સૌરાષ્ટ્રમાં નર્મદાની કેનાલોમાં પાણી ઘટ્યું, ગુજરાત સરકારના વાયદાઅો ખોટા

સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ સ્ટેચ્યુ ઉભુ કરવાની સામે ભાજપ સરકાર દ્વારા ઠેર-ઠેર સરદાર પટેલ એકતાયાત્રાનું જે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે તેની સામે રોષ દર્શાવી ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે આ વર્ષે અપુરતા વરસાદને લીધે સિંચાઈના પાણીની જ્યારે જરૂર છે ત્યારે જ સરકારે સૌરાષ્ટ્રની તમામ બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરી દેતા અપુરતા વરસાદવાળા વિસ્તારોમાં પાકને બચાવવાનું કામ મુશ્કેલ બની રહ્યું છે.

સરદાર સરોવર નિગમ દ્વારા અત્યાર સુધી સૌરાષ્ટ્રની તમામ બ્રાન્ચ કેનાલમાં ઈરીગેશન માટે ૮૦૦થી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. પરંતુ ગત સપ્તાહથી આ પાણી અડધું થઈ ગયું છે જેના કારણે માળિયા, મોરબી, લીંબડી, બોટાદ, વલભીપુર, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈનું પાણી મળતું નથી. આ સપ્તાહમાં તો પાણી સંપુર્ણપણે મળતું બંધ થઈ જશે. ત્યારબાદ તા. ૧૫ નવે. પછી એટલે કે દિવાળી પછી જ પાણી છોડવામાં આવશે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે અપુરતા વરસાદને કારણે અત્યારે સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે એકતા યાત્રાના ભુંગળા વગાડવાનું બંધ કરીને ખેડૂતોને પુરતુ પાણી આપવું જોઈએ. શિયાળુ સિઝનમાં નર્મદા ડેમનું પાણી સિંચાઈ માટે આપવાનું જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં પણ જે નહેરમાંથી ખેડૂતો પાણી મેળવતા હોય તે નહેરના ૫૦ ટકા કરતા વધુ લાભાર્થીઓ જો સિંચાઈના પાણી માટે અરજી કરશે તો જ પાણી માટેના તેઓના માગણાપત્રકો ભરીને નહેરમાં પાણી છોડવામાં આવશે. અન્યથા શિયાળુ પાક માટે પણ પાણી મેળવવું મુશ્કેલ છે.

આ સ્તિતિમાં સરદાર પટેલના નામે લોકલાગણી જીતવાનો પ્રયાસ કરનાર સરકારે ખેડૂતોના હિતમાં ખરીફ સિઝન માટે દિવાળી સુધી પુરતુ પાણી આપવું જોઈએ તેવી લાગણી દોહરાવવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter