તેણે મારા પર બળાત્કાર ન કર્યો, પણ વારંવાર એ મને અડપલા કરી છેડતી કર્યા કરતો

હું આવા વિચારોમાં ખોવાયેલી હતી એવામાં ફરી મારી રૂમનું બારણું ખુલ્યું. ચેકપોસ્ટમાં મારા પર સૌ પહેલા બળાત્કાર ગુજારનાર એકવડા બાંધાના આતંકીએ બારણા પાસે ઊભા રહીને કહ્યું, ‘ચાલ ઊભી થા, તારે હવે અહીંથી જવાનું છે.’

મને લેવા આવનારનું નામ હાજી આમેર હતું. એ મારો નવો માલિક હશે, એમ મેં ધારી લીધું. એ મને કારમાં મોસુલ શહેર લઇ ગયો. ત્યાં દવાની દુકાનમાંથી એણે મારા માટે દવા ખરીદીને મને આપી. હાજી આમેરનું ઘર નાનું હતું. ઘરની બધી દીવાલો લીલા રંગની હતી, જેમાં વચ્ચે વચ્ચે સફેદ રંગના પટ્ટા પાડેલા હતા. હું આગલા રૂમના સોફા પર જઇને સુઇ ગઇ. સુતા વેંત જ મને ઘસઘસાટ ઊંઘ આવી ગઇ. હું ઊઠી ત્યારે સાંજ ઢળી ચુકી હતી. આરામના લીધે હવે મને થોડું ઠીક લાગતું હતું. માથાનો દુઃખાવો બંધ થઇ ગયો’તો.

હું ઊઠીને સોફા પર બેઠી થઇ એટલે હાજી આમેર મારી લગોલગ આવીને બેસી ગયો. મનોમન હું ધુ્જી ઊઠી. તેણે મારા પર બળાત્કાર ન કર્યો, પણ વારંવાર એ મને અડપલા કરી છેડતી કર્યા કરતો હતો. વાતવાતમાં એણે મને કહ્યું, તારે અહીં એક અઠવાડિયું રહેવાનું છે. એ પછી તને કદાચ સિરિયા લઇ જવાશે. સિરિયાનું નામ સાંભળી હું ભડકી. મેં તેને વિનંતી કરી કે પ્લીઝ મને સિરિયા ના લઇ જઇશ. મોસુલ શહેરમાં બીજે ગમે ત્યાં લઇ જજે, પણ સિરિયા તો ના જ લઇ જતો.

તું ગભરાઇશ નહીં. સિરિયામાં પણ તારા જેવી બીજી ઘણી ‘સબાયા’ છે. વાતનો વિષય બદલતા તેણે મને પૂછ્યું, તારી પાસે આ એક જ બુરખો છે કે વધારાના બીજા એક-બે છે ખરા ? મેં નકારમાં જવાબ આપતા કહ્યું, મારી પાસે આ એક જ બુરખો છે.’ તારે સિરીયા જવાનું છે. એટલે બીજા બે-ત્રણ બુરખાની તને જરૂર પડશે. હું બજારમાં જઇને તારા માટે બુરખા લઇ આવું છું, એમ કહી એ કારની ચાવી લઇને ઊભો થયો. ‘હું થોડીવારમાં જ પાછો આવું છું’ એમ કહી મુખ્ય દરવાજો બંધ કરીને એ બજારમાં ગયો.

ઘરમાં હવે હું એકલી જ હતી. હાજીનું ઘર શહેરના છેવાડે હોવાથી રસ્તાઓ પ્રમાણમાં શાંત હતા. આજુબાજુના ઘરો પણ નાના હતા અને તેમાંય વધારે લોકો રહેતા હોય એમ લાગતું નહોતું.

કિચનની બારીમાંથી મેં બહાર નજર નાંખી. રસ્તા લગભગ સૂમસામ હતા. લોકોની અવરજવર બહુ જ પાંખી હતી. હું અડધો કલાક બારી પાસે ઊભી રહી, ત્યારે મને અચાનક ખ્યાલ આવ્યો કે રોડ પર એકલ-દોકલ રાહદારીઓ જ દેખાય છે અને ખાસ તો ISIS ના કોઇ આતંકીઓનું અહીં પેટ્રોલિંગ જ નથી…! મારા મનમાં તુરંત અહીંથી ભાગી છૂટવાનો વિચાર ચમકી ઊઠયો. ઘરમાં હું એકલી જ હતી. કોઇ ગાર્ડ કે આતંકી નહોતા. હાજી મારા માટે બુરખા લેવા ગયો છે, એટલે ભાગવા માટેની સરસ તક છે.

મેં ઝડપથી મક્કમ નિર્ધાર કરી લીધો. ધીમા પગલે હું મેઇન ડોર નજીક ગઇ. હાજી એ ડોર બહારથી બંધ કરીને જ ગયો હશે, એટલે કઇ રીતે એ ખોલવું એ વિચાર સાથે મેં મેઇન ડોરનું હેન્ડલ ઘુમાવ્યું, અને મારા મોઢામાંથી ‘ઓહ,’ નીકળી ગયું. 

હેન્ડલ ફેરવતા જ બારણું ખુલી ગયું..! હાજી બહારથી લોક કરીને કેમ નહીં ગયો હોય..? એવો સવાલ મારા મનમાં ઊઠયો, પણ બારણું ખુલી ગયું હોવાથી હવે એ વિચારવાનો મારી પાસે સમય નહોતો, હાજી આવે તે પહેલાં જ અહીંથી ભાગી છૂટવા તરફ મેં ધ્યાન કેન્દ્રીત કર્યું. ઝડપથી બુરખો પહેરી હાથમાં બેગ લઇને હું ઝપાટાભેર પગથિયા ઊતરી કમ્પાઉન્ડમાં આવી ગઇ. ઘરની ડાબી બાજુ મોટી મસ્જિદ હતી. હું ગભરાઇ. 

મસ્જિદમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ સાંજની નમાઝ પઢવા ભેગા થયા હોય અને કોઇ જો મને જોઇ જશે તો મારી શી દશા થશે ? જમણી તરફ હાજીના ઘર જેવા નાના ઘરોની હારમાળા હતી. એ ઘરોના કમ્પાઉન્ડમાં કોઇ જ દેખાતું નહોતું. ઘરના લોકો કદાચ ઘરમાં જ નમાઝ પઢતા હશે કે સ્ત્રીઓ કદાચ રસોઇ પકાવતી હશે.

આસપાસના ઘરોમાં લાઇટો નહોતી. એકાદ – બે ઘરોમાં જનરેટરથી ચાલતી થોડી લાઇટો દેખાતી હતી. પણ એ ઘરોના ગાર્ડન મોટા હતા, જેમાં ઊંચા વૃક્ષો અને નાના છોડવાના ઝૂંડ ફાલ્યા હતા, એટલે ત્યાંથી મને કોઇ જોઇ શકે તેમ નહોતું. ઘરના કમ્પાઉન્ડનો ઝાંપો ખોલી ત્યાંથી બહાર નીકળું અને એવામાં જ બજારમાંથી હાજી પાછો આવી જાય તો મને એ સામે જ ભટકાય…તો પછી મને એ કેવી શિક્ષા કરે એના વિચાર માત્રથી હું ધુ્રજી ઊઠી, એટલે ઝાંપો ખોલીને બહાર જવાના બદલે હું કમ્પાઉન્ડની જમણી તરફ ગઇ અને કમ્પાઉન્ડ વોલ નીચી હોવાથી હું કુદીને બહાર નીકળી ગઇ…

રોડ પર અંધારૂં છવાયેલું હતું. રાતનો જમવાનો સમય હોવાથી ઘરના કમ્પાઉન્ડમાં ચકલુંય ફરકતું નહોતું. આવી સ્થિતિમા ISIS ના આતંકીને બદલે મને અંધારાનો ડર લાગતો હતો. મારા ગામમાં રાતના અંધારામાં હું ક્યારેય એકલી બહાર નીકળી નથી. અહીં અજાણ્યા શહેરના તદ્દન અજાણ્યા રસ્તા પર અત્યારે લપાતી- છુપાતી ઝડપી ચાલે હું એકલી આગળ વધી રહી હતી.

મનમાં ભયંકર ગભરાટના કારણે મને પરસેવો વળી ગયો હતો. એક તબક્કે તો મેં પાછા વળી જવાનો વિચાર કર્યો. હાજીના ઘેર પાછા જઈને ભલે, એ મને સિરિયા લઈ જાય એ બહેતર છે, કારણ ભાગતા હું પકડાઈ જાઉં તો મારા પર એ લોકો કેવો ભયાનક અત્યાચાર ગુજારશે એના વિચાર માત્રથી થોડીવાર તો હું એ સૂમસામ રસ્તાના ખૂણે શાંત ઊભી રહી ગઈ.

પણ બીજી જ ક્ષણે આવા કમજોર અને નેગેટિવ વિચારોને મનમાંથી હટાવીને મેં આગળ ચાલવા માંડયું. ભગવાને, મને ભાગવાની તક આપી છે. જેમ કે બારણું ખુલ્લુ રાખીને હાજીનું બજારમાં જવું, બીજા કોઈ આતંકી કે ગાર્ડ વિનાનું ઘર, ઘરમાં હું એકલી જ અને આસપાસ ઝાઝી કોઈ ચહલપહલ નહી, પડોશમાં પણ ખાસ કોઈની વસ્તી નહીં. ભગવાને મને આ તક આપી છે તો મારે અહીંથી ભાગી છૂટવાનું જોખમ ઉઠાવવું જ જોઈએ. આવો ચાન્સ ફરી નહી મળે, માટે નાદીઆ, અહીંથી ભાગવામાં જ તારૂં ભલું છે, એવું વિચારતી હું આગળ વધતી હતી.

સામેથી કોઈ કાર આવતી દેખાય એટલે મારા હૃદયના ધબકારા વધી જતાં હતા. એ કાર કદાચ હાજી આમેરની હશે તો એ મારી કેવી વલે કરશે ? અથવા તો એ કાર બીજા કોઈ આતંકીની હોય, પણ તેમાં બેઠેલા આતંકી મારૂં અપહરણ કરીને મારા પર દુષ્કર્મ આચરશે, એવી ભીતિ સતત મારા મનમાં ફફડતી રહેતી હતી.જરા જેટલો અવાજ ક્યાંકથી આવે અને ડરની મારી હું કોઈ મકાનની દીવાલ ઓથે લપાઈને ઊભી રહી જતી હતી.

હાજી આમેરના ઘરમાંથી ભાગ્યા પછી હું ધીમી ચાલે સતત આગળ વધતી હતી. હું સાચી દિશામાં છું કે ખોટી દિશામા, એની કશી જ ખબર મને નહોતી. આ રસ્તો મને ક્યાં લઈ જશે તેનીય કશી જાણ નહોતી. આગળ ગરીબ વસ્તી હોય તેવું લાગ્યું. મકાનો નાના હતા. અને રસ્તા પર ગંદકી પણ હતી. રાતનું અંધારૂ વધું ઘેરૂં બન્યુ હતુ. કોઈ ગરીબ સુન્નીના ઘરમાં આશરો લેવાનું હું વિચારતી હતી.

પણ કયા ઘરનો દરવાજો હું ખટખટાવું? અત્યાર સુધી ઈસ્લામિક સ્ટેટના ત્રણ ચાર સેન્ટરોમાં હું રહી ચુકી છું, હાજી સલમાનના ઘરમાં અને ચેકપોસ્ટમાં પણ મેં દિવસો વીતાવ્યા છે. આ પૈકી ઘણા સ્થળોએ મારા પર બળાત્કારો થયા છે.  ચાલુ બસે મારી સાથે બીભત્સ છેડછાડ થઈ છે. 

ઘણી વખત આ બધાથી ત્રાસીને મેં બૂમાબૂમ કરી મૂકી છે. અને મોટેથી ચીસો પણ પાડી છે, પરંતુ મોસુલ શહેરનો એકેય માણસ મારી મદદે આવ્યો નથી. બધા માણસો ISIS ના આતંકીઓથી ગભરાયેલા છે. તેમની સામે પડવાની કોઈનામાં હિંમત નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter