GSTV
Bollywood Entertainment Trending

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

સાઉથના સુપરસ્ટાર્સ અને બોક્સ ઓફિસ પરની કમાણીમાં તો બોલીવુડના કહેવાતા મોટા સ્ટાર્સને પછાડી જ રહ્યા છે પણ નીતિમત્તા અને સિધ્ધાંતોમાં પણ બોલીવુડના કહેવાતા સુપર સ્ટાર્સ કરતાં ચડિયાતા સાબિત થયા છે. હિન્દી ફિલ્મોના એક્ટર્સ પૈસાને ખાતર દારૂ અને ગુટખા-પાન મસાલા જેવી યુવા ધનને બરબાદ કરતી જાહેરખબરો બેશરમ બનીને કરી રહ્યા છે ત્યારે સાઉથના કેટલાક સુપર સ્ટાર્સે આરોગ્ય માટે હાનિકારક પ્રોડક્ટ્સની કરોડો રૂપિયાની રકમની ઓફરો ફગાવીને એક પ્રસંશનિય ઉદાહરણ રજૂ કર્યું છે.

‘બાહુબલિ’ ફેઈમ પ્રભાસે તો કોઈ પણ પ્રકારની જાહેરખબરોમાં જ કામ કરવાનો ઈન્કાર કરેલો જ્યારે ‘કેજીએફ ચેપ્ટર ૨’ના કારણે દેશભરમાં છવાઈ ગયેલા યશે ગુટખા-પાન મસાલાની જાહેરખબર ઠુકરાવી દીધી હતી. યશને આ જાહેરખબર માટે સાત કરોડ રૂપિયાની જંગી રકમની ઓફર થઈ હતી પણ યશે સાફ ઈન્કાર કરી દીધેલો. યશના ઈન્કાર પછી આ જ જાહેરખબર ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુનને ઓફ થયેલી પણ અલ્લુએ ઘસીને ના પાડી દીધેલી. હવે અલ્લુ અર્જુને દારૂની જાહેરખબરમા કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. અલ્લુને આ જાહેરખબર માટે આંખો ફાટી જાય એટલા દસ કરોડ રૂપિયા ઓફર થયેલા.

‘પુષ્પા’ના કારણે અલ્લુ અર્જુન આખા દેશના યુવાનોમાં જબરદસ્ત લોકપ્રિય થઈ ગયો છે. પહેલાં માત્ર સાઉથનાં રાજ્યોમાં ને ખાસ તો તેલુગુભાષી આંઘ્ર પ્રદેશ-તેલંગણામાં જ લોકપ્રિયતા ધરાવતા અલ્લુ અર્જુનની સ્ટાઈલ અને સ્વેગના યુવાનો જ નહીં પણ યુવતીઓ પણ દીવાના થઈ ગયા છે. દારૂ બનાવતી દેશની ટોચની કંપની તેનો લાભ લેવા માટે અલ્લુ અર્જુનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગતી હતી.

અલ્લુ અર્જુન સામાન્ય રીતે એક જાહેર ખબર કરવાના સાડા સાત કરોડ રૂપિયા લે છે પણ દારૂની જાહેરખબર હોવાથી આનાકાની કરી શકે એવી ધારણા રાખીને કંપનીએ દસ કરોડ રૂપિયાની ઓફર કરેલી. કંપનીને એમ કે, દસ કરોડ રૂપિયાની ઓફ સાંભળીને અલ્લુ અર્જુન ના જ નહીં પાડી શકે પણ અર્જુન અલગ માટીનો નિકળ્યો. અર્જુને એવું કારણ આપ્યું કે, મારાથી પ્રભાવિત થઈને લોકો ખરાબ આદતો પાડે ને તેમનું નુકસાન કરે એવી કોઈ પણ પ્રોડક્ટ સાથે હું નહી જોડાઉં, તેમનો પ્રચાર નહીં કરું કે તેન પ્રોત્સાહન મળે એવું પણ કશું નહીં કરું.

અલ્લુની આ અદા પર લોકો ફિદા થઈ ગયા છે કેમ કે આપણે બોલીવુડના સ્ટાર્સને દારૂ ને ગુટખા-પાન મસાલાની જાહેરખબરો કરતા જોયા છે. હિન્દી ફિલ્મોમાં મોટા કહેવાતા લગભગ તમામ સ્ટાર્સ આ પ્રકારની જાહેરખબરો કરે છે. સંજય દત્ત ને અર્જુન રામપાલ જેવા સ્ટાર સોડાના બહાને કરાતી દારૂની જાહેરખબરોમાં ચમકે છે તો શાહરૂખ ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર, સૈફ અલી ખાન, ટાઈગર મેમણ વગેરે ગુટખા-પાન મસાલાની જાહેરખબરો કરે છે. હિન્દી સ્ટાર્સ આ જાહેરખબરો પૈસાની લાલચમાં કરે છે એ કહેવાની જરૂર નથી. આઘાત તો એ જોઈને લાગે કે, અમિતાભ બચ્ચન જેવા પૈસાની કોઈ કમી નથી ને જેની પાસે કામ જ કામ છે એવા લોકો પણ આવી જાહેરખબરો કરે છે.

વધારે આઘાત એ જોઈને લાગે કે, આ પ્રકારની જાહેરખબર કરવામાં હિન્દી સ્ટાર્સને કોઈ શરમ પણ નથી નડતી. થોડા દિવસ પહેલાં શાહરૂખ ખાન, અજય દેવગણ અને અક્ષય કુમારની પાન મસાલાની જાહેરખબરના કારણે વિવાદ થઈ ગયેલો. આ કહેવાતા સુપરસ્ટાર્સ યુવાનોને પાન મસાલા તરફ વાળીને બરબાદ કરી રહ્યા છે એવી ટીકાઓનો મારો ચાલ્યો પછી અક્ષય કુમારે ચોખલિયા થવા માટે આ જાહેરખબરમાંથી ખસી જવાનું એલાન કરેલું જ્યારે અજય દેવગણે બિલકુલ નફ્ફટાઈથી કહી દીધેલું કે, અક્ષયને જે ગમ્યું એ તેણે કર્યું પણ મને આવી જાહેરખબર કરવામાં કશું ખોટું નથી લાગતું. અક્ષયે પણ લોકોની નજરમાં હીરો બનવા દેખાડો જ કરેલો કેમ કે હજુય એ જાહેરખબરમાં અક્ષય ચમકે જ છે.

અલ્લુએ હિન્દી સ્ટાર્સથી વિપરીત પૈસાના બદલે સિધ્ધાંતોને મહત્વ આપ્યું તેની પ્રસંશા પણ થઈ રહી છે. અલ્લુની સાથે લોકો પ્રભાસ અને યશને પણ યાદ કરીને વખાણી રહ્યા છે ને એ યોગ્ય પણ છે. આપણા ફિલ્મ સ્ટાર્સ માત્ર પૈસાને મહત્વ આપી રહ્યા છે ત્યારે અલ્લુ, પ્રભાસ, યશ વગેરે પોતાની સામાજિક જવાબદારી સમજીને યુવાનોને બરબાદ કરી નાંખે એવું કશું પણ કરવાથી દૂર રહીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે એ પ્રસંશાને પાત્ર છે જ. ફિલ્મ સ્ટાર્સનો સામાન્ય લોકો પર ને ખાસ તો યુવાઓ પર ભારે પ્રભાવ હોય છે. યુવાનો તેમનાં કપડાં, હેર સ્ટાઈલ, વાત કરવાની સ્ટાઈલ વગેરેની નકલ કરે છે તો ફિલ્મ સ્ટાર્સ જે ચીજોનો પ્રચાર કરતા હોય તેને પણ અપનાવે છે. કોઈ સ્ટાર શરાબ કે ગુટખાની જાહેરખભર કરે તો યુવાનો એવું જ માને છે કે, મારો ફેવરીટ સ્ટાર ફલાણી બ્રાન્ડની શરાબ પીવા કે ગુટખા ખાવાની અપીલ કરે છે તો તેમાં કશું ખોટું નહીં જ હોય.

સામાન્ય માણસમાં એ સમજ નથી હોતી કે, સ્ટાર તો પૈસાને ખાતર આ બધું કરે છે, બાકી અંગત જીવનમાં એ આ ચીજોને કદાચ હાથ પણ નહીં અડાડતો હોય. આ અણસમજના કારણે એ નુકસાનકારક ચીજો તરફ વળે છે ને બરબાદ થાય છે. અલ્સુ સહિતના સ્ટાર્સમાં આ સમજ છે એ સારું છે. પોતાના સ્ટારડમનો ઉપયોગ ધંધાદારી હેતુ માટે કરીને યુવાનોને બરબાદ કરવાનો ખેલ ના કરાય એ વિશે સ્ટાર્સ સભાન છે તેની પ્રસંસા થવી જ જોઈએ.

અલ્લુ કે યશ એક જાહેરખબર ઠુકરાવશે તો તેમને બહુ નુકસાન નહીં થાય પણ તેમના કારણે લાખો યુવાનો શરાબ તરફ વળે કે ગુટખા તરફ વળે તો તેના કારણે સમાજ બરબાદ થશે. સેલિબ્રિટીઝ આ બરબાદી ના રોકી શકે પણ તેમાં નિમિત્ત તો ના જ બને એ જરૂરી છે.

આ સમજ તમામ ફિલ્મ સ્ટાર્સમાં પણ આવે તો સારું. દક્ષિણમાં પણ મહેશ બાબુ ને સામંતા જેવા સ્ટાર્સ શરાબ-ગુટખાની જાહેરખબરો કરે છે તેથી તેમને પણ આ વાત લાગુ પડે જ છે. પોતાનું કામ માત્ર નાણાં કમાવવાનું નથી પણ સમાજને તંદુરસ્ત રાખવાની પણ છે એ સમજ તેમનામાં આવે એ જરૂરી છે. હિવ્દી ફિલ્મોના આ સ્ટાર્સ હજારો કરોડોમાં આળોટે છે એ જોતાં એક જાહેરખબર નહી કરવાથી આભ તૂટી જવાનું નથી કે ભિખારી બની જવાના નથી. ને પૈસાની એટલી જ ભૂખ હોય તો કમાણીના બીજા રસ્તા છે જ. એક વખત સ્ટાર બન્યા પછી નાણાં કમાવાના હજાર રસ્તા ખૂલી જતા હોય છે તેથી આવી જાહેરખબરો ઠુકરાવીને થનારું નુકસાન બીજી રીતે સરભર થઈ જાય પણ સમાજને થનારું નુકસાન કોઈ રીતે સરભર નહીં થાય.

READ ALSO

Related posts

લવ મેરેજ કરતા પહેલા પાર્ટનરમાં આ બાબતોની ચકાસણી ખાસ કરી લેજો, નહીં તો સંબંધોમાં તીરાડ પડતા વાર નહીં લાગે

HARSHAD PATEL

Cricketer’s Love Story/ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા છે DGP, ખૂબ જ દિલચસ્પ છે તેની લવસ્ટોરી

Hemal Vegda

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk
GSTV