GSTV
India Mumbai News Trending

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે. એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે. બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.

ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી પરત આવ્યા છે. આ કારણે તેમની કાર્યવાહી પર પણ સૌની નજર છે. કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોના પરિવારોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

શિવસેના

39 ધારાસભ્યોની આઝાદીની રક્ષા માટે સરકાર પૂરતા પગલાં લેઃ SC

ટીમ શિંદેને સુપ્રીમ કોર્ટમાંથી હાલ પૂરતી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તથા તમામ 39 ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની રક્ષા માટે પૂરતા પગલાં લે. તેમની સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચે.

ધારાસભ્યોની સુરક્ષાનો મુદ્દો

બંડખોર ધારાસભ્યોના વકીલે કોર્ટમાં તેમની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તે અંગે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ધારાસભ્યો તથા તેમના પરિવારને પૂરતી સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું.

બંડખોરોને મોટી રાહત

શિવસેનાના બાગી ધારાસભ્યોએ આજે સાંજે 5:00 વાગ્યા સુધીમાં અયોગ્ય ઠેરવવા અંગેની નોટિસનો જવાબ આપવાનો હતો. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની આ નોટિસ પર 11મી જુલાઈ સુધી રોક લાગતી હોવાનું જણાવ્યું. મતલબ કે હવે ત્યાં સુધી આ ધારાસભ્યોને અયોગ્ય નહીં ઠેરવી શકાય.

11 જુલાઈના રોજ સુનાવણી

એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે લગભગ તમામ પક્ષોને નોટિસ આપી છે. તમામ પક્ષોએ 5 દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનો છે. આગામી 11 જુલાઈના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરાશે. જે પક્ષોને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં ડેપ્યુટી સ્પીકર, વિધાનસભાના સચિવ, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલી, શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી, સુનીલ પ્રભુ વગેરેનો સમાવેશ થાય છે.

શિવસેના

સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર સામે ઉઠાવ્યા સવાલ

સુપ્રીમ કોર્ટે સિંઘવીને એવો સવાલ કર્યો હતો કે, જે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તે કોઈ સદસ્યની અયોગ્યતાની કાર્યવાહી કઈ રીતે શરૂ કરી શકે. સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ડેપ્યુટી સ્પીકર પોતાની સામેના પ્રસ્તાવમાં પોતે જ જજ કઈ રીતે બની ગયા? કોર્ટે સવાલ કર્યો હતો કે, શિંદેની ટીમે ઈ-મેઈલના માધ્યમથી ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મોકલી હતી જેના પર ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. જવાબમાં ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે, હા નોટિસ આવી હતી પણ તેને રદ કરવામાં આવી હતી.

ત્યારે કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયે એક એફિડેવિટ દાખલ કરવું પડશે. જણાવવું પડશે કે, ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો કે નહીં. જો આવ્યો હતો તો તેને રિજેક્ટ શા માટે કરવામાં આવ્યો.

શિવસેનાના વકીલે 1992ના કિહોટો હોલોહન કેસને યાદ કર્યો

કોર્ટમાં દલીલ દરમિયાન શિવસેનાના અભિષેક મનુ સિંઘવીએ જીવનું જોખમ હોવાની વાત પાયાવિહોણી હોવાનો દાવો કર્યો હતો. સિંઘવીએ જણાવ્યું કે, 1992ના કિહોટો હોલોહન કેસમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી કોર્ટમાં કોઈ એક્શન ન થવી જોઈએ.ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, શું 1992ના કેસમાં પણ સ્પીકરની પોઝિશન સામે સવાલો ઉભા થયા હતા. ત્યારે સિંઘવીએ જણાવ્યું કે, રેબિયા કેસ પ્રમાણે સ્પીકર ભલે ખોટો નિર્ણય લે પરંતુ તેમના નિર્ણય બાદ જ કોર્ટ દખલ કરી શકે.

39 ધારાસભ્યો સાથે હોવાનો શિંદે જૂથનો દાવો

સુપ્રીમ કોર્ટમાં શિંદેની ટીમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, 39 ધારાસભ્યો તેમના સાથે છે. આમ મહારાષ્ટ્ર સરકાર લઘુમતીમાં છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ડેપ્યુટી સ્પીકરની છબિ જ શંકાના ઘેરામાં હોય તો તેઓ અયોગ્ય ઠેરવવાનો પ્રસ્તાવ કઈ રીતે લાવી શકે. પહેલા એ અરજીઓ પર સુનાવણી થવી જોઈએ જેમાં ડેપ્યુટી સ્પીકરને દૂર કરવાની માગણી કરવામાં આવી છે. ડેપ્યુટી સ્પીકર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

પહેલા હાઈકોર્ટ શા માટે ન ગયા

સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, પહેલા હાઈકોર્ટમાં શા માટે ન ગયા. તેના જવાબમાં વકીલે કહ્યું કે, આ ગંભીર કેસ હતો માટે સીધા અહીં આવ્યા. શિંદેના વકીલે કહ્યું કે, આર્ટિકલ 32 પ્રમાણે અરજી કરી શકાય. અમારા સાથે પાર્ટી શિવસેનાના 39 ધારાસભ્યો છે. અમને ધમકીઓ આપવામાં આવે છે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. ઘર સહિતની અન્ય સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બળવાખોર ધારાસભ્યોએ 2 અરજી આપી છે. પહેલું તો તેમના જીવને જોખમ દર્શાવ્યું છે અને બીજું ડેપ્યુટી સ્પીકર દ્વારા તેમને ઓછો સમય આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટ

શિંદે જૂથે જણાવ્યું કે, તેમને નોટિસનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવો જોઈતો હતો પરંતુ ડેપ્યુટી સ્પીકર ઉતાવળમાં હોવાનું જણાઈ રહ્યું છે. ધારાસભ્યોના વકીલ નીરજ કિશન કૌલે જ્યારે એમ કહ્યું કે, ડેપ્યુટી સ્પીકર ઉતાવળમાં લાગી રહ્યા છે ત્યારે કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોએ પહેલા ડેપ્યુટી સ્પીકર સાથે વાત શા માટે ન કરી.

શિંદે જૂથ તરફથી વધુ એક અરજી કરવામાં આવી

એકનાથ શિંદેની ટીમે સુપ્રીમ કોર્ટમાં ત્રીજી અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શિંદે જૂથના ધારાસભ્યોના જીવને જોખમ છે.

બંડખોર મંત્રીઓ પાસેથી વિભાગ છીનવી લેવાયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બંડખોર મંત્રીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. 8 બંડખોર મંત્રીઓ પાસેથી તેમના વિભાગ છીનવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય મંત્રીઓને તે વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

રાઉત બીજાને ધમકાવે અમને નહીં: શ્રીકાંત શિંદે

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેએ જણાવ્યું કે, સંજય રાઉતે બીજાને ધમકાવવા જોઈએ, અમને નહીં. ગુવાહાટીથી લાશ લાવવા અંગેના નિવેદનથી તેઓ શું કહેવા માગે છે? આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. આ બળવો નથી પણ મહારાષ્ટ્રના લોકોની ઈચ્છા છે. હકીકતે એક કાર્યક્રમ દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે, ગુવાહાટીમાં જે છે તે જીવતી લાશો છે. ગુવાહાટીથી 40 ધારાસભ્યોનો મૃતદેહ સીધો મુંબઈ આવશે. તેમને પોસ્ટમોર્ટમ માટે વિધાનસભામાં મોકલવામાં આવશે. અહીં માત્ર તેમના શરીર જ પાછા આવશે. તેમનો આત્મા ત્યાં જ મરી ગયો હશે. જ્યારે આ 40 લોકો અહીંથી બહાર નીકળશે તો તેમનું દિલ જીવતું નહીં હોય. તેમને ખબર છે કે, અહીં જે આગ લાગી છે તેનું પરિણામ શું આવી શકે.

અમે MVA સરકારને સમર્થન પાછું ખેંચ્યું

એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં લખ્યું છે કે, મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધને સદનમાં બહુમત ગુમાવ્યું છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. આમ મહાવિકાસ અઘાડી સરકારે બહુમત ગુમાવ્યું છે.

થાણે ખાતે એકઠા થયા એકનાથ શિંદેના સમર્થકો

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના સમર્થકો થાણે ખાતે તેમના આવાસ બહાર એકઠા થયા છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રના રસ્તાઓ પર શિવસૈનિકો તથા શિંદેના સમર્થકો વચ્ચે જંગ જામ્યો છે. મોટી સંખ્યામાં શિંદેના સમર્થકોએ આજે રસ્તાઓ પર પ્રદર્શન કર્યું. બીજી તરફ બેઠકોનો દોર પણ ચાલુ છે. એકનાથ શિંદે આજે બપોરે બંડખોર ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ આજે ફરી દિલ્હી જઈને અમિત શાહને મળવાના છે.

કોર્ટની સુનાવણીનું લાઈવ પ્રસારણ

મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી થઈ રહી છે તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. કાર્યવાહીની લિંક શિંદે જૂથને મોકલવામાં આવી છે. શિંદે જૂથ ગુવાહાટી ખાતેથી કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ જોશે.

શા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મુદ્દો

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. શિંદે તરફથી પોતાના ધારાસભ્ય દળના નેતાને પદ પરથી દૂર કરવામાં આવ્યા, બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવવામાં આવી તથા ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો તેના સામે અરજી કરી છે.

એકનાથ શિંદે

હકીકતે એકનાથ શિંદેની ટીમે બળવો પોકાર્યો ત્યાર બાદ શિવસેનાએ એકનાથ શિંદેને પદ પરથી દૂર કરીને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવ્યા છે. એકનાથ શિંદેની ટીમે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ડેપ્યુટી સ્પીકરે ફગાવી દીધો હતો. શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોના કહેવા પ્રમાણે ડેપ્યુટી સ્પીકર દ્વારા જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાયદેસર છે.

વકીલોની ફોજ ઉતારાઈ

સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી મહારાષ્ટ્રની રાજકીય લડાઈ જીતવા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે તત્પર છે. બંને પક્ષ તરફથી સુપ્રમી કોર્ટમાં દિગ્ગજ વકીલોની ફોજ ઉતારવામાં આવી છે. શિંદે અને ઠાકરેએ પોત-પોતાનો પક્ષ રજૂ કરવા માટે એવા વકીલો પસંદ કર્યા છે જેમની દલીલો કાપવી કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની શકે છે.

શિંદે ગ્રુપના વકીલોના લિસ્ટમાં સૌથી પહેલું નામ પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વેનું છે. ઉપરાંત શિંદે ટીમે ભારતના પૂર્વ એટર્ની જનરલ તથા પ્રખ્યાત વકીલ મુકુલ રોહતગીને પણ કેસની જવાબદારી સોંપી છે. તે સિવાય મનિંદર સિંહ અને મહેશ જેઠમલાની પણ શિંદે જૂથ વતી પક્ષ રજૂ કરશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિગ્ગજ અભિષેક મનુ સિંઘવીને આ કેસની જવાબદારી સોંપી છે. ઉપરાંત પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલ પણ ઉદ્ધવ ઠાકરે તરફથી કોર્ટમાં પોતાનો પક્ષ રાખશે. તે સિવાય રાજીવ ધવન અને દેવદત્ત કામત પણ દલીલો રજૂ કરશે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે પણ પોતાનો પક્ષ રાખવા માટે વકીલ રવિ શંકર જાંધ્યાલને જવાબદારી સોંપી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ આજે આ કેસની સુનાવણી કરી છે.

READ ALSO:

Related posts

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu
GSTV