GSTV

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

ગુજરાતના રાજકારણ

Last Updated on September 18, 2021 by Lalit Khambhayata

મુકુંદ પંડ્યા : ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ખાસ બન્યાનો એક ઈતિહાસ છે. એની સાથે કડવી અને મીઠી ઘટનાઓ સંકળાયેલી છે. પહેલાં કડવી અને અંતે મીઠી વાત કરીશું વારું?હા, એમાં રાજકારણ ભારોભાર છે જ, વ્યક્તિકારણ પણ છે.
પહેલી ઘટના, રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા સાથે સંકળાયેલી છે. એમની પ્રથમ ટર્મ ૧/૫/૧૯૬૦થી૮/૩/૧૯૬૨ની તો સારી રહી પણ બીજીમાં ગરબડ થઈ. બીજીવાર સત્તા સંભાળ્યાના છ મહિનામાં તો છોડી દેવી પડે એવા રાજકીય ખેલ મંડાયા હતા.કોંગ્રેસની તત્કાલીન કામરાજ યોજના અને જૂથબાજી જીવરાજભાઈને દઝાડી ગયેલી. ૧૯૬૩ના સપ્ટેમ્બરની ૮થી૧૧ વચ્ચે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી. એ સ્વતંત્ર પક્ષ તરફથી આવેલી પણ કેટલાક કોંગ્રેસીઓ આઘાપાછા થતા જોઈને ડૉ. મહેતાએ રાજીનામું આપી દીધું! મજાની વાત એ હતી કે અવિશ્વાસની દરખાસ્ત ૩૧ વિરુદ્ધ ૧૦૧ મતે ઉડી ગયેલી. રાજકીય આટાપાટા, કાવાદાવાના કારણે ગુજરાતે એક તેજસ્વી, વિકાસનો પાયો નાખનાર શાસક ગૂમાવ્યો.આ હતી બ્લેક સપ્ટેમ્બરની પહેલી ઘટના.

  • બીજી ઘટના કુદરતના ખેલને કારણે હતી પણ એય એક બીજા મહેતાનો ભોગ લેનારી હતી. જીવરાજભાઈના અનુગામી બન્યા હતા બળવંતરાય મહેતા. ૧૯/૯/૧૯૬૩ના રોજ મુખ્યમંત્રી બનેલા બળવંતરાય બે વર્ષ પૂરાં કર્યા એજ દિવસે વિમાની દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા. એ દિવસોમાં ,૧૯૬૫માં પાકિસ્તાન સાથેનું યુદ્ધ ચાલતું હતું. મુખ્યમંત્રીના નાતે સરહદી વિસ્તારની મુલાકાત માટે ગયેલા અને કચ્છના સૂથરી નજીક એમનું વિમાન તૂટી પડેલું. એમ થવા પાછળ પાકિસ્તાનના ફાઈટર પ્લેને કરેલો હુમલો કારણભૂત હતો. ૧૯ સપ્ટેમ્બર,૧૯૬૫ની આ ધટના હતી. કોઈ બે દેશ વચ્ચેના યુદ્ધના કારણે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી માર્યો ગયો હોય એવી સ્વતંત્ર ભારતની એકમાત્ર ઘટના છે. આવતી કાલે ,૧૯ સપ્ટેમ્બરે એનાં ૫૬ વર્ષ પૂરાં થશે.
  • ત્રીજી ધટના પણ સપ્ટેમ્બરની અને એની સાથે ય એક મહેતા જ જોડાયેલા છે! સુરેશભાઇ મહેતા. ૧૯૯૫માં, ગુજરાતમાં ભાજપને ઝળહળતી ચૂંટણી ફતેહ મળી. કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. જોકે એ ફતેહને , શંકરસિંહ વાઘેલાની સત્તાલાલસાનો એરુ આભડી ગયો. છ મહિનામાં તો બળવો, ખજુરાહો-કાંડ, શિસ્તબદ્ધ પક્ષમાં અશિસ્તની પરંપરા એ બધું ઉભરી આવ્યું. કેશુભાઈમાં વિશ્વાસ વ્યકત કરવાનું સંસદીય નાટક કરાયું અને પછી વિદાય કરી દેવાયા! એમના અનુગામી બન્યા સુરેશભાઈ મહેતા. એ દિવસ હતો ૨૨/૧૦/૧૯૯૫. મુખ્યમંત્રી બદલાય પણ વાઘેલાની મંછા ના બદલાઈ. ફરી ઉથલપાથલ આદરી. ભાજપમાંથી છૂટા પડી મજપા જૂથ બનાવ્યું. બળવો કર્યો ને સુરેશ મહેતાને એક વર્ષ પૂર્ણ કર્યા પહેલાં જ સત્તા છોડવાની નોબત આવી. એ દિવસ હતો ૧૯ સપ્ટેમ્બર,૧૯૯૬. વધુ એક મહેતાની વિદાય. બીજી ઘટના અને ત્રીજી વચ્ચે એકત્રીસ વર્ષનો ફાસલો હતો.
  • પચીસ વર્ષ પછી, હમણાં સપ્ટેમ્બરમાં ફરી વિદાય, ઉથલપાથલની ધટના સર્જાઈ છે. અલબત્ત, એમાં કોઈ રાજકીય અસ્થિરતા કે બળવો નહી એક અભૂતપૂર્વ રાજકીય ” ગુજરાત પ્રયોગ” કારણભૂત છે. એ હવે પછીના દિવસોમાં “ભારત-પ્રયોગ” બને તો નવાઈ નહીં! ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૧ના દિવસે વિજયભાઈ રૂપાણીએ એમને મળેલી સૂચના મુજબ રાજીનામું(!) આપ્યું. પછીના બે દિવસમાં નવા મુખ્યમંત્રી અને તદ્દન નવું મંત્રીમંડળ આવી ગયું. તમામ જૂના ચહેરાને સાગમટે પાળિયા બનાવી દેવાયા! આ એક મોદી- મેજિક સપ્ટેમ્બર બની ગયો.

આ બધા ,ઘણા રાજકારણીઓ માટે બ્લેક સપ્ટેમ્બરના કિસ્સા હતા. એમનું જીવન એક કડવાશભર્યું બન્યું હતું, પણ એક રાજનેતા માટે સપ્ટેમ્બર મહિનામાં બદલાતું વર્ષ નવો ઈતિહાસ રચવા તરફ ડગ માંડનારું બની રહેલું. હા, એ રાજનેતા એટલે ત્યારે મુખ્યમંત્રી બનેલા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી. એમના માટે બ્રાઈટ સપ્ટેમ્બર હતો. જિંદગીનાં એકાવનમા વર્ષે એમણે નવી યાત્રા આરંભી હતી. એ મહિનો તો હતો ઓક્ટોબર પણ નવપ્રયાણનાં મૂળિયાં સપ્ટેમ્બરમાં જ નંખાયેલાં. બીજીવાર મુખ્યમંત્રી બનેલા કેશુભાઈ પટેલ સામેનો , કથિત નિષ્ફળ કામગીરીનો મુદ્દો આ દિવસોમાં જોર પકડી ચૂક્યો હતો. મોદી, જન્મદિવસ પછીના એકવીસમા દિવસે તો ,સાત ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા હતા.

હજી તો ઘણા સપ્ટેમ્બર આવતા રહેશે, કંઈક ઈતિહાસ રચતા રહેશે. કોઈ કડવાશભર્યા હશે કોઈ મીઠાશભર્યા… આજે મેં એની વાત કરી છે… કાલે કે પરમ દિવસે કે પછીના દિવસે કોઇ બીજું કહેશે… કોઈ બીજું સાંભળશે.

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!