GSTV
Home » News » આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

એક સમયે દેશની અગ્રણી કંપનીઓમાં સ્થાન પામતી કલોલ સ્થિત સિન્ટેક્સ જૂથની હાલત છેલ્લા એક વર્ષથી સતત કથળી રહી છે. કંપની પોતાના ડિબેન્ચર ધારકોને સમયસર વ્યાજ અને મુદ્દલ ચૂકવી શકી નથી અને અચાનક જ કંપનીની હાથ ઉપરની રોકડ ગુમ થઇ ગઈ છે. આટલી નબળી હાલત હોવાથી ક્રેડીટ રેટિંગ એજન્સી કેર દ્વારા કંપનીના ડિબેન્ચર ઉપરનું રેટિંગ પરત ખેંચી લીધું છે. જોકે, બજારના વર્તુળોએ જણાવ્યા અનુસાર વગદાર પ્રમોટર અને માલિકોએ બેંકો સાથે મળી રૂ.૬,૫૦૦ કરોડ જેટલી માતબર રકમની લોન રીસ્ટ્રક્ચર કરાવી લીધી છે.

જૂની લોન પરત કરવાની જગ્યાએ બેંકોએ કંપનીને તેની પરત ચુકવણીનો સમય વધારી આપ્યો છે અને અન્ય કેટલીક રાહતો આપી હોવાની પણ બજારમાં ચર્ચા થઇ રહી છે. માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ આ લોન રીસ્ટ્રક્ચર કરી આપવાનો ઇનકાર કર્યો છે અને બાકી ૧૭ જેટલી બેંકના ટોચના અધિકારીઓએ રાતોરાત નવી લોનની શરત, પરત ચૂકવણીનું નવું શીડ્યુલ મંજૂર કરી દીધું છે.

તા.૮ જુલાઈના રોજ કંપનીએ રૂ.૨૫૦ કરોડના ડિબેન્ચર ઉપર રૂ.૫.૮૬ કરોડનું વ્યાજ ચુકવવામાં નિષ્ફળતા જાહેર કરી હતી. અગાઉ તા.૧૧ જૂનના રોજ કંપની એ ડિબેન્ચર ઉપર રૂ.૩.૦૩ કરોડનું વ્યાજ અને રૂ.૮૫.૮૪ કરોડનું મુદ્દલ પરત ચુકવવામાં નિષ્ફળતા જાહેર કરી હતી. હજુ ઓગસ્ટ મહિનામાં પણ કંપનીએ આવી જ રીતે પરત ચુકવણું કરવાનું છે પણ હાથ ઉપર રોકડ નહી હોવાથી ત્યારે પણ નિષ્ફળતા મળે એવી શક્યતા છે. આથી જ કંપનીના પ્રોમોટર દ્વારા રાતોરાત બેંકો પણ નાણા પરત માંગે નહી, પરત ચુકવણીમાં વિલંબ થાય તો ચિંતા ઉભી થાય અહીં અને કંપની સામે ઇન્સોલ્વન્સી એન્ડ બેનક્ર્સ્પસી કોડ (આઈબીસી) હેઠળ નાદારીની કાર્યવાહી શરૂ થાય નહિ એટલે માટે પાણી પહેલા પાળ બાંધવામાં આવી હોવાની વાત છે.

લોન માટે ઓડીટ થયું કે નહી?

લોનની પરત ચુકવણીમાં વિલંબ થવો એ બિઝનેસ માટે એક પડકાર હોય શકે. પરંતુ, જે રીતે અચાનક જ કંપની ખોટ કરી થઇ ગઈ છે તે અનેક સવાલ ઉભા કરે છે. આ સ્થિતિમાં સિન્ટેક્સ દ્વારા લેવામાં આવેલી લોનનો ઉપયોગ, ઉદ્દેશ મુજબ થયો છે કે તેનાથી વિદેશમાં રકમ પગ કરી ગઈ છે? કંપનીએ લીધેલી લોનનો ઉપયોગ વિસ્તરણ પાછળ જ થયો છે કે પછી તેનાથી માલિકોના વૈભવી ખર્ચ ચૂકવાયા છે તે અંગે ઓડીટ થવું ફરજીયાત છે. રાતોરાત જે રીતે રૂ.૬,૫૦૦ કરોડની લોન રીશીડ્યલ કરી આપવામાં આવી છે તે અનેક શંકા ઉપજાવે છે અને એ પણ એવા તબક્કે જયારે કંપની માત્ર થોડા કરોડનું વ્યાજ પણ ભરી શકવા સમર્થ હોય નહિ, ક્રેડીટ રેટિંગ એજન્સી ડિફોલ્ટ રેટિંગ આપી રહી હોય ત્યારે બેંકોએ માલિકોને આ રીતે રસ્તો કરી આપવો જોઈએ નહિ.

બેંકોના બાકી લેણા રૂ.૫,૯૫૦ કરોડ :

 સિન્ટેક્સ ઉપર માર્ચ ૨૦૧૯ના રોજ રૂ.૫,૯૫૦ કરોડનું દેવું છે જે માર્ચ ૨૦૧૮માં રૂ.૫,૫૧૧ કરોડનું હતું. બીજી તરફ બિઝનેસમાં નવી રોકડનો પ્રવાહ માર્ચ ૨૦૧૮ સુધી રૂ.૩૦૦ કરોડ હતો જે ઘટી માર્ચ ૨૦૧૯ના રૂ.૨૬૪ કરોડ થયો હતો. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન મોટી માત્રામાં લોનની પરત ચુકવણી કરવાની છે. આ સ્થિતિમાં જો રોકડ હોય નહી તો દેવું કેવી રીતે ભરપાઈ કરશે એ એક સવાલ છે. આ ઉપરાંત, રૂ.૩૦૦ કરોડ જેવી રકમ કંપનીએ પોતાના વેપારીઓને, માલ સપ્લાય કરનારા લોકોને પણ ચુકવવાની બાકી છે. એ કેવી રીતે આપવામાં આવશે તેના ઉપર પણ સવાલ છે.

શેરના ભાવમાં ૯૮ ટકાનો ઘટાડો :

કંપનીના શેરના ભાવ માર્ચ ૨૦૧૫માં રૂ.૧૩૦.૬૫ની સપાટીએ હતા આજે રૂ.૩.૦૭ના ભાવે પણ તેનું કોઈ ખરીદનાર નથી. કંપનીના શેરના ભાવમાં ૯૮ ટકાનો ધરખમ ઘટાડો આવ્યો છે. પ્રોમોટર પાસેના ૮૪ ટકા શેર ગિરવે છે. કંપનીનું માર્કેટ કેપ માત્ર રૂ.૧૮૨.૩૯ કરોડ જ છે. ગિરવે મુકેલા શેર વેચવાથી કે વધારે શેર ગિરવે મુકવાથી પણ કંપનીની નાણાકીય હાલતમાં કોઈ મદદ મળવાની નથી. માર્કેટ કેત્પ ઘટી ગયું હોવાથી વધારે મૂડી એકત્ર કરવા માટે પ્રમોટર પણ બીજી કોઈ રીતે મદદ કરી શકે એમ નથી કે નથી NBhaવધારાની મૂડી નાખી શકે.

અચાનક કંપનીની હાલત કેમ બગડી?

બજારના સુત્રોએ જણાવ્યું હતું કે આડેધડ વિસ્તરણ, અવિચારી અને વૈભવ પાછળ ખર્ચ અને વિદેશમાં રહેલી કંપનીઓમાં રોકાણ થકી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝની હાલત ગબડી રહી છે. કંપનીની ટેક્સટાઈલ્સ ક્ષેત્રે જે વિસ્તરણ કર્યું તેનાથી બજારમાં માલનો ભરવો થઇ ગયો હતો. વધુને વધુ ઉત્પાદન બજારમાં વેચવા માટે કંપનીએ ઉધારીમાં માલ આપવાનું શરૂ કર્યું એટલે રોકેલી મૂડી સામેનું વળતર માત્ર અઢી ટકા જેટલું જ છે. બીજી તરફ, વેચાણ ભલે વધે પણ કંપનીના હાથમાં રોકડ આવી રહી નથી એટલે કંપનીની નાણાકીય હાલત વધારે કફોડી બની છે. બજારના સુત્રોએ એવું પણ જણાવે છે કે સિન્ટેક્સની બીજી એક કંપની સિન્ટેક્સ પ્લાસ્ટિક ટેકનોલોજી હેઠળ આવેલી ૨૨માંથી ૧૫ જેટલી પેટા કંપનીઓ વિદેશમાં કાર્યરત છે. કંપનીએ ઓઈલ એન્ડ ગેસ, લોજીસ્ટીક્સ જેવા પોતાને લાગુ નહી પડતા ક્ષેત્રોમાં રોકાણ કરી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, માલિકોની જે લાઈફસ્ટાઈલ છે, વૈભવી બંગલો, કરોડો રૂપીયાના ખર્ચે તેમાં થતું ઇન્ટીરીયર ડેકોરેશન જેવા ખર્ચનું ભારણ પણ કંપનીની નાણાકીય સ્થિતિ ડામાડોળ કરી રહ્યું છે.

શિકાર માટે આફ્રિકામાં ગેમ પાર્કની ખરીદી :

કંપનીના માલિકોના નિકટના વર્તુળોએ જણાવ્યા અનુસાર કંપનીના માલિકોને શિકારનો શોખ છે. શિકાર માટે એમણે કરોડો રૂપિયા ખર્ચી આફ્રિકામાં ગેમ પાર્ક ખરીદ્યો હોવાનું જણાવ્યા મળ્યું છે. આ પાર્કમાં નિયમિત રીતે કંપનીના માલિક પટેલબંધુઓ રૂ.૭૦ કરોડના ખર્ચે ભાગીદારીમાં ખરીદેલા ચેલેન્જર ૬૦૪ વિમાનમાં ઉડે છે. આ વિમાન એક કલાક હવામાં પ્રવાસ કરે તો રૂ.૨,૮૦,૦૦૦નો ખર્ચ થાય છે. વિમાન ગુજરાતના જ કોઈ ઉદ્યોગપતિ સાથે ભાગીદારીમાં ખરીદવામાં આવ્યું છે.

વિદેશમાં વૈભવી મકાનોની ખરીદી :

કંપનીના પટેલબંધુઓ પાસે લંડન અને સિંગાપોરમાં પોતાની માલિકીના કરોડો રૂપિયાની કિંમતના ફ્લેટ છે. બન્ને લોકેશન ઉપર આવેલા ફ્લેટ એ શહેરની સૌથી મોંઘી રીઅલ એસ્ટેટ હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે. આ મકાનમાં અન્ય બીજી કરોડો રૂપિયાની રકમનો ખર્ચ સાજ-શણગાર અને નિભાવ પાછળ કરવામાં આવી રહ્યો હોવાનું પણ નિકટના વર્તુળ જણાવી રહ્યા છે.

માલિકો અને અધિકારીઓ ગુમ?

બજારમાં એવી પણ વાત આવી રહી છે કે ગ્રુપના મેનેજીંગ ડીરેક્ટર અમિત પટેલ અને કંપનીના રોજબરોજના કાર્ય માટે જવાબદારી ગણાતા ટોચના અધિકારીઓ રાજીનામું આપી ચુક્યા છે અથવા તો લેણદારોથી નજર છુપાવી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બજારના સ્તુરો આધારિત આ વાતને જોકે કોઈએ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

કંઈ બેંકનાં કેટલાં રૂપિયા?

બેન્કનું નામરૂ. કરોડમાં
પંજાબ નેશનલ બેંક1,035
બેંક ઓફ બરોડા870
બેંક ઓફ ઈન્ડિયા550
સિન્ડિકેટ બેંક460
એક્ઝિમ બેંક450
યુનિયન બેંક342.50
સેન્ટ્રલ બેંક310
પંજાબ સિંધ બેંક303
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ283
સાઉથ ઈન્ડિયન બેંક242
આંધ્ર બેંક243.50
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા161
કર્ણાટક બેંક99
એક્સિસ બેંક85
IDBI બેંક73
યુકો બેંક50
ફેડરલ બેંક13
કેનબેન્ક ફેક્ટર લિમિટેડ6
UBI1.30
કુલ રૂપિયા5577.30

READ ALSO

Related posts

અયોધ્યામાં જમીન મળ્યા બાદ સુન્ની વકફ બોર્ડ મસ્જિદ બનાવવાની જગ્યાએ એ કામ કરવા જઈ રહી છે જે સાંભળી તમે ખૂશ થઈ જશો

Mayur

ગુજરાત સરકાર આટલા કરોડો રૂપિયા ટ્રમ્પના સ્વાગત પાછળ કેમ ખર્ચી રહી છે?

Mayur

ગત્ત વર્ષે અમેરિકામાં 8,51,508 વિદેશી નાગરિકો ઘૂસણખોરી કરતાં ઝડપાયા, ભારતના 7720

Mayur
Do NOT follow this link or you will be banned from the site!