પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા વધારાના કારણે દેશભરમાં સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલી ક્રૂડ ઓઈલની કિંમતના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે મુંબઈમાં પેટ્રોલની કિંમત 84 રૂપિયાને પાર પહોંચી છે. તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.87 રૂપિયાની સપાટીએ પહોંચી છે. મહત્વનું છે કે, છેલ્લા નવ દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.24 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.15 રૂપિયાનો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થવાના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.
પેટ્રોલમાં ભાવ વધારો
શહેર પ્રતિ લિટર કિંમત
મુંબઈ 84.70 રૂપિયા
ચેન્નાઈ 79.79 રૂપિયા
કોલકાતા 79.53 રૂપિયા
દિલ્હી 76.87 રૂપિયા
પેટ્રોલ અે ડિઝલના ભાવ અે સરકાર માટે માતાનો દુખાવો બન્યા છે. આ તરફ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તેલ કંપનીઓના ચેરમેન સાથે બેઠક કરશે. બેઠકમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અંગે ચર્ચા કરવામાં આવશે. ગઈ કાલે આયોજિત બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ આજે આ બેઠક મળી રહી છે. સૂત્રો મુજબ બુધવારે મોડી સાંજ સુધીમાં સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડા અંગે કોઇ નવી ફોર્મુલા લઇને આવી શકે છે.
સરકારને તે વાતની ચિંતા છે કે ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સરકાર જશ્ન મનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતો સરકારના જશ્નમાં અડચણ બની રહી છે. કિંમત ઘટાડાવના વિકલ્પો ચર્ચા કરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ તમામ બાબતો પર ચર્ચાને ધ્યાને રાખીને એક્સાઇઝ અને વેટમાં કાપના વિકલ્પ પર અમલ થવાની વધુ સંભાવના છે. ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડવા અંગે કહેવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારને પ્રતિ લીટર પેટ્રોલે 25 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે
પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમત અંગે પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ચિદમ્બરમે ટ્વિટ કરીને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. ચિદમ્બરમે કહ્યુ કે, કેન્દ્ર સરકારને પ્રતિ લીટર પેટ્રોલે 25 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. સરકાર દેશની જનતાને દગો આપી રહી છે. ચિદમ્બરમે વધુમાં કહ્યુ કે, પેટ્રોલમાં પ્રતિ લીટર 25 રૂરિયાનો ઘટાડો થઈ શકે છે. પરંતુ સરકાર માત્ર એકથી બે રૂપિયાનો ઘટોડો કરી જનતાને દગો આપી રહી છે. મહત્વનું છે કે, દિલ્હીમાં છેલ્લા નવ દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.24 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમતે 84 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે.