Last Updated on April 7, 2021 by Bansari
ચૂંટણી પછી કોરોના બોમ્બનો વિસ્ફોટ થયા પછી ચેઈન રિએક્શન શરુ થયું છે અને હવે શહેરભરમાં કોરોનાના કેસો નવા નવા નહીં જોઈતા એવા વધુ સંખ્યાના રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે રેકોર્ડબ્રેક એક દિવસમાં જ સત્તાવાર ચોપડે ૩૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુ આંક સતત વધતો જાય છે, દર કલાકે એક દર્દી અંતિમ શ્વાસ લે છે અને આજે સરકારી સૂત્રો અનુસાર કોરોના સારવાર લેતા ૧૯ દર્દીઓએ દમ તોડી દીધો છે. આજે પણ 24 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. આ મામલે હવે કમિટી કેટલા મૃત્યુનો આંક બતાવે છે એ તો સાંજે જ ખબર પડશે પણ હાલમાં સ્થિતિ ગંભીર બની રહી છે. ગઈકાલે પણ સ્થિતિ વધુ ગંભીર બની હતી. કોરોનામાં સપડાયેલા હોવા છતાં સરકાર મોતના આંકડાઓમાં પણ ગોલમાલ કરી રહી હોવાની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ માત્ર રાજકોટની જ નહીં ગુજરાત ભરની સ્થિતિ છે. દરેક શહેરોમાં કોરોના ગાઈડલાઈનથી થતા અંતિમ સંસ્કાર અને સરકારે જાહેર કરે છે એ આંકમાં જમીન આસમાનનો તફાવત છે.

રાજકોટના સ્મશાનોમાં અંતિમક્રિયા માટે વેઈટીંગ
રાજકોટ શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારગામના લોકો રાજકોટમાં સારવાર કારગત ન નિવડે અને મોતને ભેટે ત્યારે સ્થાનિક સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાતી હોય છે અને આ માટે માત્ર ચાર સ્મશાનોમાં જ ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સગવડ હોય અંતિમક્રિયામાં પણ વેઈટીંગ થયું છે. અગાઉ મનપાએ આ માટે કંટ્રોલરૂમ શરુ કર્યો હતો, કોરોના હવે જ્યારે ટોચ ઉપરપહોંચ્યો છે ત્યારે મહાપાલિકાએ હવે રોજના ૨૦ જેટલા શહેરના તેમજ બહારગામના થઈ દર કલાકે એકનું મૃત્યુ થતું હોય કંટ્રોલ રૂમ ફરી શરૂ કર્યો છે તેમ કમિશ્નરે જણાવી શહેરમાં હાલ પાંચ બુથ ઉપર તથા આરોગ્ય કેન્દ્ર પર યથાવત રીતે ટેસ્ટીંગ કરાતું હોવાનું જણાવ્યું હતું.

મનપામાં ૬ પોલીસમેન સહિત ૩૦થી ૪૦ કર્મચારીઓ સંક્રમિત
ગંભીર વાત એ છે કે વેક્સીનેશનના પ્રથમ રાઉન્ડમાં સરકારી કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને અગ્રતાના ધોરણે બે ડોઝ અપાયા હતા છતાં મનપામાં ૬ પોલીસમેન સહિત ૩૦થી ૪૦ કર્મચારીઓ અને તેમાં કેટલાકના તો પરિવારજનો, બહુમાળી ભવનમાં જી.એસ.ટી.વિભાગમાં ૧૯ કર્મચારીઓ, , રાજકોટ એસટી સ્ટેન્ડના સુપરવાઈઝર સહિત ૯ કર્મચારીઓ, ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના પાંચ કર્મચારીઓ, શહેર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ૧૧ શિક્ષકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ૧૦થી વધુ અધ્યાપકો, પી.જી.વી.સી.એલ.માં ૬થી વધુ ઈજનેરો સંક્રમિત થયા છે.
મહાપાલિકાના કે.કે.વી. ચોક પાસે ટેસ્ટીંગ બુથ પર આજે ધોમધખતા તાપમાં પણ લાં.બી કતારો જોવા મળી હતી. મનપાએ શહેરમાં ટેસ્ટીંગ બુથ વધારવાની તાતી જરૂર છે તેમજ કંટ્રોલરૂમને વધુ સજ્જ કરવાની પણ માંગ છે. તો ખાનગી હોસ્પિટલોએ ચાર્જ ચૂકવવા છતાં ટેસ્ટીંગમાં વારો નથી આવતો. આ સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં ૬૬૫ કેસ નોંધાયા
ગઈકાલે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં ૬૬૫ કેસ નોંધાયા બાદ એક જ દિવસમાં ૧૦ ટકા કરતાં પણ વધુ ઉછાળા સાથે આજે વિક્રમી ૭૫૯ નવા કેસ ઉમેરાઈ જતાં કોરોનાથી સ્થિતિ ભયાવહ બનતી ચાલી છે. રાજકોટ શહેરમાં પણ ૩૨૧ કેસ સાથે જાણે નવી ટોચ બની જતાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટ અને જામનગર ખાતે આજે કુલ ૩૪ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકોટમાં સવારે જ ૧૧૦ બાદ સાંજ પડતા સુધીમાં બીજા ૨૧૧ કેસ આવી ગયા હતા. રાજકોટ શહેરના ગઈકાલના ૩.૮૨ ટકા સામે રાજકોટ રૂરલનો આજનો પોઝિટીવિટી રેશિયો માત્ર ૩ ટકા જ (૨૧૧૧ ટેસ્ટમાંથી ૬૪ પોઝિટીવ) દર્શાવતાં આશ્ચર્ય ફેલાયું છે, કેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતાં સંક્રમણ છતાં ગઈકાલે પણ સરકારે માત્ર ૨૮ કેસ જ જાહેર કર્યા હતા. રાજકોટ શહેર-જિલ્લામાં ૧૯ મોત છેલ્લા ૨૪ કલાકમાં થયાનું સરકારનું કહેવું છે.
એ જ રીતે, મોરબી શહેર-જિલ્લામાં લગભગ દરેક વસાહતોમાં કોરોનાનો ચેપ ફેલાતો રહ્યો હોવા છતાં આજે પણ સરકારના આરોગ્ય વિભાગે ફક્ત ૩૨ કેસ જાહેર કરીને નફ્ફટાઈ દાખવી હોવાના આક્રોશ સાથે લોકોમાં એવો મત પ્રવર્તતો હતો કે ક્યાં કેટલા કેસ છે તે જાહેર કરાય તો બાકીના માણસો સાવધ રહે અને સંક્રમિતો કે તેના પરિવારજનોની બહાર અવરજવર પર પણ અંકુશ આવી શકે. આજના કેસોમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૮, શહેર વિસ્તારમાં ૧૧, વાંકાનેર તાલુકામાં શહેર ૨, ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ, હળવદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૨ શહેરી વિસ્તારમાં ૩ કેસ, ટંકારા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૩ કેસ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ કેસ નોંધાયો છે. મોરબી જીલ્લામાં કુલ પોઝીટીવ કેસ ૩૭૮૫ થયા છે, તો અત્યાર સુધીમાં ૩૨૮૬ દર્દીઓ સાજા થયા છે. હાલ ૨૬૬ દર્દી સારવાર લઇ રહ્યા છે તો ૧૯ દર્દીઓના અત્યાર સુધીમાં મૃત્યુ થઇ ચુક્યા છે.
Read Also
- કામની વાત/ હવે એડ્રેસ પ્રુફ વિના મળશે LPG ગેસ કનેક્શન, આ નિયમોમાં થયો ફેરફાર
- અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું
- ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર / ઉધ્ધવ ઠાકરેએ પીએમ સાથે કરી વાત, 1500 મેટ્રિક ટન ઓક્સિજન એરલીફ્ટથી મોકલાવવા કરી માગ
- આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન
