GSTV
India ટોપ સ્ટોરી

અયોધ્યામાં ફરી 1992ના જેવો માહોલ થવાની ચર્ચા, ઉદ્ધવ ઠાકરેના નિશાને ભાજપ, કરાયો ચુસ્ત બંદોબસ્ત

અયોધ્યામાં રામમંદિર નિર્માણના મામલે ફરી એકવાર માહોલ 1992ના જેવો થવાની ચર્ચાઓ ચાલી રહી છે. રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યામાં ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પહેલા આજે મહારાષ્ટ્રમાં રાજકીય વજૂદ ધરાવનારી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રામનગરી પહોંચી રહ્યા છે. તેઓ બે દિવસ સુધી અયોધ્યામાં રહેવાના છે અને તેમના નિશાને ભાજપ રહેવાની છે. શિવસેના અને ભાજપ કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારમાં એકબીજાના સાથીપક્ષો છે.

બંને સંગઠનોના કાર્યક્રમને જોતા આગમચેતીના પગલા હેઠળ સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યાને કિલ્લામાં તબ્દીલ કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળાવવા માટે એક અધિક પોલીસ મહાનિદેશકના અધિકારી, એક નાયબ પોલીસ મહાનિરીક્ષક, ત્રણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક, 10 અધિક પોલીસ અધિક્ષક, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલો, પીએસીની 42 કંપનીઓ, આરએએફની પાંચ કંપનીઓની તેનાતી કરવામાં આવી છે. તેના સિવાય એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરાની પણ તેનાતી કરવામાં આવી છે.

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે એમ કહીને માહોલ ગરમ બનાવી દીધો છે કે બાબરીને ધ્વસ્ત કરવામાં 17 મિનિટ લાગી હતી. તો પછી રામમંદિર નિર્માણ માટે કાયદો બનાવવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? રાઉત અધ્યામાં ગત કેટલાક દિવસોથી શિવસેનાના નેતાઓ અને બે વિશેષ ટ્રોનથી અહીં આવેલા શિવસેનાના સમર્થકો સાથે ડેરો નાખીને બેઠા છે.

ઉદ્ધવ ઠાકરે સહપરિવાર લગભગ બે વાગ્યે ફૈઝાબાદ એરપોર્ટ ખાતે પહોંચશે. બાદમાં તેઓ સાધુ-સંતો સાથે મુલાકાત કરવાના છે. અયોધ્યા મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે અને તેમના પુત્ર યુવાસેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે પણ હાજર રહેશે. અયોધ્યાની મુલાકાત પહેલા ઉદ્ધવ ઠાકરેએ પુણેમાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થાન શિવનેરી કિલ્લામાંથી માટીનો કળશ ભર્યો હતો. તેઓ આ માટીનો કળશ અયોધ્યામાં રામજન્મભૂમિના મહંતને સોંપવાના છે.

વિશ્વ હિંદુ પરિષદ પણ રવિવારે રામમંદિરના ઝડપી નિર્માણની માગણી સાથે ધર્મસંસદનું આયોજન કરવાની છે. આયોજકો તેના માટે રાજ્યના જુદાજુદાં વિસ્તારોમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે ઘણી ટ્રેનો, બસો, ટ્રોલીઓ, ટેક્સીઓને લોકો માટે બુક કરાવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે રવિવારે બે લાખથી વધારે લોકોના અયોધ્યામાં આવવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે અયોધ્યામાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સેનાને બોલાવવાની માગણી પણ કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ છે કે ભાજપ અને તેના સાથી સંગઠનો કોઈપણ હદ સુધી જઈ શકે છે.

પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતા સાધ્વી પ્રાચીએ શુક્રવારે માગણી કરી છે કે કેન્દ્રની ભાજપ સરકાર સંસદમાં રામમંદિર બનાવવા માટે વટહુકમ લાવે. જેથી રામમંદિર નિર્માણના માર્ગમાં રહેલી અડચણોને દૂર કરી શકાય. સાધ્વી પ્રાચીએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ નિશ્ચિત છે અને 25 નવેમ્બરે અયોધ્યામાં આ મામલે વિચાર-વિમર્શન માટે લાખો રામભક્તો એકત્રિત થઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે કહ્યું છે કે જાન્યુઆરીમાં આના સંદર્ભે સુનાવણી કરવામાં આવશે. વીએચપી, આરએસએસ, શિવસેના અને અન્ય નેતાઓનું કહેવું છે કે રામમંદિર નિર્માણમાં ઘણો વિલંબ થઈ ચુક્યો છે. હવે વધારે રાહ જોઈ શકાય તેમ નથી. સરકાર કાયદો બનાવે.

રામલલાનું ઘર આગામી ત્રણ દિવસ સંવેદનશીલ બની રહેવાનું છે. સરકાર અને વહીવટી તંત્રે કોઈપણ પ્રકારની અનહોનીથી બચવાની પુરી તૈયારીઓ કરી લીધી છે. અહીં ધર્મસભાને કારણે ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ ડેરો જમાની બેઠકી છે. કાર્તિક પૂર્ણિમા પર સરયૂ સ્નાની શરૂઆતથી જ ઠેકઠેકાણે પોલીસ ફોર્સની તેનાતી કરી દેવામાં આવી છે. પરિક્રમા માર્ગ ખાતે બડા ભક્તમાલ પરિસરમાં 25 નવેમ્બરને વિશ્વ હિંદુ પરિષદની વિરાટ ધર્મસભા થવાની છે. તેના માટે મહારાષ્ટ્રથી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકેર પણ પહોંચી રહ્યા છે. અયોધ્યા જિલ્લામાં કલમ-144 હેઠળ નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી છે.

વીએચપીની ધર્મસભા અને ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમને કારણે મોટી ભીડ એકઠી થવાની સંભાવનાને કારણે સુરક્ષા વ્યવસ્થાને એક્ટિવ મોડમાં રાખવામાં આવી છે. જિલ્લામાં અર્ધલશ્કરી દળોની સાત કંપનીઓ સાથે, છ કંપની પીએસી, બે કંપની આરએએફની તેનાતી કરવામાં આવી છે. આ સિવાય વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની પણ તેનાતી કરવામાં આવી છે.

25 નવેમ્બરે મોટી સંખ્યામાં રામમંદિર નિર્માણના સમર્થકોના અયોધ્યા પહોંચવાની સંભાવના છે. વિશ્વ હિંદુ પરિષદ સભામાં આવનારા ભક્તો માટે બે લાખ લંચ પેકેટ્સ તૈયાર કરી રહી છે. તેને તૈયાર કરવા માટે આઠ સ્થાનો પર કામગીરી કરવામાં આવી છે. અયોધ્યા આવનારા શિવસૈનિકો માટે ત્રણ હજાર રૂમ બુક કરાવવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વિમાન દ્વારા ફૈઝાબાદ પહોંચી રહ્યા છે. તો શુક્રવારથી શિવસૈનિકો પણ મોટી સંખ્યામાં અયોધ્યા ખાતે પહોંચી ચુક્યા છે. મુંબઈથી 22 નવેમ્બરે અને નાસિકથી 23 નવેમ્બરે બીજી ટ્રેનથી શિવસૈનિકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વિમાનથી ફૈઝાબાદ ઉતર્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે લક્ષ્મણ કિલ્લામાં આયોજીત સંત આશિર્વાદ સમારંભમાં પણ ભાગ લેવાના છે. તેઓ શનિવારની રાત્રે ફૈઝાબાદની જ હોટલમાં રોકાણ કરવાના છે. બાદમાં બીજા દિવસે તેઓ રામજન્મભૂમિ ખાતે તાડપત્રીમાં વિરાજમાન રામલલાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત પણ કરશે.

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

BIG BREAKING / કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારતા 25ના મોત, CMએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Hardik Hingu
GSTV