સૌરાષ્ટ્રમાં 10 લાખ હેક્ટરમાં કપાસનો પાક ખતરામાં, પાણી ન મળ્યું તો થશે અા મોટી અસર

સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ ૧૫ દિવસ પછી તો મોટાભાગના ડેમ તળિયા ઝાટક થઈ જશે. આ સ્થિતિમાં પાકને બચાવવાનો વિકલ્પ શોધવા માટે આજે વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પરંતુ એક એક આ વીડીયો કોન્ફરન્સ મુલત્વી રાખવામાં આવતા હવે સંભવત: આગામી સપ્તાહમાં પાક અને પાણીની સ્થિતિ જાણવા માટે વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવે તેવી સંભાવના ખેતીવાડી વિભાગના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

કપાસના પાકને અત્યારે પાણીની ખાસ જરૂર

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે અપુરતો વરસાદ હોવા છતાં વાવેતર લગભગ ૯૦ ટકાથી વધુ થયું છે. તેમાં પણ કપાસનું વાવેતર અંદાજે ૧૦ લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વાધિક ૩ લાખ ૪૭ હજાર હેક્ટરમાં જ્યારે રાજકોટ જિલ્લામાં ૨ લાખ ૬૯ હજાર હેક્ટરમાં મોરબી જિલ્લામાં ૨ લાખ ૧૮ હજાર હેક્ટરમાં જામનગર જિલ્લામાં ૧ લાખ ૮૩ હજાર અને દ્વારકા જિલ્લામાં ૨૧૩૨૬ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં ૨,૩૮,૩૮૭ હેક્ટરમાં અને દ્વારકા જિલ્લામાં ૧૭૫૭૮૩ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ પ્રકારની આંકડાકિય વિગતો સામે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લા મથકોના ખેતીવાડી ખાતાના તજજ્ઞાોએ જણાવ્યું હતું કે કપાસના પાકને અત્યારે પાણીની ખાસ જરૂર છે. જો પાણી નહીં મળે તો ૧૦ લાખથી વધુ હેક્ટરમાં જે કપાસનું વાવેતર થયું છે તેને વિપરીત અસર થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૩.૪૭ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. ત્યાં જ ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે.

સૌરાષ્ટ્રમાં અત્યારે ૩૭ ડેમમાંથી સિંચાઈ માટે અપાતું પાણી

સૌની યોજના દ્વારા ડેમો ઝડપથી ભરીને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા ત્વરીત કરવી જોઈએ. પરંતુ બધા ખાલીડેમ નર્મદા નીરથી ભરવાનું કામ મુશ્કેલ છે. વધુમાં ખેડૂતોની મુશ્કેલી સંદર્ભે સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અત્યારે ૩૭ ડેમમાંથી પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે પરંતુ મોટાભાગના જળાશયોના તળિયા હવે ડૂકવા લાગ્યા છે. અત્યારે આજી-૧ અને મચ્છુ-૨ ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યા છે. મચ્છુ-૨માં લેવલ મેઈન્ટેઈન થયા બાદ આજી-૩ ડેમમાં સિંચાઈ માટે પાણી લઈ જવાની મંજુરી હજુ મળી નથી. આ સ્થિતિમાં ૧૫ દિવસ પછી સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ બનશે. અલબત દિવાળી પહેલાં જ સરકાર વધુ કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરી ત્યાં પાક, પાણી અને અબોલ જીવો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter