GSTV

VIDEO: ચીનમાં આવ્યું ભયંકર પુર, છાતી સુધી પાણી ભરેલી મેટ્રોમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા લોકો

Last Updated on July 22, 2021 by Pravin Makwana

ચીની સોશિયલ મીડિયા પર હાલ અમુક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે જે રીતે ચીનના હેનાન વિસ્તારમાં મંગળવારે સાંજે પાણી જમીનની નીચે ચાલતી મેટ્રોમાં ભરાઈ ગયું અને લોકોની છાતી સુધી પાણી આવી ગયા હતા. તેમ છતાં પણ લોકો પાણી ભરેલી મેટ્રો પણ સફર કરવા મજબૂર બન્યા હતા. પુરના કારણે અહીં 12 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે.

મધ્ય ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં ૧,૦૦૦ વર્ષમાં પહેલી વખત અસાધારણ સાંબેલાધાર વરસાદ ખાબકતાં આવેલા પૂરમાં ૧૨ સબવે પ્રવાસીઓ સહિત ૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે અને 12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ઝેંગઝોઉમાં પૂરના કારણે બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં (મંગળવારે સાંજે ૫.૦૦ વાગ્યાથી) ૧૮ ઈંચ વરસાદ ખાબકતા ઝેંગઝોઉ જળબંબાકાર થઈ ગયું છે. મૂશળધાર વરસાદના કારણે પૂર આવતાં શહેરમાં અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ છે, શહેરના સબ-વે સહિતના વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. પૂર નિયંત્રણ વિભાગે સેકન્ડ હાઈએસ્ટ લેવલ-૨ ચેતવણી જાહેર કરી છે.

પૂરના કારણે ૨૫ લોકોનાં મોત થયા છે અને સાત લાપતા

ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ પૂરના કારણે ૨૫ લોકોનાં મોત થયા છે અને સાત લાપતા છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ મંગળવારે રાત્રે સબવે ટ્રેન તીવ્ર ગતિએ સામેથી આવી રહેલા પૂરના પાણી સાથે ટકરાતાં ૧૨નાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય પાંચને ઈજા પહોંચી હતી. દિવલા પડવાના કારણે બેનાં મોત થયા હતા. હેનાન પ્રાંતના પાટનગર ઝેંગઝોઉમાં એક્સપ્રેસ વે અને સબ-વે ટનલ્સ ડૂબી ગઈ છે. ઝેંગઝોઉડોન્ગ રેલવે સ્ટેશને ૧૬૦થી વધુ ટ્રેન અટકાવી દેવાઈ છે અને ઝેંગઝોઉમાં એરપોર્ટ પર ૨૬૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

ડેનફાન્ગ શહેર નજીકની નદીના પાણી જોખમી સ્તરની સપાટી વટાવી શહેરમાં ઘૂસ્યા હતા, જ્યાં એક મેટલ ફેક્ટરીમાં હોટ મેટલ સાથે પાણી ભળતાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પીવાના પાણી અને વીજળી ખોરવાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ છે. અનેક હોસ્પિટલોમાં વીજળી ખોરવાઈ જતાં દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા છે.

જિનપિંગે ફસાયેલા લોકોને બચાવવા માટે સૈન્ય તૈનાત કર્યું

ઝેંગઝોઉના મેટ્રો સ્ટેશનોમાં ફસાયેલા અનેક પ્રવાસીઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે. મૂશળધાર વરસાદની સ્થિતિને પગલે પ્રમુખ શી જિનપિંગે ૨૧ જુલાઈએ પાણીમાં ડૂબેલા સબવે, હોટેલ અને જાહેર સ્થળો પર ફસાયેલા લોકોને બચાવવા માટે સૈન્ય તૈનાત કર્યું છે. જિનપિંગે અધિકારીઓને લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપવા કહ્યું છે. સાથે જ પૂરને રોકવા અને ઈમર્જન્સી રાહત ઉપાયોને સાવધાનીપૂર્વક અને કડકાઈથી લાગુ કરવા જણાવાયું છે.

ચીનના હવામાન વિભાગે હેનાન પ્રાંતમાં થયેલા મૂશળધાર વરસાદ માટે અનેક કારણોને જવાબદાર ગણાવ્યા છે, જેમાં એટમોસ્ફિયરિક પ્રેસર, સંભવિત તોફાન અને તે ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ જુલાઈની મધ્યમાં હેનાન સબટ્રોપિકલ હાઈ પર હતું, જેના કારણે ભારે વરસાદ થયો છે. દક્ષિણ-પૂર્વ ચીનના ફુજિયાન પ્રદેશમાં આવનારા તોફાન ‘યન્હુઆ’ની સાથે મોટા પ્રમાણમાં વરસાદી વાદળા હેનાન પ્રદેશ પહોંચ્યા છે, જેના કારણે અસાધારણ વરસાદ થયો છે.

મૂશળધાર વરસાદના કારણે એક ડેમના તૂટી પડવાનું જોખમ

શિન્હુઆ એજન્સી મુજબ પીએલએ સેન્ટ્રલ થીયેટર કમાન્ડે હેનાન પ્રાંતમાં મૂશળધાર વરસાદના કારણે એક ડેમના તૂટી પડવાનું જોખમ ઊભું થયું હોવાથી ત્યાં સૈનિકોની એક ટૂકડી મોકલી છે. પીએલએએ જણાવ્યું હતું કે, હેનાન પ્રાંતના યિચુઆન કાઉન્ટીમાં એક ડેમમાં ૨૦ મીટર લાંબી તીરાડ જોવા મળી છે અને કોઈપણ સમયે ડેમના તૂટવાનું જોખમ છે. હેનાન પ્રાંત અનેક સાંસ્કૃતિક સ્થળો, ઔદ્યોગિક અને કૃષિ ઉદ્યોગ માટેનું બેઝ છે. અહેવાલ મુજબ બૌદ્ધ સાધુઓની માર્શલ આર્ટ્સની કળા માટે જાણિતા શાઓલીન ટેમ્પલને પણ પૂરના કારણે ગંભીર નુકસાન થયું છે.

ઝેંગઝોઉ શહેરમાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. વરસાદના કારણે ૮૦થી વધુ બસ લાઈન રદ કરાઈ હતી અને ૧૦૦થી વધુને કામચલાઉ રીતે રદ કરાઈ હતી. સબ-વે સર્વિસ પણ કામચલાઉ રદ કરાઈ છે. પોલીસ અધિકારીઓ, ફાયર ફાઈટર્સ અને સ્થાનિક કર્મચારીઓ બચાવ કામગીરીમાં લાગ્યા છે.

જોકે, મોડી સાંજના અહેવાલો મુજબ સબ-વે ટનલમાં ભરાયેલા પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને પ્રવાસીઓ હાલ સલામત છે. હેનાન પ્રાંત અને ઝેન્ગઝોઉ મ્યુનિસિપાલિટીએ લેવલ-૧ની ઈમર્જન્સી જાહેર કરી છે. હેનાન હવામાન વિભાગના મુખ્ય હવામાન પ્રસારણકાર ઝાંગ નિંગે જણાવ્યું કે હેનાન પ્રાંતમાં હજી ૨૬મી જુલાઈ સુધી ભારે વરસાદની આશંકા છે.

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!