GSTV

‘કમલ’ની સરકાર પર કમળનો પ્રહાર : સિંધિયાના કેસરિયા

Last Updated on March 12, 2020 by Mayur

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સ્થાન પામનારા અને મધ્ય પ્રદેશના રાજવી પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ અને ભાજપમાં જોડાઇ ગયા છે. મધ્ય પ્રદેશમાં કોઇ મોટો હોદો ન મળતા નારાજ સિંધિયાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે મુલાકાત બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું જ્યારે બુધવારે તેઓ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા.

ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ સિંધિયા એ કોંગ્રેસની ટીકા કરવાનું શરૂ કરી દીધુ હતું, તેમણે કોંગ્રેસ છોડવાના ત્રણ કારણો આપ્યા હતા અને કહ્યું હતું કે વર્તમાન કોંગ્રેસમાં કામ કરવું મુશ્કેલ છે કેમ કે હવે કોંગ્રેસમાં નવા નેતૃત્વને કોઇ મહત્વ નથી અપાઇ રહ્યું. બીજુ કારણ એ છે કે હાલ કોંગ્રેસમાં જડતાનો માહોલ છે અને વાસ્તવીક્તાને સ્વીકારવા નેતાઓ તૈયાર નથી. સિંધિયાએ ભાજપમાં જોડાયા બાદ 10 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. જેમાં તેઓએ ચાર વખત નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. પણ મ. પ્રદેશના ભાજપ સરકારના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો ઉલ્લેખ નહોતો કર્યો.

આશરે 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા સિંધિયાએ વર્તમાન કમલનાથ સરકાર પર ટ્રાંસફર ઉદ્યોગ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશની વર્તમાન સરકારના 18 મહિનામાં મારા અનેક સપના વિખેરાઇ ગયા. મારા જીવનની બે મહત્વની તારીખો છે, પહેલી 30મી સપ્ટેમ્બર 2001 જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું અને બીજી તારીખ 10મી માર્ચ, 2020 કે જ્યારે મે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો. આ સાથે જ સિંધિયાને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. તેઓ શુક્રવારે ભોપાલમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. જ્યોતિરાદિત્ય સિંિધયાની નજર માત્ર રાજ્યસભા બેઠક પર નથી, તેઓ મ. પ્રદેશના મુખ્ય પ્રધાન પણ બનવા માગે છે.

જોકે તેઓને રાજ્યસભાના સાંસદ બનાવ્યા બાદ કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી પદ આપવામાં આવી શકે છે. એક સમયે મોદી અને ભાજપની ટીકા કરનારા સિંધિયા ભાજપમાં જોડાયા એ સાથે જ બન્નેના વખાણ કરવાનું શરૂ કરી દીધુ હતું, સિંધિયાએ કહ્યું હતું કે મોદીના હાથોમાં દેશનું નેતૃત્વ સુરક્ષિત છે, તેમનામાં યોજનાઓ ઘડવાથી લઇને દેશના સારા ભવિષ્ય માટે જે પડકારો છે તેને પારખવાની ક્ષમતા પણ તેમનામાં છે.

સિંધિયાના ભાજપમાં જોડાવવામાં વડોદરાના ગાયકવાડ પરિવારનું યોગદાન?

મ. પ્રદેશના કદ્દાવર નેતા રહેલા માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં જોડાયા. જોકે આ પક્ષ પલટા પાછળ અન્ય લોકોએ પણ ભાગ ભજવ્યો છે. કેન્દ્રીય કૃષી પ્રધાન અને ભાજપના નેતા નરેન્દ્રસિંહ તોમર મ. પ્રદેશના એ ચંબલ વિસ્તારના છે કે જ્યાં સિંધિયાનું પ્રભુત્વ વધુ છે. તોમર સિંધિયાના સંપર્કમાં રહ્યા, રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘમાં હતા, તોમર આ સિંધિયા પરિવાર સાથે પણ સંબંધો ધરાવે છે. થોડા સમય પહેલા જ તોમરને મ. પ્રદેશમાં સ્થિતિ સંભાળવાની જવાબદારી સોપાઇ હતી. સિંધિયાનો ભાજપ સાથે સંપર્ક કરાવવામાં તેમના સાસરીયાના લોકોનો પણ હાથ મનાય છે, જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના રાજપરિવારના જમાઇ છે. તેમના સાસરીયામાં મહત્વના મનાતા ગાયકવાડ પરિવારના રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડે પણ સિંધિયા અને ભાજપ વચ્ચે વાતચીત આગળ ધપાવી, નરેન્દ્ર મોદી ગાયકવાડ પરિવારનું ઘણુ માન રાખે છે. આવી સ્થિતિમાં આ પરિવારનો સીધો સંપર્ક મોદી સાથે હોવાનું મનાઇ રહ્યું છે અને તેને કારણે જ સિંધિયા અને મોદી તેમજ શાહ વચ્ચે બેઠક શક્ય બની હોવાની ચર્ચા છે.

 • વિધાનસભામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટાઇ
 • બે ધારાસભ્યોના રાજીનામાને પગલે હાલ કુલ બેઠકો 228
 • રાજીનામુ આપનારા ધારાસભ્યોની સંખ્યા 22
 • સ્પીકર રાજીનામા સ્વીકારે તો વિધાનસભામાં કુલ બેઠકો રહેશે 206
 • કોંગ્રેસના દાવા મુજબ 13 ધારાસભ્યો રાજીનામા પરત લે તો કુલ બેઠક રહેશે 219
 • બહુમત માટે કુલ બેઠકો જોઇએ 110
 • આ સ્થિતિમાં કોંગ્રેસ પાસે 107
 • ભાજપના વર્તમાન ધારાસભ્યો 107
 • કિંગ મેકર ધારાસભ્યો (અપક્ષ-4, બસપા-2, સપા-1) ની સંખ્યા 7

સિંધિયાના કોંગ્રેસ છોડવાના મુખ્ય કારણ

 • સીએમ પદ : મ. પ્રદેશમાં સિંધિયાએ કમલનાથ કરતા વધુ રેલીઓ કરી પણ અંતે સીએમ પદ કમલનાથને મળ્યું તેથી સિંધિયા નારાજ હતા.
 • પ્રમુખ પદ : કોંગ્રેસે કમલનાથને ન માત્ર રાજ્યના મુખ્ય પ્રધાન બનાવ્યા સાથે રાજ્યનું પ્રમુખ પદ પણ તેમને જ આપ્યું તેનાથી સિંધિયા વધુ નારાજ થયા.
 • રાજ્યસભા : મ. પ્રદેશમાં દિગ્વિજયસિંહ રાજ્યસભા સાંસદ છે જેની ટર્મ પુરી થઇ જતા હવે ચૂંટણી થશે, જોકે આ માટે પણ સિંધિયાની પસંદગી ન થઇ તેથી તેઓ કોઇ પદ વગરના થઇ ગયા.
 • કમલનાથ – દિગ્વિજય : નિષ્ણાંતોના મતે કલમનાથ અને દિગ્વિજય બન્ને મળી ગયા, તેથી સિંધિયા એકલા પડી ગયા, દિગ્વિજયે કમલનાથને જ સાથ આપ્યે રાખ્યો, રાજ્યસભા બેઠક આપવા પણ તૈયાર નહોતા.

2019માં સિંધિયાની ગુનાથી પ્રથમવાર હાર થઈ હતી

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જે મોટા માથા હાર્યા હતા, તેમાં જ્યોતિરાદિત્યનો પણ સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશની ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય હારી ગયા હતા. ગુના બેઠક સિંધિયા પરિવારનો ગઢ ગણાતી હતી, જ્યાંથી પ્રથમ વાર હારીને જ્યોતિરાદિત્યએ ગઢ ગુમાવ્યો હતો. એ પહેલા જ્યોતિરાદિત્ય એ બેઠક પરથી ચાર વખત ચૂંટાયા હતા. રસપ્રદ રીતે જેમણે જ્યોતિરાદિત્યને હરાવ્યા એ કે.પી.સિંહ યાદવ તેમના ખાસ મિત્ર અને ચૂંટણી મેનેજર હતા. પરંતુ 2018માં બન્ને વચ્ચે વિખવાદ થતાં તેઓ અલગ પડયા હતા, ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણી લડી સિંધિયાને હરાવ્યા હતા. યાદવને 6 લાખથી વધારે જ્યારે સિંધિયાને પોણા પાંચ લાખથી વધારે મત મળ્યા હતા. એક લાખથી વધારે મતે હારીને કોંગ્રેસના ફ્લોપ સ્ટારમાં સિંધિયાએ એ વખતે નામ નોંધાવ્યું હતું.

હું ભાજપમાં નથી જોડાવાનો : થરૂરની સ્પષ્ટતા

સિંધિયા પછી હવે કોણ એ અટકળો ચાલી હતી. દરમિયાન કોઈએ સમાચાર વહેતા કર્યા હતા કે શશી થરૂર પણ ભાજપમાં જોડાઈ જવાના છે. થરૂર અગાઉ નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂક્યા છે. મોદી પણ થરૂરના વખાણ કરી ચૂક્યા છે. માટે આ સમાચારને વેગ મળ્યો હતો. પરંતુ થરૂરે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં જોડાવાનો નથી, જે વાતો ચાલે છે એ ધડ-માથા વગરની છે. થરૂરે પોતાની ટ્વિટમાં એમ પણ લખ્યું હતું કે હું તકવાદી નથી!

કિર્તી ચિદમ્બરમને ડહાપણ નડયું!

જ્યોતિરાદિત્યના સંદર્ભમાં પી.ચિદમ્બરમ્ના પુત્ર કિર્તીએ ટ્વિટ કર્યું હતું. કિર્તીએ ટીકા કરતાં લખ્યુ હતુ કે આ તો અતિ મહાત્વાકાંક્ષાનું પરિણામ છે. કેટલાક વિદ્વાનોએ તેને જવાબ આપતા સામે ટ્વિટ કરી હતી. જેમાં લખ્યુ હતું કે વિચારધારા અને મહાત્વાકાંક્ષાની વાત કિર્તીએ ન કરવી જોઈએ. કેમ કે ખુદ પી. ચિદમ્બરમ્ પણ જશવંતસિંહના વખતમાં ભાજપમાં જોડાવાના ભરપૂર પ્રયાસ કરી ચૂક્યા છે. પરંતુ અડવાણી અને જનકૃષ્ણામૂર્તિ જેવા નેતાઓએ વિરોધ કરતાં એ જમાનામાં ચિદમ્બરમ્નો ભાજપ પ્રવેશ અટકી ગયો હતો.

સત્તાપ્રેમી સિંધિયાએ 1857માં અંગ્રેજોનો સાથ આપ્યો હતો

અત્યારે કોઈ રાજનેતા એક પક્ષમાંથી બીજામાં જાય તેની કોઈ નવાઈ નથી. સિંધિયા સહિતના અનેક રાજવી પરિવારો અને પોતાને પ્રજાવત્સલ ગણાવતા શાસકોએ અંગ્રેજો સાથે સમાધાન કર્યાના અનેક દાખલા ઇતિહાસમાં નોંધાયેલા છે. ખાસ સિંધિયાની જ વાત કરીએ તો એ બહુ જાણીતો ઈતિહાસ છે કે 1857ની ક્રાંતિ વખતે સિંધિયા એ દેશને બદલે અંગ્રેજોનો સાથ આપ્યો હતો. જીવાજીરાવ સિંધિયાએ અંગ્રેજો સાથે સંધિ કરી લેતા રાણી લક્ષ્મીબાઈ સહિતના લડવૈયાઓના આયોજન પર પાણી ફરી ગયું હતું અને છેવટે ક્રાંતિ નિષ્ફળ ગઈ હતી. જ્યોતિરાદિત્ય એ સિંિધયા પરિવારમાંથી જ આવે છે. હવે સિંધિયા એ જ્યારે કોંગ્રેસ પક્ષ છોડી દીધો ત્યારે ઘણા કોંગ્રેસી નેતાઓને અચાનક 1857ની એ ઘટના યાદ આવી હતી. અત્યાર સુધી કોંગ્રેસીઓને સિંધિયા સામે વાંધો ન હતો.

સિંધિયાના કોંગ્રેસ છોડવાની રાષ્ટ્રીય સ્તરે અસર થઇ શકે

 • સિંધિયાની પકડ મ. પ્રદેશના ચંબલ, ગ્વાલિયર અને ગુનામાં વધુ છે, તેઓ હવે ભાજપમાં હોવાથી આ વિસ્તારોમાં કોંગ્રેસને ફટકો પડશે.
 • રાહુલ ગાંધી અને સિંધિયા વચ્ચે ગાઢ મિત્રતા હતી, રાહુલે આ સાથે જ એક સારા મિત્ર ખોઇ દીધા, સિંધિયાએ રાષ્ટ્રીય સ્તરે અનેક નિર્ણયોમાં મદદ કરી જેનો હવે અભાવ રહેશે.
 • મધ્ય પ્રદેશમાં સિંધિયા સમર્થક ધારાસભ્યો પક્ષ છોડી ચુક્યા છે, તેમને મનાવી લેવાય તો પણ આ નારાજગી કોંગ્રેસને રાજ્યમાં નડતી રહેશે અને સરકાર લાંબો સમય નહીં ટકે.
 • મ. પ્રદેશની અસર અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે, રાજસ્થાનમાં સચિન પાયલટ-ગેહલોત વચ્ચે ટક્કર છે. તેથી સિંધિયાના રાજીનામાથી અન્ય રાજ્યોના યુવા કોંગ્રેસ નેતાઓ પણ પક્ષ છોડે તો નવાઇ નહીં.
 • કોંગ્રેસમાં અસંતોષ વધી શકે છે અને સિંધિયાને મનાવવામાં નિષ્ફળતાને કારણે ટોચના નેતૃત્વ પર સવાલો ઉઠી રહ્યા છે. રાહુલ, સોનિયા, પ્રિયંકા અને અન્ય નેતાઓ સિંધિયાને મનાવી શક્યા હોત પણ તેમ ન થયું.

2015થી 2019 સુધી સિંધિયા મોદીના ઘોર ટીકાકાર રહ્યા

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા તે પહેલા મોદીના ઘોર ટીકાકાર હતા, તેઓએ હાલ મોદીના વખાણ કર્યા પણ અગાઉ ભારે ટીકા કરી ચુક્યા છે. લોકસભાની ચૂંટણી વખતે કહ્યું હતું કે મોદી પાંચ વર્ષ સુધી ગાયબ રહ્યા હવે ખેડૂતો, મહિલાઓ, ગરીબોના નામે મત માગવા આવ્યા છે. 2018માં માર્ચ મહિનામાં કહ્યું હતું કે મોદીજી સંસદમાં હિટલરશાહી લાગુ કરી લોકોનો અવાજ દબાવી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટીનો એક એક સાંસદ ને નેતા ન તો ક્યારેય ઝુક્યો છે ન તો ઝુકશે. આવે આપણે એક થઇ ભાજપનો સામનો કરીએ. સાતમી જૂન 2018ના રોજ કહ્યું હતું કે મોદીજી દેશમાં નોટબંધી કરી રહ્યા છે ને તેમના ભાઇ શિવરાજ મ. પ્રદેશમાં કિસાનબંધી કરી રહ્યા છે.

મ. પ્રદેશમાં બન્ને પક્ષના ધારાસભ્યો નારાજ

જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ હવે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામુ આપી દીધુ અને તેઓ ભાજપમાં જવાની તૈયારીમાં છે પણ કોંગ્રેસ કહે છે કે બધુ સલામત છે, જ્યારે બીજી તરફ સિંધિયાને ભાજપમાં મહત્વ આપવાથી ભાજપના નારાજ ધારાસભ્યો કોંગ્રેસમાં જવાની તૈયારીમાં હોવાના દાવા થઇ રહ્યા છે. બન્ને પક્ષના ધારાસભ્યો પક્ષ બદલવાની તૈયારીમાં છે. બીજી તરફ વર્તમાન આંકડા મુજબ જો 22 ધારાસભ્યો કોંગ્રેસને અલવીદા કરી ભાજપમાં જાય તો કોંગ્રેસની સરકાર નહીં બચી શકે, જો આ રાજીનામા સ્વીકારી લેવાય તો વિધાનસભાની સંખ્યા 206 થઇ જશે. એવામાં રાજ્ય સરકાર બચાવવી તો ઠીક રાજ્યસભાની સીટ પણ બચાવવી મુશ્કેલ થશે કેમ કે વર્તમાન સ્થિતિ મુજબ કોંગ્રેસ પાસે હવે 99 મત રહ્યા જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યોના મત છે. રાજ્યસભાની બેઠકના વોટિંગ પર ભાજપને 2 બેઠક મળી શકે છે. જ્યારે ભાજપના બે ધારાસભ્યો પણ કમલનાથના સંપર્કમાં છે, જો તેઓ ક્રોસ વોટિંગ કરે તો પણ કોંગ્રેસને ફાયદો નહીં થાય. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમલનાથે ઇમર્જન્સી બેઠકો શરૂ કરી દીધી છે.

સિંધિયા અને દિગ્વિજયની પેઢીઓ વચ્ચે બે સદી જૂની દુશ્મનાવટ!

સિંિધયાએ કોંગ્રેસ છોડયા પછી વાતનો છેડો તેમના પૂર્વજો સુધી લંબાતો જાય છે. મધ્ય પ્રદેશના રાજકારણમાં કમલનાથ તો મહેમાન કલાકાર જેવા છે, કેમ કે તેઓ થોડા વખતથી જ ત્યાં સક્રિય થયા છે. એ પહેલા વર્ષો સુધી કેન્દ્રમાં હતા. મધ્યપ્રદેશમાં ખરી દુશ્મનાવટ સિંધિયા અને દિગ્વિજય વચ્ચે છે. દુશ્મનાવટ વળી છેક બે સદી કરતા વધારે જુની છે. સિંધિયા ગ્વાલિયરના મહારાજા હતા, તો દિગ્વિજયના પૂર્વજો રાઘોગઢના રાજવી હતા. રાઘોગઢની સૃથાપના 1802માં થઈ હતી. એ રાઘોગઢ રજવાડું નહીં પણ નાનકડી રિયાસત હતી અને તેમનું કામ ગ્વાલિયરના સિંધિયાઓ માટે મહેસૂલ ઉઘરાવવાનું હતું. પરંતુ 1857માં જ્યારે સિંિધયા અંગ્રેજો તરફે રહ્યા ત્યારે રાઘોગઢના રાજવીઓએ ભારતીય ક્રાંતિકારીઓને સાથ આપ્યો હતો. ત્યારથી આ બન્ને રજવાડા વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. આજે એ પેઢીના વારસદારો રાજકીય લાલસા માટે સામસામે જંગે ચડયા છે. રાઘોગઢ આજે માંડ પાંસઠ હજારની વસતી ધરાવતુ નાનકડું નગર છે.

53 વર્ષ પહેલા જ્યોતિરાદિત્યના દાદીએ પણ કોંગ્રેસ સરકાર ઉથલાવી હતી

આજથી 53 વર્ષ પહેલા 1967માં વિજયારાજે સિંધિયાને કારણે કોંગ્રેસની સરકાર ગઇ હતી, આજે ફરી આ જ ઇતિહાસ તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા રીપિટ કરવા જઇ રહ્યા છે. વિજયારાજે કોંગ્રેસમાં હતા પણ 1967માં તેઓની તે સમયના મ. પ્રદેશના મુખ્ય પ્રધાન ડીપી મિશ્રા સાથે ગ્વાલિયરમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને કારણે અનબન થઇ ગઇ, મિશ્રાને મળવા આવેલા વિજયારાજેને 15 મિનિટ સુધી રાહ જોવડાવાઇ અને પોતે મિશ્રાથી નાના છે તેનો અહેસાસ કરાવ્યો તેનાથી વિજયારાજે નારાજ થઇ ગયા. તે સમયે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવાઇ, જેનો મુદ્દો વિજયારાજેએ ઉઠાવ્યો અને ગ્વાલીયરના એસપીને હટાવવા માગ કરી પણ તત્કાલીન મુખ્ય પ્રધાન મિશ્રાએ તેને ધ્યાનમાં ન લીધું.

વિજયારાજેની નારાજગી વધતી ગઇ અંતે તેઓએ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ છોડી દીધુ. તેઓ ગુનાથી અપક્ષ તરીકે લોકસભા લડયા અને જીત્યા. જે બાદ 36 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દેતા કોંગ્રેસની સરકાર ગઇ. આ જ પ્રકારની સ્થિતિ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે થઇ, 2018માં વિધાનસભાની ચૂંટણીમાં સિંધિયાએ સૌથી વધુ સભાઓ કરી, કમલનાથ કરતા વધુ રેલીઓ કરી અને પ્રચાર કરી કોંગ્રેસને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી પણ સીએમ પદ કમલનાથને કોંગ્રેસે આપ્યું ત્યારથી સિંધિયા નારાજ હતા.

રાહુલે સિંધિયા અને કમલનાથ સાથેની તસવીર રી-ટ્વિટ કરી

કોંગ્રેસ છોડનારા જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીના મિત્ર પણ મનાતા હતા, તેઓ બન્ને એક જ કલરના જેકેટ પહેરતા પણ જોવા મળ્યા હતા. આ સ્થિતિ વચ્ચે સિંધિયાના કોંગ્રેસ છોડવા પર રાહુલે દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે વડા પ્રધાન મોદીની ટીકા પણ કરી હતી. રાહુલે કહ્યું હતું કે મોદી મ. પ્રદેશ સરકાર ઉથલાવવા મથી રહ્યા છે જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ, ડિઝલના ભાવ ઘટી ગયા છે છતા દેશમાં ભાવ કેમ નથી ઘટાડાયા? દરમિયાન રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા અંગે કોઇ નિવેદન નથી આપ્યું પણ ટ્વિટર પર તેઓએ કમલનાથ અને સિંધિયા સાથેની પોતાની 2018ની જે તસવીર ટ્વિટર પર શેર કરી હતી તેને ફરી રીટ્વીટ કરી હતી.

જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે જે 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓમાંથી 13 ધારાસભ્યો પરત આવી ગયા છે. જોકે એવુ કોઇ નિવેદન તેમણે જાહેર નથી કર્યું. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સિંધિયાને અમે ક્યારેય સાઇડલાઇન કર્યા જ નથી, તેમને દરેક બાબતે પૂછ્યા બાદ જ નિર્ણય લેવાતા હતા. જ્યારે બળવાખોર ધારાસભ્યો અંગે પૂછતા તેમણે દાવો કર્યો હતો કે 13 ધારાસભ્યોએ મને વિશ્વાસ આપ્યો છે કે તેઓ કોંગ્રેસ નહીં છોડે અને અમારી સાથે જ રહેશે.

READ ALSO

Related posts

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Bansari

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!