ભુજના ચાડવા રખાલમાં રાજ પરિવાર દ્વારા રૂ 7 કરોડના ખર્ચે 51 શક્તિપીઠના દર્શન કરાવતા શિખર બંધ મંદિરનું નિર્માણ કરાયું છે.ઐતિહાસિક વારસો ધરાવતા સરહદી જિલ્લાની શોભામાં અભિવૃદ્ધિ કરતું પ્રવસાનધામ સમુ 51 શક્તિપીઠ સાથેનું મોમાઇ માતાજીનું મંદિર રૂ. 7 કરોડના ખર્ચે કચ્છના રાજ પરિવાર દ્વારા ચાડવા રખાલ ખાતે નિર્માણ પામ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો.

સદગત પ્રાગમલજી ત્રીજાએ માતાજીના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને વર્ષ 2017માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જે સાડા ચાર વર્ષના સમયગાળામાં મહારાણી પ્રીતિદેવીબાના માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ થયું છે.

ભુજથી 25 કિલોમીટર દૂર નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા સામત્રા ગામની અંદર જતા કુદરતી વાતાવરણ સ્થિત ચાડવા રખાલમાં સંપૂર્ણ પથ્થરથી બનેલું શિખરબંધ મંદિર એક એકરમાં નિર્માણ પામ્યું છે.

મંદિરની ચારે તરફ 51 શક્તિપીઠની સાથે અર્ધ નાગેશ્વરની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરમાં મોમાઇ માતાજી, ત્રિપુરા સુંદરી, હિંગળાજ માતાજી, કાલિકા માતાજી રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આवीવી છે.

મહત્વનું છેકે ચાડવા રખાલ રાજ પરિવાર હસ્તકનો જંગલ વિસ્તાર છે. જ્યાં 10 એકરમાં રમણીય તળાવ આવેલું છે. જેમાં 150થી વધુ મગર આવેલા છે. જ્યાં પ્રકૃતિ પ્રેમી અને શહેરીજનો હરવા ફરવા આવતા હોય છે. એવા કુદરતી વાતવરણ વચ્ચે કચ્છના રાજા સદગત પ્રગમલજી ત્રીજા દ્વારા શરૂ કરાયેલું આ મંદિર નિર્માણ કાર્ય લોકો માટે તેમનું ઉત્તમ સંભારણું બની રહેશે.