GSTV

શિમલા અને મનાલીમાં બરફવર્ષાની સંભાવના, આ રાજ્યમાં પડશે વરસાદ થશે વાયુ પ્રદુષણમાં ઘટાડો

Last Updated on January 1, 2019 by

હિમાચલપ્રદેશના શિમલા અને મનાલીમાં આજે બરફવર્ષાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના મોટા ભાગના સ્થાનો પર ઠંડીનો પ્રકોપ છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવમાન વિભાગની આગાહી છે કે પહેલી જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ફરીથી સક્રિય થવાને કારણે વ્યાપક પ્રમાણમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. સોમવારે શીતલહેરમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી રાહત મળી હતી. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં લાહૌલ-સ્પીતિ જિલ્લાના કેલાંગમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. અહીં લઘુત્તમ તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. તો મનાલીમાં તાપમાન શૂન્યથી 0.6 ડિગ્રી અને ધર્મશાળામાં તાપમાન શૂન્યથી 4.2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું.

તો રાજધાની નવી દિલ્હીના લોકોને પણ ફરી એકવાર પ્રદૂષણમાંથી થોડીક રાહત વરસાદ અપાવશે તેવી સંભાવના છે. હવામાન વિભાગનું અનુમાન છે કે છ જાન્યુઆરીએ દિલ્હીના ઘણાં વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. જેના કારણે દિલ્હીવાસીઓને પ્રદૂષણમાંથી કેટલીક હદે રાહત મળવાની સંભાવના છે. દિલ્હીના લોકો હાલ પ્રદૂષણને કારણે શ્વાસ રુંધાય તેવી હવાનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં ઠંડીમાં વધારો અને પવનની ઝડપ ઘટવાને કારણે હવાની ગુણવત્તાનો સૂચકાંક સતત બેહદ ખરાબ અથવા ગંભીર શ્રેણીમાં બનેલો છે. જો કે પાંચમી જાન્યુઆરીથી હવામાનમાં ફેરફારની સંભાવનાને કારણે આ સપ્તાહે દિલ્હીવાસીઓને પ્રદૂષણમાંથી કેટલીક હદે રાહત મળવાની સંભાવના છે. પાંચમી જાન્યુઆરીએ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણની સંભાવના છે. તેની સાથે દિલ્હીના કેટલાક સ્થાનો પર છૂટાછવાયા અને હળવા વરસાદની સંભાવના છે. જેને કારણે દિલ્હીમાં કેટલીક હદે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘટવાની સંભાવના છે. જેના કારણે લોકોને શ્વાસ રુંધાતી હવામાંથી રાહત મળશે. દિલ્હીના લોકોને સોમવારે પણ કડકડતી ઠંડીનો સામનો કરવો પડયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું હતું. જ્યારે મહત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ સહ્યું હતું. તે સામાન્ય તાપમાનથી ત્રણ ડિગ્રી વધારે છે. દિલ્હીના પૂસા ખાતેના હવામાન કેન્દ્રમાં સૌથી વધારે ઠંડી રેકોર્ડ કરવામાં આવી હતી. અહીં પૂસામાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ અને લોધી રોડ પર લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બિહારના પાટનગર પટના તથા તેની આસપાસના ક્ષેત્રોમાં સોવારે હવામાન સાફ રહ્યું અને તડકો નીકળ્યો હતો. જો કે ઠંડા પવનને કારણે પટના સહીત બિહારના લગભગ તમામ હિસ્સાઓમાં ઠંડી વધી ગઈ છે. સોમવારે ગયામાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી, પટના અને ભાગલપુરમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી તથા પૂર્ણિયામાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પટનામાં મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની નીજક નોંધાયું હતું. ઝારખંડમાં પણ હાડ થિજાવતી ઠંડીને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઝરિયામાં કડકડતી ઠંડીને કારણે ડેન્ગ્યૂનો કેર ખતમ થઈ રહ્ય નથી.

પંજાબ અને હરિયાણામાં પણ સોમવારે શીતલહેર યથાવત રહી છે. પંજાબના આદમપુરમાં 1.1 ડિગ્રી, અમૃતસરમાં 1.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમૃતસરમાં લઘુત્તમ તાપમાન શિયાળાના સામાન્ય તાપમાનથી બે ડિગ્રી ઓછું રહ્યું હતું. હરિયાણામાં હિસાર સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું અને અહીં લઘુત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું 1.8 ડિગ્રી નોંધાયું હતું. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

રાજસ્થાનના ચૂરુ, ભીલવાડા, ચિત્તૌડગઢ, ઝુંઝુનૂ, સિકર, ભરતપુર જિલ્લામાં શીતલહેરનો પ્રકોપ અને કડકડતી ટંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ભીલવાડામાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપામન 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના પાટનગર જયપુરમાં 5.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 22.2 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. મધ્યપ્રદેશના ઘણાં વિસ્તારમાં ઝાકળ પડવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં ખજૂરાહો અને બૈતૂલ સૌથી ઠંડા રહ્યા હતા. અહીં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે ભોપાલનું લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી, ઈન્દૌરનું 7.8 ડિગ્રી, ગ્વાલિયરનું 4.1 ડિગ્રી અને જબલપુરનું લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

કાશ્મીર ખીણ અને લડાખના વિસ્તારોમાં એક દિવસની રાહત બાદ સોમવારે પણ ભીષણ શીતલહેરનો પ્રકોપ ફરીથી શરૂ થયો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી, પહલગામમાં શૂન્યથી 5.5 ડિગ્રી નીચે, ગુલમર્ગમાં શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું. લેહમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 14 ડિગ્રી અને કારગીલનું તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું. જમ્મુમાં રાત્રે લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!