આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઊછાળાની ભારતીય અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ સાથે મંદીનો માહોલ વધુ ઘેરો બનવાની આશંકા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા બીએસઇ સેન્સેક્સમાં 642 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફટી તૂટીને ફરી એકવાર 11000ની સપાટી અંદર ઊતરી આવ્યો હતો. બીજી તરફ અમેરિકન ડોલર સામે રૂપિયામાં પીછેહઠ જારી રહી હતી.
ગત સપ્તાહે સાઉદી અરેબિયાની ઓઇલ ઉત્પાદક કંપની અરામકો પર ડ્રોન હુમલા બાદ વૈશ્વિક પુરવઠો ખોરવાઇ જવાની દહેશત પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપી ઊછાળો નોંધાયો હતો. આજે બ્રેન્ટ ક્રૂડ 68.20 ડોલર અને ન્યુયોર્ક ક્રૂડ 62.05 ડોલરની સપાટીએ રહ્યું હતું.

ભારતની ક્રૂડની કુલ માંગમાં 83 ટકા જેટલી માંગ આયાત પર નિર્ભર હોવાથી તેના ભાવમાં ઊછાળો નોંધાતા આર્થિક હાલત વધુ કફોડી બનવા સાથે અર્થતંત્ર પરના દબાણમાં વધારો થવાની ભીતિની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. ક્રૂડની આયાત મોંઘી થતા નાણાંકીય ખાધ વધવાની સાથે ફુગાવાજન્ય દબાણમાં વધારો થવાની ગણતરી મુકાતી હતી. આ ઉપરાંત અન્ય પ્રતિકૂળ પરિબળોની પણ બજાર પર નેગેટીવ અસર રહી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાયા હતા. જેના પગલે સેન્સેક્સ 642.22 પોઇન્ટના કડાકા સાથે 36481.09 પર ઊતરી આવ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિફટી પણ 185.90 પોઇન્ટનું ગાબડું નોંધાતા 11000ની મહત્વની સપાટી ગુમાવીને 10817.60ની સપાટીએ નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ગાબડાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપિટલાઇઝેશન) રૂા. 2.38 લાખ કરોડનું ધોવાણ થતા તે રૂા. 130.70 લાખ કરોડ ઊતરી આવ્યું હતું.
ક્રૂડના ઊછાળાની ભારતીય રૂપિયા પર પણ પ્રતિકૂળ અસર જોવાઇ હતી. આ અહેવાલો પાછળ ડોલરમાં હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ ડોલર સામે રૂપિયો તૂટીને ઈન્ટ્રાડે 72ના મથાળા નજીક એટલે કે 71.98 સુધી ઊતરી આવ્યો હતો. જોકે, કામકાજના અંતિમ તબક્કામાં તે બાઉન્સ બેક થયો હતો. આમ છતાંય અંતે 18 પૈસા તૂટીને 71.78ના મથાળે નરમ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો ગઇકાલે (સોમવારે) પણ 68 પૈસા તૂટયો હતો.
BSEના તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સમાં થયેલી પીછેહઠ
ઈન્ડેક્સ | ઘટાડો |
— | (ટકામાં) |
બીએસઇ ઓટો | 3-80 |
બીએસઇ રિયાલ્ટી | 3-69 |
બીએસઇ મેટલ | 2-72 |
બીએસઇ બેંકેક્સ | 2-59 |
બેઝીક મટીરીયલ્સ | 2-33 |
બીએસઇ ફાઇનાન્સ | 2-31 |
કન્ઝ્યુમર ગુડ્ઝ | 2-12 |
બીએસઇ હેલ્થકેર | 1-71 |
બીએસઇ એનર્જી | 1-40 |
ઓઇલ-ગેસ | 1-40 |
બીએસઇ પાવર | 1-39 |
બીએસઇ ટેલીકોમ | 1-19 |
બીએસઇ યુટીલીટી | 1-05 |
READ ALSO
- શિયાળામાં ગરમ પાણીથી નહાતા હોવ તો થઈ જાઓ સાવધાન, સારા સ્વાસ્થ્ય માટે આ 10 ભૂલોથી પણ બચો
- નવા સર્વેમાં થયો મોટો ખુલાસો, ધૂમ્રપાન અને શાકાહારી લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ
- ફરી સામે આવી પાકિસ્તાનની બેવડી નીતિ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને ના આપ્યા વિઝા
- ભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’
- મમતા બેનર્જીએ શતાબ્દી પર બ્રેક લગાવી/ પાર્ટી છોડે તે પહેલા આપી દીધું મોટું પદ, નહીં ધારણ કરે ભગવો