GSTV

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદ

Last Updated on July 26, 2021 by Bansari

સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી એવી સાર્વત્રિક મેઘમહેર આજે વરસી હતી. રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામજોધપુર તાલુકાના સડોદર અને નર્મણા સહિતના ગામોમાં ૧૦થી ૧૫ ઈંચ વરસાદ તૂટી પડયો હતો. ગિરનાર પર્વત ઉપર પણ અનરાધાર વરસાદથી નદીઓની જેવા ધોધ વહી નિકળ્યા હતા. ગઇકાલ બાદ આજે પણ ભારે વરસાદ વરસતા નદી – નાલામાં પૂર આવ્યા હતા. ચેકડેમો પણ છલકાઇ ઉઠયા હતા. મોટા જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થઇ હતી. પરિણામે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

વરસાદ

જામજોધપુરનાં સડોદર, નરમાણા સહિતનાં ગામોમાં ૧૦થી ૧૫ ઈંચ વરસાદ

રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘાડંબર વચ્ચે વરસાદ વરસવાનું ચાલું થયું હતું. સાંજ સુધીમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર થયો હતો. બીજી તરફ લોધીકામાં આભ ફાટયું હોય એમ બપોરે આઠ ઇંચ વરસાદ તૂટી પડતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ધોરાજી અને કોટડાસાંગાણીમાં પણ ચાર ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ઉપલેટામાં અઢી ઇંચ, ગોંડલ અને જામકંડોરણામાં દોઢ ઇંચ, પડધરી અને જેતપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જસદણ અને અને વિંછીયામાં ઝાપટા પડયા હતા. ધોરાજીનાં મોટી પાનેલીમાં ધોધમાર સાત ઇંચ અને મોટી મારડમાં આઠ ઇંચ, ઉપલેટાનાં લાઠ સહિતનાં ગામોમાં પાંચ ઇંચ, ઢાંકમાં બે ઇંચ મેઘમહેર વરસી હતી.

જૂનાગઢ જિલ્લાને પણ આજે મેઘરાજાએ જળબંબોળ કર્યો હતો. માણાવદરમાં પાંચ ઇંચ તો ગ્રામ્ય વિસ્તારોમાં આઠ ઇંચ સુધી વરસાદ પડયો હતો. જ્યારે જૂનાગઢ અને વંથલીમાં સાડા ચાર ઇંચ વરસાદથી માર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગિરનાર પર્વત વિસ્તારમાં પણ આઠ ઇંચ જેવા અનરાધાર વરસાદથી ધસમસતા ધોધ વહી આવતા કાળવાનાં વોંકળામાં ઘોડાપુર આવ્યા હતા. આજે વિસાવદર અને કેશોદમાં ત્રણ ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, માંગરોળ અને માળીયા હાટીનામાં બે ઇંચ તો ભેંસાણમાં દોઢ ઇંચ મેઘકૃપા વરસી હતી.

વરસાદ

જામનગર જિલ્લામાં આજે સૌથી વધુ સૌથી વધુ જામજોધપુર તાલુકાના સડોદર ગામે ૧૫ ઈંચ તો નરમાણા ગામે ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આસપાસના અન્ય ગામોમાં પણ અનરાધાર વરસાદથી ફૂલઝર નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. સડોદરના રાજાશાહી વખતના પાંચેય ડેમ છલકાઈ ગયા હતા. એસ.ટી. બસ પણ કોઝવેની બીજી તરફ ફસાઈ ગઈ હતી. જ્યારે કાલાવડમાં ધોધમાર છ ઇંચ વરસાદથી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નિચાણનાં વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. જામજોધપુરમાં દોઢ ઇંચ, જામનગર, ધ્રોળ, જોડિયામાં એક ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આઠ ઇંચ જેવા વરસાદથી ખેતરો જળબંબોળ થયા હતા. આમરણ ચોવિસી પંથકમાં આજે ફરી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જ્યારે ફલ્લામાં બે ઇંચ વરસાદ પડયો હતો.

ગિરનાર પર્વત પરથી ધોધ વહ્યા, રાજકોટ સહિત તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં પૂર, ચેકડેમો છલકાયા, ખેડૂતો ખુશખુશાલ

ગીર સોમનાથ જિલ્લામાં આજે સૌથી વધુ વેરાવળમાં મુશળધાર ત્રણ ઇંચ વરસાદથી તમામ વિસ્તારો પાણી – પાણી થઇ ગયા હતા. એ જ રીતે સુત્રાપાડામાં અઢી, તાલાલામાં દોઢ, કોડીનારમાં એક, ગીરગઢડા અને ઉનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદ

પોરબંદર જિલ્લામાં આજે કુતિયાણામાં અનરાધાર સાડા ચાર ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પોરબંદર અને રાણાવાવમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. માધવપુર ઘેડમાં પણ ત્રણ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા.

અમરેલી જિલ્લામાં આજે આકાશ ગોરંભાઇ ગયું હતું અને દિવસભર ઝરમર ઝાપટાં વરસતા રહ્યા હતા. ધારીમાં પોણો ઇંચ, સાવરકુંડલા, બગસરા, રાજુલા, વડીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બાબરા, અમરેલી, ખાંભા, જાફરાબાદમાં હળવા – ભારે ઝાપટા પડયા હતા. એ જ રીતે આજે મોરબી જિલ્લામાં ટંકારામાં દોઢ ઇંચ તથા વાંકાનેર અને મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. દ્વારકા જિલ્લામાં આજે ભાણવડમાં અડધો ઇંચ તથા અન્યત્ર છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.

Read Also

Related posts

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!