સરકારે જણાવ્યું કે ફેક આઇડેન્ટીટીના આધારે સિમકાર્ડના વેચાણના સંદર્ભે ગત પાંચ વર્ષોમાં 65,991 મોબાઇલ કનેક્શન સાતે સંબંધિત 938 ફરિયાદો મળી છે અને આવા તમામ કેસમાં મોબાઇલ સેવા કનેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે.
દૂરસંચાર મંત્રી મનોજ સિન્હાએ એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં જણાવ્યું કે દૂરસંચાર વિભાગના લાઇસન્સ સેવા ક્ષેત્રને ફરિયાદો મળી કે ફેક આઇડેન્ટીટી પ્રુફના આધારે મોબાઇલ ફોનના સિમકાર્ડ વેચવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગત પાંચ વર્ષ દરમિયાન ફેક આઇડેન્ટીટીના આધારે સિમકાર્ડના વેચાણના સંદર્ભે દૂરસંચાર વિભાગના લાઇસન્સ સેવા ક્ષેત્રને વિભિન્ન સ્ત્રોતો દ્વારા 65,991 મોબાઇલ કનેક્શન સાથે સંબંધિત 938 ફરિયાદો મળી છે.
આ સ્ત્રોતોમાં જાહેર ફરિયાદ પોર્ટલ, કાયદા પ્રવર્તન એજન્સીઓ, રાજ્ય પોલીસ પ્રાધિકરણ, આઇસીઆઇસીઆઇ બેન્ક, પોસ્ટ લેટર, ઇ-મેઇલ અને વિન-સરકારી સંગઠનોનો સમાવેશ થાય છે. સિન્હાએ જણાવ્યું કે ફેક આઇડેન્ટીટીના આધારે આપવામાં આવેલા મોબાઇલ કનેક્શનનૈ બંધ કરી દેવામાં આવ્યાં છે અને સંબંધિત દૂર સંચાર સેવા આપનાર દ્વારા પોલીસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.