પૂર્વીય લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે સ્થિતિ ઠીક નથી. એટલું જ નહીં ચીની અને ભારતીય સૈનિકો સરહદ પર અનેક ભાગોમાં એકદમ આમને-સામને છે. પરિણામે સ્થિતિ અત્યંત નાજુક અને ખતરનાક થઈ ગઈ છે. આ દાવો બીજા કોઈ નહીં પરંતુ દેશના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કર્યો છે. તેમણે કહ્યું કે તેમના મતે લદાખ સરહદે સ્થિતિ હજુ પણ ભયાનક છે.

વિદેશ મંત્રી જયશંકરે એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યા પછી ફરી એક વખત ભારત અને ચીનના સંબંધો અંગે વૈશ્વિક સ્તરે કયાસ લાગવાનું શરૂ થઈ ગયું છે. મે ૨૦૨૦થી જ ભારત અને ચીન સરહદે વારંવાર સ્થિતિ ઉકળતી રહી છે. ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ઘર્ષણ પછી બંને દેશો વચ્ચેના સંબંધો ૧૯૬૨ના યુદ્ધ પછી સૌથી વધુ તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયા છે.
ગલવાન ઘાટીની હિંસામાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના ૪૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. જોકે, ચીને ક્યારેય તેની કબૂલાત કરી નથી. જોકે, કૂટનીતિક અને સૈન્ય વાટાઘાટોના માધ્યમથી સરહદે સ્થિતિ શાંત કરી દેવાઈ હતી. પરંતુ ડિસેમ્બર ૨૦૨૨માં બંને દેશો વચ્ચે ફરી એક વખત પૂર્વીય ક્ષેત્રમાં હિંસા ભડકી ઊઠી હતી, પરંતુ કોઈ સૈનિકોનાં મોત થયા નહોતા.

ચીને ક્યારેય ભારત અને ચીન વચ્ચેની મેકમોહન લાઈનને આંતરરાષ્ટ્રીય સરહદના રૂપમાં માન્યતા નથી આપી. ભારતે ચીન પર એકતરફી રીતે સરહદની યથાસ્થિતિ નષ્ટ કરવાનો આરોપ મૂક્યો છે.
જોકે, ડિસેમ્બરની ઘટના પછી બંને દેશોએ ફરી એક વખત કૂટનીતિક સ્તરે વાટાઘાટો શરૂ કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસોના ભાગરૂપે જ મે ૨૦૨૦ પછી પહેલી વખત ચીનના વિદેશ મંત્રી જી-૨૦ની બેઠકમાં હાજરી આપવા ભારત આવ્યા હતા.

બીજીબાજુ ભારતીય સૈન્યના વડા (આર્મી ચીફ) જનરલ મનોજ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન ઝડપથી તેનું સૈન્ય વધારી રહ્યું છે. તેની સરહદમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી બની રહ્યું છે. લદાખ સરહદે પીપલ્સ લિબરેશન આર્મીની સૈન્ય શક્તિઓ ઘટી નથી. જોકે, ભારતીય સૈન્યના જવાનો પણ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
તેમણે ઉમેર્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સ્થિતિ સ્થિર છે. પરંતુ આપણે બધીજ બાબતો પર ખૂબ જ ઝિણવટપૂર્વક નજર રાખવી પડશે. કોઈપણ અપ્રિય સ્થિતિનો સામનો કરવા માટે આપણી પાસે હથિયારોનો પર્યાપ્ત ભંડાર છે.આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર પણ ફોકસ કર્યું છે. જોકે, સૈન્ય વડાના નિવેદન પછી વિદેશ મંત્રીની આ ચિંતા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે