સુપ્રીમ કોર્ટે એક કેસના મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે, જ્યારે હિન્દુ પતિ-પત્ની વચ્ચે સંબંધો સુધરવાનો કોઇ તક ન રહે તો બંનેની એકબીજાની સંમતિથી તરત જ છૂટાછેડાની મંજૂરી આપી શકાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે, આવા મામલામાં એકબીજાની સંમતિથી આપવામાં આવેલી અરજી બાદ છ મહિનાના કૂલિંગ ઓફ પીરિયડની અનિવાર્યતાને પણ ખત્મ કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે છ મહિનાના કૂલિંગ ઓફ પીરિયડના કાનૂની જવાબદારીને દૂર કરતા કહ્યું કે, આશયવિહીન લગ્નને લાંબા સમય સુધી ટકાવવા અને બંને પક્ષોની પીડા વધારવાનો કઇ મતલબ નથી. જો કે, વૈવાહિક સંબંધ જાળવી રાખવા માટે હરસંભવ પ્રયાસ કરવો જોઇએ. પરંતુ જ્યારે બંને પક્ષો પર તેની કોઇ અસર ન થાય તો તેમને નવું જીવન શરૂ કરવાનો વિકલ્પ આપવો સારો રહેશે.
કોર્ટે કહ્યું કે, અમારું માનવુ છે કે, હિન્દુ વિવાહ અધિનિયમની કલમ-13 બી(2)માં વર્ણવ્યા મુજબ છ મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ અનિવાર્ય નથી પરંતુ, આ એક નિર્દેશિકા છે. આવામાં મામલામાં પુરાવા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કોર્ટ પોતાના અધિકારીનો ઉપયોગ કરી શકે છે. જો કે, કોર્ટને એ પણ લાગવું જોઇએ કે, બંને પક્ષોની વચ્ચે સમાધાનની કોઇ આશા નથી. અંતિમ આદેશ માટે છ મહિનાનો સમય લેવો સિવિલ જજ પર નિર્ભર હશે. જો જજ ઇચ્છે તો તરત છૂટાછેડાનો આદેશ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દિલ્હીના એક કપલના છૂટાછેડાના મામલામાં આવ્યો છે, જેઓ છેલ્લા આઠ વર્ષથી અલગ રહેતા હતા અને એકબીજાની સંમતિથી ત્રીસ હજારી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી આપી હતી.