જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાના જવાન પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યા છે. સેનાએ આસિફ મલિક નામના આતંકવાદીને અથડામણમાં ઠાર કર્યો છે. જ્યારે સેનાના એક જવાન શહીદ થયા છે. સેનાને અનંતનાગના ડુરૂ શાહાબાદ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ ઓપરેશન ઓલ આઉટ તેજ કર્યુ હતું. આતંકવાદીઓની અથડામણ વચ્ચે શ્રીનગરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાને બડગામના ચડુરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ ચડુરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સેનાના જવાન પર આતંકવાદીઓએ ગોળીબાર કરતા સેનાએ ઓપરેશન શરૂ કર્યો છે. સેનાએ બેથી ત્રણ આતંકવાદીઓને એક ઈમારતમાં ઘેર્યા છે. આ પહેલા સેનાએ સોપોરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ પાર્ટ – ટુની શરૂઆત કરી છે. જેથી આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.