GSTV

ગરીબોને રાહત/ દેશના 80 કરોડ લોકો માટે લેવાયો મોટો નિર્ણય, 31મી જુલાઈથી દેશભરમાં લાગુ થશે આ નિયમો

દેશ

Last Updated on June 30, 2021 by Damini Patel

સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યોને ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજના ૩૧મી જુલાઈ સુધીમાં લાગુ કરવા આકરો આદેશ આપ્યો છે. મોદી સરકારે ૨૦૧૯માં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, ૨૦૧૩ હેઠળ ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ સ્કીમ શરૂ કરી હતી. આ યોજના હેઠળ પ્રવાસી કામદારો એક રાશન કાર્ડથી દેશમાં ક્યાંય પણ રાશન મેળવી શકે છે.

મોદી સરકારે દેશમાં ૮૦ કરોડથી વધુ લોકોને સબસિડી પર રાશન આપવાની યોજનાને લંબાવીને ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજનાને વિસ્તારી હતી. આ યોજના પહેલા પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાર રાજ્યોમાં શરૂ કરાઈ હતી. પાછળથી માર્ચ ૨૦૨૧થી તેને આખા દેશમાં લાગુ કરાઈ હતી. અગાઉની રાશન કાર્ડની યોજના હેઠળ રાશનકાર્ડ ધારક પોતાના જિલ્લા કે રાજ્ય છોડીને બીજે ક્યાંય જાય તો તેને જૂના રાશન કાર્ડ હેઠળ રાશન અપાતું નહોતું. જોકે, આ યોજના હેઠળ રાશન કાર્ડ મારફત અનાજ મેળવતા દરેક લાભાર્થીને વિશેષરૃપે પ્રવાસી કામદારો દેશમાં કોઈપણ જગ્યાએ એટલે કે તેમના કામના સ્થળે સરકારી વિતરણ હેઠળની રાશનની દુકાન પરથી સબસિડાઈઝ રાશન મેળવી શકે છે.

અનાજ

આ યોજના હેઠળ દેશમાં ભૂખમરો દૂર કરવા તેમજ રાશન વિતરણમાં વચેટિયાઓની દખલ અને છેતરપિંડીની ઘટનાઓ પર લગામ મૂકવાનો પણ સરકારનો આશય છે. ગરીબી રેખા (બીપીએલ) નીચે આવનાર કોઈપણ નાગરિક આ યોજનાનો લાભ મેળવી શકે છે.

17 રાજ્યો લાગુ કરી ચુક્યા છે

નાણામંત્રાલયના ૧૧ માર્ચ, ૨૦૨૧ના સર્ક્યુલર મુજબ દેશમાં ૧૭ રાજ્યો આ યોજના લાગુ કરી ચૂક્યા છે, જેમાં આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મણિપુર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

બેન્ચે કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશો આપવા ત્રણ એક્ટિવિસ્ટ્સની અરજીના પગલે આ નિર્દેશો આપ્યા હતા. આ કેસમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે મોટાભાગના રાજ્યોએ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાનો અમલ શરૂ કરી દીધો છે. પરંતુ આસામ, છત્તિસગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ હજી સુધી આ યોજનાનો અમલ શરૂ કર્યો નથી, જેથી કામના સ્થળે રાશનની દુકાનમાંથી પ્રવાસી કામદારોને મફત રાશન મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

રેશન

રાશન કાર્ડની પોર્ટેબિલિટીનો અમલ આ રાજ્યોની ટેકનિકલ તૈયારીને આધિન છે. કેન્દ્રે એમ પણ કહ્યું કે દિલ્હીમાં આ યોજના શરૃ કરવાની તૈયારીના સંદર્ભમાં આપ સરકારનો દાવો ગેરમાર્ગે દોરનારો છે. આપ સરકારનું કહેવું છે કે આ યોજનાનો પૂર્ણ અમલ થયો ન હોવાથી દિલ્હીમાં સબસિડાઈઝ્ડ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) ખાદ્યાન્નના લાભ મેળવવા પ્રવાસી કામદારોનો મોટો વર્ગ સક્ષમ નથી.

૧૧મી જૂને કરાઈ હતી સુપ્રીમમાં અરજી

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં લૉકડાઉન અને કરફ્યૂના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પ્રવાસી કામદારો માટે ખાદ્યાન્ન સલામતી, રોકડ ટ્રાન્સફર્સ અને અન્ય કલ્યાણ બાબતોની ખાતરી માટે ૧૧મી જૂને સુપ્રીમમાં આ અરજી કરાઈ હતી. ત્રણ એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરેની આ અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજના (ઓએનઓઆરસી) ગરીબ નાગરિકોના કલ્યાણ માટે છે, કારણ કે તે પ્રવાસી કામદારોને તેમનું રાશન કાર્ડ અન્ય રાજ્યમાં નોંધાયેલું ન હોય તો પણ તેમને તેમના કામના સ્થળે સસ્તા અનાજની એટલે કે રાશનની દુકાન પરથી રાશન લેવા સક્ષમ બનાવે છે.

સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે શ્રમ મંત્રાલયને અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક મોડયુલ ઉપલબ્ધ કરાવવા ૨૧મી ઑગસ્ટ, ૨૦૧૮ના રોજ આપેલા નિર્દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અસંગઠિત ક્ષેત્રના કામદારો નોંધણી માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દાખવવામાં આવેલી ઉદાસિનતા અને બેદરકારી માફીને પાત્ર નથી.

બેન્ચે કેન્દ્રને ૩૧મી જુલાઈ સુધીમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી માટે નેશનલ ઈન્ફર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)ની મદદથી અસંગઠિત કામદારો માટે રાષ્ટ્રીય ડેટાબેઝ (નેશનલ ડેટાબેઝ ફોર અનઓર્ગેનાઈઝ્ડ વર્કર્સ – એનડીયુડબલ્યુ) પોર્ટલ વિકસાવવા પણ નિર્દેશ આપ્યા હતા. કોરોના મહામારીના સમયમાં ગરીબો અને કામદારોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે તાત્કાલિક પોર્ટલનો અમલ થાય તે ખૂબ જ જરૃરી છે. વધુમાં કોર્ટે એક મહિનામાં પોર્ટલની કામગીરી અંગે રિપોર્ટ પણ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૨૪મી મેના રોજ પણ અસંગઠિત કામદારોની નોંધણી પ્રક્રિયાને ‘ખૂબ જ ધીમી’ ગણાવી હતી અને કેન્દ્ર અને રાજ્યોના તંત્રને સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન પ્રવાસી કામદારો માટે ખાદ્યાન્ન પૂરું પાડવા અને કોમ્યુનિટી કિચન ચલાવવા નિર્દેશો આપ્યા હતા. બેન્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બધા જ વિભાગો અને કોન્ટ્રાક્ટર્સની ઈન્ટર સ્ટેટ માઈગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ એક્ટ) ૧૯૭૯ હેઠળ નોંધણી કરવા નિર્દેશ આપ્યા હતા.

Read Also

Related posts

અગત્યનું/ પોલીસ ભરતી અને પોલીસના ગ્રેડ-પે અંગે મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

Bansari

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!