GSTV

જગતની સૌથી મોંઘી છત્રીની કિંમત છે 36 લાખ રૃપિયાથી પણ વધુ! : હજારો વર્ષથી વપરાતી વરસાદ રક્ષક છત્રીની ફેક્ટ-ફાઈલ

છત્રી

Last Updated on September 1, 2021 by Lalit Khambhayata

ચોમાસુ શરૂ થાય એટલે ઘરની બહાર નીકળતા પેહલા “છત્રી સાથે લેતા જજો”ની બુમ સાંભળવા મળતી હોય છે. ચોમાસામાં વરસાદથી બચવા માટે છત્રી અતી ઉપયોગી સાબિત થાય છે. છત્રીનો ઉપયોગ પાછલા ઘણા વર્ષથી વિવિધ સંસ્કૃતિમાં જોવા મળે છે. છત્રી આજકાલની શોધ નથી પરંતુ પાછલા 4000 વર્ષોથી વિવિધ પ્રાંતમાં તેને વિવિધ રીતે ઉપિયોગમાં લેવામાં આવે છે. છત્રીનો ઉપિયોગ પ્રાચીન ઇજિપ્શિયન લોકો દ્વારા સૂરજ દેવતાના પ્રકોપથી બચવા માટે કરવામાં આવતો હતો તેવા પુરાવા આપણને પ્રાચીન ઇજિપ્શિયન ચિત્રોમાંથી મળી રહે છે. છત્રીનો વ્યાપક ઉપિયોગ જોકે ચીનમાં શરૂ કરવામાં આવ્યો હતી જ્યા તેને પરિધાન રૂપે સાથે રાખવાનો રિવાજ હતો. ચીનમાં લાકડાની પાતળી ડાળી સાથે મીણનું પાતળું પડ જોડી તેમાંથી છત્રી બનાવવામાં આવતી હતી. ચીનમાં આ પ્રકારની છત્રીને શિયાળા દરમ્યાન ઠંડીથી બચવા માટે પણ ઉપિયોગમાં લેવામાં આવતી હતી.

ભારતમાં પણ છત્રીનો વ્યાપક ઉપિયોગ કરવામાં આવે છે. ભારતમાં છત્રીનો ઉપિયોગ પૌરાણિક કાળથી કરવામાં આવે છે જેના ઉદાહરણ આપણને મહાભારતમાં મળે છે. મહાભારતમાં યુદ્ધ સમયે દરેક રથ ઉપર છત્રી હોવાનું વર્ણન વાંચવા મળે છે.  છત્રી એકધારી હાથમાં પકડી રાખવામાં હાથ દુઃખી જતા વિકલ્પ સામે આજના સમયમાં રેઇનકોટનો સરળ વિકલ્પ ઉપલબ્ધ છે પણ તે છત્રીની જગ્યા લઇ શકે તેમ નથી કારણ કે વરસાદથી બચવા સિવાય પણ છત્રી ઘણી રીતે કામ આવે છે. ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાથમાં અચૂક રાખવી પડે એવી છત્રીની રસપ્રદ વિગતો…

1. છત્રીનું અંગ્રેજી નામ “Umbrella” ક્યાંથી આવ્યું ?

ગુજરતી શબ્દ છત્રીનો અર્થ છત અથવા છાપરું થાય છે તેમ જ અંગ્રેજી શબ્દ અમ્બ્રેલાનો અર્થ પણ તેવો જ કઈ થાય છે. Umbre/અમ્બ્રે મૂળ લેટિન અમેરિકન શબ્દ છે જેનો અર્થ છાયડો થાય છે. જ્યારે પૂરા અમ્બ્રેલા શબ્દનો અર્થ “છાયડો આપવા વાળુ” થાય છે. છત્રીનો આ અર્થ જોકે માત્ર અમેરિકા અને યુરોપ સુધી જ સીમિત નથી પરંતુ જાપાન અને ચીનમાં પણ છત્રીનો એક સરખો જ અર્થ થાય છે. ચીનમાં છત્રીને “San/સાન” અને જાપાનમાં “Kasa/કાસા” નામથી ઓળખવામાં આવે છે.

2. સજ્જનતાની નિશાની

4000 વર્ષ પેહલા જ્યારે છત્રીની શોધ થઈ ત્યારથી આધુનિક યુગ સુધીમાં છત્રીની બનાવટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યારે તો જોકે ખિસ્સામાં સમાય જાય તેવડી છત્રી ઉપલબ્ધ છે અને તે પણ સ્ત્રી પુરુષ બંને માટે પણ ઓગણીસમી સદી પેહલા તેવું ન હતું. ઓગણીસમી સદી પેહલા યુરોપમાં માત્ર સ્ત્રીઓ પરિધાન રૂપે છત્રીનો ઉપયોગ કરતી હતી. આ સ્ત્રીઓમાં વાળી રાજવંશની સ્ત્રી હોય તો તેની છત્રીને વધુ સારી રીતે શણગારેલી જોવા મળતી હતી. તે સમયે જો કોઈ પુરુષ છત્રી સાથે દેખાય જાય તો તે હાંસીપાત્ર ગણાતો હતો. પણ 19મી સદીમાં જ્યારે લાંબી કાળા રંગની ખાસ પુરુષ માટેની છત્રી શોધવામાં આવી ત્યારે પુરુષવર્ગમાં પણ છત્રી માટેનું આકર્ષણ વધ્યું હતું. કાળા રંગની લાંબી છત્રી હાથમાં હોય તો વધુ સજ્જન લાગીએ તેવી માન્યતાને લીધે ઓગણીસમી સદીના અંત સુધીમાં તો લગભગ દરેક પુરુષના હાથમાં છત્રી જોવા મળતી હતી. બ્રિટનમાં તો વળી વગર છત્રીના પુરુષને સજ્જન માનવામાં ન આવતો હતો જેની સાથે બ્રિટનમાં ઘણી તેવી ક્લબ પણ શરૂ કરવામાં આવી હતી જેમાં છત્રી વગર એન્ટ્રી આપવામાં આવતી નહતી. બ્રિટનમાં તેવી ક્લબને જેન્ટલમેન ક્લબ નામથી ઓળખવામાં આવતું હતી. ભારતમાં પણ છત્રી સાથે રાખવાનો રિવાજ જોવા મળે છે. આ રિવાજના બે પ્રસિદ્ધ ઉદાહરણ છે આર કે લક્ષ્મણ રચિત કાર્ટૂન “કોમન મેન” અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જોવા મળતા “પત્રકાર પોપટલાલ”. આ બંને પાત્રો જોકે સંપૂર્પણે કાલ્પનિક છે પણ તેમનો છત્રી સાથે રાખવાનો શોખ સંપૂર્ણપણે વાસ્તવિક છે અને ઘણી વાર આપણી આસપાસ જોવા પણ મળે છે.

3. વરસાદ ઉપરાંત બુરી નજરથી પણ બચાવે છત્રી !

દુનિયાભરમાં છત્રીનો ઉપયોગ વરસાદ અથવા તાપથી બચવા માટે કરવામાં આવે છે પણ તેની સાથે દુનિયાની અમુક સંસ્કૃતિમાં છત્રીના બીજા પણ અનોખા ઉપયોગ જોવા મળે છે. ચીની સંસ્કૃતિમાં કાગળની બનેલી છત્રીને સારા નસીબની નિશાની માનવામાં આવે છે. જેની સાથે કાગળની બનેલી છત્રી પ્રેત-આત્માને દૂર રાખે છે તેવી માન્યતા પણ ચીનમાં જોવા મળે છે. ચીનમાં તેવું માનવામાં આવે છે કે કાગળની છત્રી યુદ્ધ થવાથી રોકી શકે છે અને જેની પાસે હમેશા કાગળની છત્રી હોય છે તે લાંબુ જીવન જીવે છે. ચીનના પાડોશી પ્રાંત તિબેટમાં તો છત્રીને તેથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. તિબેટમાં એક દેવીને ને પૂજવામાં આવે છે જેમનું નામ Sitatpatra/સિતાતપત્રા છે. આ દેવીના નામનો અંગ્રેજી અર્થ “સફેદ છત્રી” થાય છે અને આ દેવી ભૂત-પિશાચને દુર રાખે છે તેવી ધાર્મિક માન્યતા છે.

4. છત્રી ખૂબ સારું હથિયાર પણ છે

વરસાદથી બચાવવા ઉપરાંત જરૂર પડ્યે છત્રીનો ઉપયોગ હથિયાર રૂપે પણ કરવામાં આવે છે. છત્રીના હાથામાં પાતળી છરી છૂપાવી તેને જરૂર પડ્યે હથિયાર રૂપે વાપરવામાં આવે છે. હોલિવૂડની અમુક ફિલ્મોમાં જોકે છત્રીને બીજા પણ ઘણા અનોખા હથિયાર રૂપે દર્શાવામાં આવી છે દા.ત. જોની ઇંગ્લિશ રીબોર્ન ફિલ્મમાં છત્રીથી મિસાઈલ છોડી શકાય છે તેવું દર્શાવામાં આવ્યું છે પણ તે સૌ માટે કલ્પના છે હકીકત નહિ. છત્રીના હાથામાં છરી છુપાવવી જોકે ઘણું સફળ હથિયાર છે જેનું ઉદાહરણ 1978માં થયેલી એક હત્યા છે. 1978માં બલ્ગેરિયન ડીફેક્ટર જ્યોર્જી મર્કોવ લંડન આવ્યા હતા જ્યા વોટરલુ બ્રિજ પર તેમની હત્યા છત્રીમાં છુપાવેલી ઝેર વાળી છરીથી કરવામાં આવી હતી. ભારતમાં પણ છત્રીમાં છરી છૂપાવી સાથે રાખવામાં આવે છે. ગુજરાતમાં આ પ્રકારના હથિયારને “ગુપ્તી” નામથી ઓળખવામાં આવે છે. છત્રી ઉપરાંત સાથે રહેલા નકશી વાળ ડંડામાં પણ છરી છપાવી રાખવામાં આવે છે.

5. છત્રીનું મ્યુઝિયમ

દરેક ઉપયોગી વસ્તુની જેમ છત્રીના પણ સંગ્રહાલય જોવા મળે છે. છત્રીનું પ્રથમ સંગ્રહાલય નેન્સી હોફમેન નામની એક મહિલાએ યુએસએ ખાતે શરૂ કર્યું હતું અને તેને નામ આપ્યું હતું અમ્બ્રેલા કવર મ્યુઝીયમ. નેન્સી દ્વારા તેના આ સંગ્રહાલયમાં 700થી પણ વધુ પ્રકારની છત્રીને પ્રદર્શિત કરવામાં આવી છે. નેન્સી દ્વારા પાછળથી તેના આ અનોખા છત્રી સંગ્રહાલયની એક બ્રાંચ બ્રિસ્ટોલ , ઇંગ્લેન્ડ ખાતે પણ શરૂ કરવામાં આવી છે. નેન્સી પોતના આ મ્યુઝીયમને એક ખાસ કારણથી તૈયાર કર્યું હોવાનું જણાવે છે અને તે છત્રીને માત્ર વરસાદથી બચવા માટેનું કોઈ ઉપકરણ નહિ પરંતુ માણસના જીવનનું એક અભિન્ન અંગ માને છે.

6. વિશ્વની સૌથી મોંઘી છત્રી

વિશ્વમાં સૌથી મોંઘી છત્રી Billionaire Couture/બિલિયનર કોચર છે. આ છત્રી એક્સ્ટ્રીમ લકઝરી નામની એક પુરુષ પરિધાન બનાવતી કંપનીની છે જેને ફોર્મ્યુલા વનના રેસર ફ્લેવિયો બ્રિટોર અને એન્જેલો ગલાસો દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ છત્રીની કિંમત $50,000 (અંદાજે ₹36,50,000) છે. આ છત્રી મેળવવા માટે બિલિયનર કોચરને તેમની ઓફિસ ખાતે ખાસ ઓર્ડર આપવો પડે છે જ્યાર બાદ આ કંપની આ છત્રી તૈયાર કરી તમારે ઘરે પોહચાડે છે. બિલિયનર કોચરનું પ્રોડક્શન યુનિટ વાળી ઈટલી ખાતે આવેલું છે જ્યાં આ કંપની પોતના દરેક પ્રોડક્ટ માટે ખાસ કાચો માલ પસંદ કરી તેને ખાસ કરિગર દ્વારા હાથથી તૈયાર કરાવડાવે છે. એક્ટ્રીમ લકઝરી પોતાના દરેક પ્રોડક્ટની માત્રા લિમિટેડ રાખે છે માટે સમાન્ય બજારમાં તેની કોઈ સામગ્રી જોવા મળતી નથી, તેમાં પણ છત્રી તો બિલકુલ નહિ.

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!