દેશમાં આ તારીખથી વાહનો ગણાશે ભંગાર : પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘું, સરકારે લીધો નિર્ણય

દેશમાં વધી રહેલા પ્રદુષણને લઇને સુપ્રીમ કોર્ટે કડક નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2020 પછી દેશમાં બીએસ-4 વાહનોના વેચાણ અને તેના રજિસ્ટ્રેશન પર રોક લગાવી દીધી છે. દેશમાં અત્યારે બની રહેલા આશરે તમામ વાહનો બીએસ-4 શ્રેણીમાં આવે છે. કોર્ટે ચુકાદો સંભળાવતા કંપનીઓને બીએસ-4 વાહનોનો સ્ટોક ખત્મ કરવા માટે એપ્રિલ 2020 સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ બીએસ-4 વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય. આ અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ પર 31 માર્ચ 2017ના રોજ બીએસ-3 વાહનોનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. દિલ્હી સહિત દેશભરમાં પ્રદુષણના વધતા પ્રકોપને જોતા સુપ્રિમ કોર્ટે વાહન બનાવતી કંપનીઓને બીએસ-૬ માનક લાગુ કરવામાં છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જેને પગલે એપ્રિલ ૨૦૨૦થી માત્ર બીએસ-૬ માપદંડવાળા વાહન જ વેંચાશે. જોકે, પહેલીથી દોડી રહેલા બીએસ-૪ વાહનોને હટાવાશે નહિં.

સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અપીલ

બીએસ-૬ લાગુ કરવાનું જાહેરનામું ૨૦૧૭માં લાગુ કરી દેવાયું હતું પરંતુ વાહન બનાવતી કંપનીઓએ જાહેરનામા વિરૂદ્ધ સમય સીમા વધારવાને લઈને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે તાજેતરમાં વાહન ઉદ્યોગને સમયમાં છૂટ આપવાથી ઈન્કાર કરી દેતાં ઉકત જાહેરનામુ સ્વયં લાગુ થઈ જશે. જે અનુસાર ૧લી એપ્રિલ ૨૦૨૦થી માત્ર બીએસ-૬ ઉત્સર્જન માનકના વાહનોનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

બીએસ-4 વાહનો વેચી જ નહીં શકાય

વાહન બનાવતી કંપનીઓએ બીએસ-૪ વાહનોને આનાથી પહેલાં વેચી દેવા પડશે. આ સમય સીમા બાદ બીએસ-૪ વાહન ગોદામની બહાર કાઢી નહિ શકાય. પ્રથમ તબક્કામાં ચારેય મહાનગરો સહિત જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, પ. બંગાળ, યુપી સહિત કેટલાક શહેરોમાં બીએસ-૬ માપદંડ લાગુ થશે. બાદ ઉત્સર્જન નવા નિયમો દેશભરમાં લાગુ થઈ જશે. બીએસ-૬ વાહનમાં નવુ એન્જિન તથા ઈલેકટ્રોનીક વાયરીંગ બદલવાથી વાહનોની કિંમતમા ૧૫ ટકાનો વધારો થશે.

પેટ્રોલ-ડીઝલ દોઢથી બે રૂપિયા મોંઘું થશે

બીએસ-૬ વાહનોની એન્જિનની ક્ષમતા વધશે. આનાથી ઉત્સર્જન ઓછું થશે તો બીએસ-૬ પેટ્રોલ-ડીઝલ દોઢથી બે રૂપિયા મોંઘું થશે. બીએસ-૬ ઈંધણ ક્ષમતા વધવાથી કાર ૪.૧ લીટરમાં ૧૦૦ કિ.મી. થી વધુ માઈલેજ આપશે. બીએસ-૪ની સરખામણીમાં બીએસ-૬માં પ્રદુષણ ફેલાવતા ખતરનાક પદાર્થો ઓછા હશે. બીએસ-૬નો અર્થ છે ભારત સ્ટેજ જેનો સંબંધ ઉત્સર્જન માપદંડથી છે. બીએસ-૬ વાહનોમાં ખાસ ફિલ્ટર લાગશે જેનાથી ૮૦ થી ૯૦ ટકા પીએમ ૨.૫ જેવા કણ અટકાવી શકાશે. નાઈટ્રોજન ઓકસાઈડ ઉપર નિયંત્રણ લાગશે. યુરોપિયન દેશો અને ઓસ્ટ્રેલિયામાં પહેલેથી જ બીએસ-૬ લાગુ છે ત્યાં હવે બીએસ-૭ આવશે.

કેમ જરૂરી છે બીએસ-6?

તાજેતરમાં સરકારે બીએસ 6 ધોરણ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ 2020થી ભારતમાં બીએસ-6 એમિશન નોર્મને લાગૂ કરવામાં આવશે. હકીકતમાં બીએસ-6 ફ્યૂલમાં સલ્ફરનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જેના કારણે પ્રદુષણ પણ ઓછું ફેલાય છે. બીજી તરફ બીએસ-6 વાળા વાહનોથી નાઇટ્રોજન ઓક્સાઇડનું 89 ટકા અને પીએમનું 52 ટકા ઓછું ઉત્સર્જન થશે. જોકે બીએસ-4 વાહનોનો સ્ટોક ખત્મ કરવા માટે ગ્રેસ પીરિયડ આપવા માટે માંગ કરાઇ હતી. 

મોટરસાઇકલની હેડલાઇટ્સ આપમેળે ચાલુ થઈ જશે

હાલના સમયમાં દેશમાં ચાલી રહેલા બીએસ -4 માનકવાળા વાહનોમાં હેડલાઇટ ઑન-ઑફ સિસ્ટમને જ નાબૂદ કરવામાં આવી છે. હેડ લાઇટ પર ઑફ સ્વિચના સ્થાને હવે તમામ ટુ-વ્હીલર્સમાં ઓટોમેટિક હેડ લાઇટ સિસ્ટમ (ઓ.એચ.ઓ.) હશે. તેમાં એન્જીન સ્ટાર્ટ થવાની સાથે જ મોટરસાઇકલની હેડલાઇટ્સ આપમેળે ચાલુ થઈ જશે. જ્યાં સુધી ટુ-વ્હીલર એન્જિન શરૂ થશે ત્યાં સુધી હેડલાઇટ ચાલુ રહેશે. ડ્રાઇવરો તેને બંધ કરી શકશે નહીં. નોંધનીય છે કે, બીએસ -6 વાહનોમાં પણ સમાન સિસ્ટમ જોવા મળશે. હેડલાઇટ્સ ચાલુ રાખવાનું કારણ એ ગણાવવામાં આવે છે કે, વાહન ચાલકો વાહન ચલાવે છે, પરંતુ દિવસ આથમે ત્યારે એટલે કે અંધારું થયા બાદ ઘણી વાર લાઈટ ચાલુ કરવાનું ભૂલી જતા હોય છે. જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter