Ranji Trophy: ‘જૂનિયર યુવરાજે’ ધમાકેદાર સદીથી જીત્યું સૌનું દિલ

પંજાબના ઓપનર શુભમન ગિલે પોતાની ધમાકેદાર શતકીય ઈનિંગથી સૌ કોઈનું દિલ જીતી લીધું. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ દરમ્યાન પોતાની રમતના અનોખા અંદાજને પગલે ‘જૂનિયર યુવરાજ સિંહ’ના નામથી પ્રખ્યાત થયેલા શુભમન ગિલે હૈદ્રાબાદની સામે 148 રનની આક્રમક ઈનિંગ રમી હતી. શુભમનની ઈનિંગથી પંજાબની ટીમ રણજી ટ્રોફી એલીટ ગ્રુપ-બી મેચના ચોથા અને છેલ્લા દિવસે મંગળવારે હૈદ્રાબાદની સામે જીતની નજીક પહોંચી હતી.

આ ડ્રો મેચની પ્રથમ ઈનિંગમાં સરસાઇને કારણે હૈદ્રાબાદને ત્રણ અંક મળ્યા, જ્યારે પંજાબને એક અંકથી સંતોષ અનુભવવો પડ્યો હતો. જીત માટે 338 રનના લક્ષ્યનો પીછો કરીને ઉતરનારી પંજાબની ટીમ શુભમનના ક્રીજ પર રહે ત્યાં સુધી જીત તરફ કૂચ કરી રહી હતી, પરંતુ ઈનિંગની 51મી ઓવરમાં તેની વિકેટ પડતા ટીમ દબાણમાં આવી ગઇ હતી. તેમણે 154 બોલની ઈનિંગમાં 16 ચોગ્ગા અને બે છગ્ગાથી 148 રન બનાવ્યાં.

શુભમનને અનમોલપ્રીત સિંહ (40) અને કેપ્ટન મંદીપ સિંહ (41)નો સારો સાથ મળ્યો, પરંતુ બંને બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં સફળ ના રહ્યાં. ટીમ 57 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 324 રન બનાવી શકી. મોહમ્મદ સિરાજ હૈદ્રાબાદના સૌથી સફળ બોલર રહ્યાં. જેણે ચાર વિકેટ લીધી.

આ અગાઉ હૈદ્રાબાદે દિવસની શરૂઆત બીજી ઈનિંગમાં બે વિકેટ 155 રનથી કરી. કેપ્ટન અક્ષત રેડ્ડીના અણનમ 161 રનની ઈનિંગથી ટીમે ત્રણ વિકેટે 323 રન બનાવીને ઈનિંગ જાહેર કરી. અક્ષતે 218 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યાં. હૈદ્રાબાદની પ્રથમ ઈનિંગમાં 317 રનના જવાબમાં પંજાબે 303 રન બનાવ્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter