઘર અને ઓફિસ ઉપરાંત કોઈ પણ નવું લોકેશન ઉમેરવા માટે કસ્ટમ પ્લેસીસ પર ક્લિક કરશો ત્યારે સિસ્ટમ પહેલાં તમારું કરંટ લોકેશન બતાવશે. તમે તે પસંદ કરી શકો અથવા બીજા કોઈ પણ લોકેશન માટે સર્ચ કરી શકો. યાદ રાખશો કે આપણે ટ્રેસ્ટેડ પ્લેસ તરીકે ઘર કે ઓફિસ પસંદ કર્યાં હોય તો તેનાથી મોટા વિસ્તારમાં, લગભગ ૮૦ મીટર સુધીની ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ફોન અનલોક્ડ રહી શકે છે!

જૂના ફોન માટે

આગળ કહ્યું તેમ, તમારા ફોનમાં એન્ડ્રોઇડનું નવમું કે તેથી જૂનું વર્ઝન હશે તો જ સ્માર્ટ લોકમાં આ વિકલ્પ દેખાશે. ગૂગલને આ વિકલ્પ ઘણો ઓછો સલામત લાગતો હોવાથી, નવા વર્ઝનમાં, તેને સુધારીને અલગ રીતે આપવામાં આવ્યો છે. જૂના વર્ઝનમાં આ સુવિધાની મદદથી આપણે સ્માર્ટફોનની આપણી એક મજાની સેલ્ફી આપી દઈએ તે પછી ફક્ત ફોનના કેમેરા સામે સ્માઈલ કરીને આપણે ફોનને અનલોક કરી શકીએ છીએ! એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ફેસ મેચિંગ પેટર્ન, પિન કે પાસવર્ડ કરતાં ઓછી સલામત પદ્ધતિ છે. આપણા જેવી દેખાતી કોઈ વ્યક્તિ પણ આ રીતે ફોનને અનલોક કરી શકે છે.

નવા વર્ઝનમાં આ પદ્ધતિની ચોકસાઈ વધારવા માટે આપણે અલગ અલગ પ્રકાશમાં, ચશ્મા સાથે કે વિના અને દાઢી સાથે કે વિના આપણો ચહેરો સ્માર્ટફોનને વારંવાર બતાવીએ એ પછી સિસ્ટમ એ ડેટાનો ફેસ રેકગ્નિશન તરીકે ઉપયોગ કરે છે. કોઈ સંજોગમાં ફોન આપણો ચહેરો ઓળખી ન શકે તો આપણે રાબેતા મુજબ પેટર્ન, પિન કે પાસવર્ડ આપીને ફોન અનલોક કરી શકીએ છીએ. જો તમે ટ્રસ્ટેડ ફેસ સાથે ટ્રસ્ટેડ પ્લેસ કે ટ્રસ્ટેડ ડિવાઈસ સ્માર્ટ લોકનો ઉપયોગ કરતા હશો તો એ સંજોગોમાં ફોન આપોઆપ અનલોક્ડ રહેશે પરંતુ જો ફક્ત ટ્રસ્ટેડ ફેસ સ્માર્ટ લોક પસંદ કર્યું હશે તો જ્યારે તમે ફોન ઓન કરશો ત્યારે નીચેની તરફ લોકની જગ્યાએ કોઈ વ્યક્તિના ચહેરા જેવી નિશાની આવશે. તેનો મતલબ કે તમે ફોનની સામે જોઈને તેને ફટાફટ અનલોક કરી શકશો.

ટ્રસ્ટેડ ડિવાઈસ

તમે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ, સ્માર્ટવોચ, ટેબલેટ, બ્લુટૂથ હેડસેટ જેવા બીજા સાધનનો સતત ઉપયોગ કરતા હો ત્યારે સ્માર્ટફોન એ સાધનની નજીક હોય તેટલા સમય સુધી આપોઆપ અનલોક્ડ રહે એવું સ્માર્ટ લોક આપણે લગાવી શકીએ છીએ. કારમાં બ્લ્યુટૂથ સિસ્ટમ હોય તો સ્માર્ટફોનમાં તેને ટ્રસ્ટેડ ડિવાઈસ તરીકે ઉમેરીને ફોન કારમાં (કે કારની નજીક) હોય ત્યારે આપોઆપ અનલોક્ડ રહે તેવું થઈ શકે છે. ફોનમાં ટ્રસ્ટેડ ડિવાઈસ ઉમેરવા માટે ટ્રસ્ટેડ ડિવાઈસીસ પર ક્લિક કરો અને તેમાં એડ ટ્રસ્ટેડ ડિવાઈસ પર ક્લિક કરો. ફોનના બ્લ્યુટૂથની રેન્જમાં રહેલું આપણું બીજું સાધન અહીં જોવા મળશે તેના પર ક્લિક કરી દો.
એટલું યાદ રાખશો કે ગૂગલના કહેવા મુજબ બ્લ્યુટૂથની રેન્જ લગભગ ૧૦૦ મીટર સુધીની હોય છે, વાસ્તવમાં તે તેનાથી ઓછી હોઈ શકે પરંતુ એટલા વિસ્તારમાં આપણો ફોન અનલોક્ડ રહેશે. આપણે ઈચ્છીએ તેટલા ટ્રસ્ટેડ ડિવાઈસીસ ઉમેરી શકીએ છીએ.

ફોનના એક્સેલરોમીટરની કમાલ

 ‘ઓન બોડી ડિટેક્ટશન’ પ્રકારનું સ્માર્ટ લોક એક્ટિવ કર્યા પછી, એક વાર ફોન સાદી રીતે અનલોક કર્યા પછી આપણા હાથમાં કે ખિસ્સામાં કે પર્સમાં રહે ત્યાં સુધી તે અનલોક્ડ રહે છે. આ કરામત ફોનમાંના એક્સેલરોમીટરની હોય છે. આ સેન્સર થોડા સમયમાં આપણી ચાલવાની ઢબ જાણી લે છે અને જો બીજી કોઈ વ્યક્તિના હાથમાં આપણો ફોન હોય તો તેની અલગ ઢબ જાણીને ફોન લોક થઈ જાય છે. પરંતુ આ સ્માર્ટ લોક એટલું બધું સ્માર્ટ નથી કે આપણા અને બીજી વ્યક્તિ વચ્ચેનો તફાવત એકદમ સચોટ રીતે પારખી શકે!

વોઈસ કમાન્ડ

તમે જાણતા જ હશો કે આપણે સ્માર્ટફોન સાથે ‘વાતચીત’ કરીને ઘણું કામ લઈ શકીએ છીએ. અગાઉના ટ્રસ્ટેડ વોઇસ પ્રકારના સ્માર્ટ લોકમાં, આપણે ફોનની સિસ્ટમને આપણો અવાજ પારખવાની તાલીમ આપીને, ફક્ત  ‘ઓકે ગૂગલ’ કહીને ફોન અનલોક કરી શકીએ છીએ. જોકે આ પદ્ધતિ અસલામત હોવાથી, હવે આ રીતે ફોનને પૂરેપૂરો અનલોક કરી શકાતો નથી, માત્ર મર્યાદિત પ્રમાણમાં ફોન પાસેથી કેટલુંક કામ લઈ શકાય છે.

Related posts

કંબોડિયામાં આવેલું અંકોર વાટ હિન્દુ મંદિર હવે વિશ્વની 8મી અજાયબી, જાણો ઇતિહાસ

Moshin Tunvar

Thailand-Malaysia જેવા Visa Free દેશોમાં જવાનો શું છે નિયમ?, એકવાર જરૂર જાણી લેજો આ માહિતી

Kaushal Pancholi

વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ

HARSHAD PATEL
GSTV