GSTV

ઉત્તર ભારતના આટલા રાજ્યોમાં ૨૪ કલાકથી અવિરત બરફવર્ષા, કાશ્મીર પડ્યું દેશથી અલગ

કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે જીવનજરૃરી સેવાઓ ખોરવાઈ હતી. જમ્મુ- શ્રીનગર હાઇવે બંધ રહ્યો હતો અને વિમાન સેવા ઠપ થઈ જતાં કાશ્મીર આજે દિવસે પણ દેશથી વિખૂટું રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકથી અવિરત બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી.

હિમાચલ, પંજાબ અને હરિયાણા ઉપરાંત દિલ્હીમાં કરા સાથે વરસાદ થયો હતો. હિમાલયમાં વીજળી પડતા ત્રણ મકાન તૂટી પડયા હતા. કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકથી અવિરત બરફવર્ષા થઈ રહી છે. શ્રીનગરમાં છ ઇંચ તો કેટલાક વિસ્તારોમાં ત્રણ ફૂટ બરફ પડતા મોટા ભાગના રસ્તા બંધ થયા હતા. 

બરફ સાફ કરવાની કામગીરી ચાલુ હતી તેમાં અડચણ પડી હતી. ઘણાં લોકોએ બરફવર્ષાની ઘટનાના વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કર્યા હતા. એક મહિલાને ઘૂંટણસમા બરફમાંથી સ્ટ્રેચર દ્વારા પ્રસૂતિ ગૃહ લઈ જવાતી હતી. કેટલાક સ્થળે કાર જેવા વાહનો સ્લીપ ખાતા હતા. અગાઉથી ભારે બરફવર્ષાની જાણકારી હોવા છતાં વહીવટી તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું.

ખરાબ હવામાનને કારણે શ્રીનગરમાં એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ રદ કરાઈ હતી. શ્રીનગર- જમ્મુ હાઇવે પણ બંધ રહ્યો હતો. આગામી ૨૪ કલાકમાં હવામાન વિભાગે કાશ્મીરના ૧૬ જિલ્લામાં હિમસ્ખલનની ચેતવણી આપી હતી.

ઉત્તરાખંડમાં ફરીથી બરફવર્ષા થઈ હતી અને તળેટીના વિસ્તારોમાં વરસાદ થયો હતો. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુડ સાહેબ અને નંદાદેવી આ બરફવર્ષા થઈ હતી. ચમોલી, ઉત્તર કાશી અને પિથોરગઢમાં બરફના થર છવાયા હતા. દહેરાદૂન સહિત તળેટીના વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હતો.

ચમોલી અને રુદ્રપ્રયાગ સહિત ઘણા જિલ્લામાં શાળાઓ બંધ રહી હતી. ઉત્તર કાશીના કેદારનાથ સહિત વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ૨૦૦૦ મીટરની ઉંચાઈએ આવેલા સ્થળોમાં ભારે બરફવર્ષાની આગાહી કરી હતી.

હિમાચલ પ્રદેશમાં વ્યાપક બરફવર્ષા અને વરસાદ થયો હતો. ચમ્બામાં ૪૭ મી.મી., ધરમસાલામાં ૪૨.૮ મી.મી. અને પાલમપુરમાં ૩૪ મી.મી. વરસાદ થયો હતો. લાહોર અને સ્પિતિમાં તાપમાન માઇનસ ૭.૬ ડિગ્રી રહ્યું હતું.

ઉત્તરપ્રદેશમાં કરાના વરસાદથી સંખ્યાબંધ ગામોના બટાટાના પાકને નુકસાન થયું હતું.

પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો અને લઘુત્તમ તાપમાન વધ્યું હતું. પંજાબમાં મોહાલી, અમૃતસર, લુધિયાણા અને પતિયાલા જિલ્લામાં વરસાદ થયો હતો. પંજાબના મોટા ભાગના શહેરોમાં તાપમાન નવથી ૧૨ ડિગ્રીની વચ્ચે રહ્યા હતા.

પાટનગર દિલ્હીમાં કરા સાથે તોફાની વરસાદ થયો હતો. લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું અને મહત્તમ તાપમાન સામન્ય કરતા નીચું ૧૯૧ ડિગ્રી નોંધાયું હતું. પાટનગરમાં સાંજના ૫-૩૦ કલાક સુધીમાં ૩.૨ મી.મી. વરસાદ થયો હતો. એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે ૧૮ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઈ હતી.

હિમાચલમાં વીજળી પડતાં ત્રણ મકાનને નુકસાન

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં વીજળી પડતા ત્રણ મકાનોને નુકસાન થયું હતું. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી. પાલમપુર ખાતે બનેલી આ ઘટનામાં વીજળી પડતા ત્રણ મકાનોમાં આગ લાગી હતી અને નુકસાન થયું હતું.

કુલગામ જિલ્લામાં હિમ સ્ખલનમાં ૧૧ પોલીસ ફસાયા

કાશ્મીરમાં શ્રીનગર જમ્મુ હાઇવેની જવાહર ટનલ નજીક પુલગામ જિલ્લામાં થયેલા હિમસ્ખલનમાં ૧૧ પોલીસ જવાન ફસાયા હોવાની ભીતિ સેવાઇ  રહી હતી.

કાઝીગુંડ તરફ આવેલી પોલીસ પોસ્ટમાં ૧૦ પોલીસ કર્મીને ફરજ સોંપવામાં આવી હતી તે સહિત ૧૧ પોલીસ દબાઇ ગયા હોવાની શક્યતા છે. પોલીસે બચાવ કાર્ય શરૃ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કાશ્મીરના ૧૬ જિલ્લામાં હિમસ્ખલનની  ચેતવણી જાહેર કરાઇ હતી.

Related posts

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

Nilesh Jethva

65 વર્ષિય ખ્યાતનામ વકીલ હરીશ સાલ્વે કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન, જાણો કોણ બની રહી છે તેમની પત્ની

Pravin Makwana

ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષનું પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન, કહ્યું: ખબર છે ક્યારે કરવાનું છે યુદ્ધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!