શ્રેયસ ઐયરે વિસ્ફોટ ફોર્મ જારી રાખતાં સળંગ ત્રીજી ટી-૨૦માં નોટઆઉટ અડધી સદી સાથે ૪૫ બોલમાં અણનમ ૭૩ રનનોંધાવીને ભારતને શ્રીલંકા સામેની ત્રીજી અને આખરી ટી-૨૦માં છ વિકેટથી વિજય અપાવ્યો હતો. ભારતે આ સાથે શ્રીલંકાનો પણ ટી-૨૦ શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો હતો. જ્યારે ભારતે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સતત ૧૨ મેચ જીતવાના અફઘાનિસ્તાન-રોમાનિયાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સળંગ ચોથી વ્હાઈટબોલની અને સળંગ ત્રીજી ટી-૨૦ શ્રેણી ક્લિન સ્વીપ કરી હતી. હવે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની વાપસી વચ્ચે કોને કાઢવો એ રોહિત માટે મુશ્કેલ છે. શ્રેયસ ઐયરે પોતાનો દમ દેખાડ્યો છે.
ઐયરને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટી-૨૦માં ૨૮ બોલમાં અણનમ ૫૭ અને બીજી ટી-૨૦માં ૪૪ બોલમાં અણનમ ૭૪ રન નોંધાવ્યા હતા. ભારતે જીતવા માટેના ૧૪૭ના ટાર્ગેટને માત્ર ૧૬.૫ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
શ્રેયસ ઐયરની ઝંઝાવાતી બેટીંગ
કોહલીના સાથે ટીમમાં સમાવાયેલા શ્રેયસ ઐયરે શ્રીલંકા સામેની ત્રીજી ટી-૨૦માં પણ શાનદાર બેટીંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે ૪૫ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૭૩ રન કર્યા હતા. રોહિત સસ્તામાં આઉટ થયો તે પછી શ્રેયસે સેમસન (૧૮) સાથે ૨૮ બોલમાં ૪૫ રન જોડયા હતા. તેણે હૂડા (૨૧) સાથે ૩૮ અને વેંકટેશ (૫) સાથે ૧૪ રનની ભાગીદારી કરી હતી. આખરે તેની અને જાડેજાની ૨૭ બોલમાં અણનમ ૪૫ રનની ભાગીદારી ભારત માટે નિર્ણાયક સાબિત થઈ હતી.
ભારતની આક્રમક શરૃઆત : શ્રીલંકાના ૨૯/૪
શ્રીલંકાએ ત્રીજી ટી-૨૦માં ટોસ જીતીને બેટીંગ લેતા આશ્ચર્ય ફેલાયું હતુ. તેમની શરૃઆત સારી રહી નહતી. પહેલી જ ઓવરમાં સિરાજે ગુણાથિલાકા (૦)ની વિકેટ ગુમાવી હતી. જે પછી અવેશ ખાને નિસાંકા (૧) અને અસાલન્કા (૪)ની વિકેટ ઝડપતાં શ્રીલંકાનો સ્કોર ૧૧/૩ થઈ ગયો હતો. લિયાનાગે (૯) બિશ્નોઈનો શિકાર બનતાં શ્રીલંકાએ ૨૯ રનમાં ચોથી વિકેટ ગુમાવી ત્યારે તેઓ ૧૦૦ રને માંડ પહોચી શકશે તેમ લાગતું હતુ.
શનાકાના ૩૮ બોલમાં ૭૪* : શ્રીલંકાનું કમબેક
સાવ બેકફૂટ પર ધકેલાયેલી શ્રીલંકાની ટીમ તરફથી કેપ્ટન શનાકાએ ૯ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૮ બોલમાં અણનમ ૭૪ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે ચાંદિમલ (૨૨) સાથે સાથે ૩૧ રનની ભાગીદારી કરી હતી. જે પછી શનાકા અને ચામિકા કરૃણારત્ને (૧૨*)ની જોડીએ ૪૭ બોલમાં અણનમ ૮૬ રન જોડતાં ટીમના સ્કોરને પાંચ વિકેટે ૧૪૬ સુધી પહોંચાડયો હતો. અવેશ ખાને બે અને સિરાજ, હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈએ ૧-૧ વિકેટ મેળવી હતી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં