જસદણની ચૂંટણી પતી સરકારની ગરજ પતી, સૌરાષ્ટ્રમાં 55 જળાશયોમાંથી ખેડૂતો માટે બંધ કરાયું પાણી

શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે જ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૬૩ જેટલા જળાશયોમાંથી ૫૫ ડેમમાં સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે અપુરતા વરસાદને કારણે પાણીની તંગીને કારણે શિયાળુ પાકનો મુખ્ય આધાર જળાશયો દ્વારા અપાતા સિંચાઈના પાણી ઉપર રહ્યો છે. જેમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જળાશયો પૈકી માત્ર બે ડેમ આજી-૨ અને ન્યારી-૨માં સિંચાઈ ચાલુ છે બાકી તમામ ડેમનાં પાણી બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આ વર્ષે 73 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ તાલુકાઓ માટે સરકારે 4000 કરોડના બજેટમાં 1700 કરોડની કેન્દ્ર પાસે માગણી કરી છે. હાલમાં રવી સિઝનનો પિક સમય ચાલી રહ્યો છે. પાકને પિયત આપવું એતિ જરૂરી છે. આ સમયે સરકારે પાણી આપવાનું બંધ કરતાં ખેડૂતોને મોટું નુક્સાન જવાની સંભાવના છે. જસદણની ચૂંટણી આજે પૂરી થઈ ગઈ હોવાથી સરકારે પોતાનો રંગ દેખાડવાનો શરૂ કર્યો છે. આ વર્ષે ડેમમાં ઓછું પાણી છે એ સૌ જાણે છે પણ ખેડૂતો માટે ખેતી પણ એટલી જરૂરી છે. પાણી વિના પાકને બચાવવો કેમ એ ખેડૂતો માટે સૌથી મોટો સવાલ છે.

અલબત જૂનાગઢ જિલલામાં મચ્છુન્દ્રી, રાવલ, શિંગોડા, હીરણ-૨, મધુવંતી, ધ્રાફડ, આંબાજળ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જયારે બીજા જિલ્લાઓમાં પાણી બંધ કરી સિંચાઈ ખાતાના સ્ટાફને ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફલી જોખવાના કામમાં રોકી દેવામાં આવ્યો છે. તેથી સિંચાઈનું પાણી છોડવાની ફરિયાદ કોઈ સાંભળતું જ નથી. ખેડૂતોના દેવા માફ કરવાને બદલે સિંચાઈનું પાણી જો પુરતા પ્રમાણમાં આવે તો પણ આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. પરંતુ આ મુદ્દે સરકારને ખેડૂતોની લગીરે ચિંતા ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter