મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનપદેથી ઉદ્ધવ ઠાકરે હવે કોઈપણ ક્ષણે રાજીનામું ધરી શકે છે. તેમણે સોશિયલ મીડિયા પર બળવાખોરોને કરેલી અપીલ એકનાથ શિંદેએ ફગાવી દીધા બાદ હવે ઉદ્ધવ પાસે રાજીનામાં સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. તેમણે પોતે હોદ્દો છોડી રહ્યાના સ્પષ્ટ સંકેત રુપે આજે રાજ્યના સીએમ તરીકેનું સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પણ ખાલી કરી દીધો હતો.

ઉદ્ધવે સોશિયલ મીડિયા પર પ્રવચનમાં પોતે બળવાખોરો રુબરુ આવીને કહે તો રાજીનામું આપવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. જોકે, તેમની ભાવનાત્મક અપીલની બળવાખોરો પર કોઈ અસર થઈ ન હતી. શિંદેએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીનો અંત આવે તે સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. આ ઉપરાંત સરકારના સાથી પક્ષો એનસીપી તથા કોંગ્રેસે પણ આ મામલો શિવસેનાનો આંતરિક મામલો છે તેમ કહી હાથ ખંખેરી લેતાં અને વિપક્ષમાં બેસવાની તૈયારી દેખાડતાં ઉદ્ધવને સરકાર બચાવવામાં તેમનો સાથ મળ્યો નથી.

છેલ્લી સ્થિતિ પ્રમાણે આજે વધુ ચાર ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હતા. આથી શિંદેની છાવણીમાં ૪૦થી વધુ ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે. બીજી તરફ ઉદ્ધવ પાસે શિવસેનાના ૧૨થી વધુ ધારાસભ્યો રહ્યા નથી. આજે મંત્રી મંડળની બેઠકમાં શિવસેનાના ૧૨માંથી આદિત્ય અને અનિલ પરબ તથા ઉદ્ધવ પોતે એમ ત્રણ જ મંત્રી હાજર હતા.
આથી, આખરે આજે રાતે ઉદ્ધવે મલબાર હિલ ખાતેનો સરકારી બંગલો વર્ષા છોડી દીધો હતો અને બાન્દ્રા ખાતે આવેલા માતોશ્રી બંગલા તરફ પ્રયાણ કર્યું હતું. આ વખતે વર્ષા અને માતોશ્રી બંને જગ્યાએ રસ્તાની બંને બાજુ ટેકેદારોનાં ટોળાં જામ્યાં હતાં. તેમણે સૂત્રોચ્ચારો તથા પુષ્પવર્ષા સાથે ઉદ્ધવને વધાવ્યા હતા.
READ ALSO
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ