રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. રાજ્યના 32 જિલ્લાના 206 તાલુકામાં વરસાદ થયો છે. દસ તાલુકામાં 100 મીલીમીટરથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં જ્યાં વિકટ પરિસ્થિતિ છે ત્યાંથી કુલ 3500 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં NDRF ની કુલ 20 ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેમાંથી ગીર સોમનાથમાં NDRF ની ચાર ટીમો તૈનાત છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં એક-એક ટીમો કામગીરી બજાવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, વાપી અને સુરતમાં NDRF ની એક-એક ટીમો ખડે પગે છે. મધ્ય ગુજરાતના મહીસાગર અને અરવલ્લીમાં પણ એક-એક ટીમોને તૈનાત કરાઈ છે. જ્યારે કે ગાંધીનગર અને વડોદરામાં ત્રણ-ત્રણ ટીમો તૈયાર છે.
- રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ
- છેલ્લાં 24 કલાકમાં અેક વ્યક્તિનું મોત
- 3500 લોકોને કરાયા રેસ્ક્યું
- રાજ્યમાં અેનડીઅારઅેફની કુલ 20 ટીમો તૈનાત
- સૌરાષ્ટ્રમાં અેનડીઅારઅેફની 9 ટીમો
- ગીર સોમનાથમાં 4 ટીમો
- જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં અેક અેક ટીમ
- દ.ગુજરાતમાં નવસારી, વલસાડ, વાપી, સુરતમાં અેક-અેક ટીમ
- મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ અેક ટીમ રખાઈ
- ગાંધીનગર અે વડોદરામાં ત્રણ ત્રણ ટીમો તૈનાત કરાઈ
પાણી ભરાતા રાજ્યના 184 માર્ગો બંધ
ભારે વરસાદને કારણે રાજ્યના 180 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તંત્રનો દાવો છે કે પૂરના પાણી ઓસર્યા બાદ અહીંનો વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવશે. જ્યારે કે પાણી ભરાતા રાજ્યના 184 માર્ગો બંધ છે. રાજ્યના કુલ 203 ડેમોમાંથી પાંચ ડેમો સો ટકાથી વધુ ભરાયા છે. તો છ ડેમો 91 થી 99 ટકા અને 4 ડેમો 81 થી 90 ટકા ભરાયા છે અને 70 ટકાથી ઓછા ભરાયા હોય તેવા 183 ડેમો છે. તંત્રના જણાવ્યા મુજબ એકપણ ડેમ હાઈએલર્ટ અથવા તો એલર્ટ પર નથી.
- 180 ગામોમાં વીજ પુરવઠો નથી
- 184 માર્ગો બંધ
- કુલ 203 ડેમોમાંથી 5 ડેમો 100 ટકાથી વધુ ભરાયા
- 6 ડેમો 91થી 99 ટકા ભરાયા
- 4 ડેમો 81થી 90 ટકા ભરાયા
- 183 ડેમોમાં 70 ટકાથી અોછા ભરાયા