વડોદરા નજીકના છોટા ઉદેપુર જિલ્લામાં પંચાયતોની ચૂંટણીઓ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ભાજપના એક ધારાસભ્ય મિટિંગમાં ભાન ભૂલ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હરિપુરા ગામે ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી એક મિટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન એક ગ્રામજનોને આવાસને લગતો પ્રશ્ન પૂછતા ધારાસભ્ય ભડક્યાં હતાં. તેમણે જાહેરમાં આ મતદારને અહીંથી ચાલતી પકડ તેમ કહીને મીટીંગ છોડવા કહ્યું હતું. જેથી મતદારે ધમકી ભરેલી ભાષાનો ઉપયોગ નહીં કરવા પણ જણાવ્યું હતું. આ તબક્કે ભાજપના ધારાસભ્યએ મતદારને ઝાટક્યો અને કહ્યું હતું કે, ‘તું કોઈના કહ્યાં પ્રમાણે કરીશ નહીં અને અહીંથી ચાલ્યો જા.’


દરમિયાન ધારાસભ્યએ વધુ એક બફાટ કર્યો અને જણાવ્યું હતું કે, ‘સરકારનું અનાજ ખાધું છે તો ઋણ ચૂકવવું પડે. અમે કામ કર્યાં છે અને સરકાર ગ્રાન્ટ આપે છે. તેમણે ઊંચા અવાજે સરપંચને પણ પુરાવા માટે કહેતા મતદારો આશ્ચર્ય પામ્યા હતાં.’
મને મત નહીં મળે તો કોઇ ફેર નહીં પડે : ધારાસભ્ય
ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, ‘મત નહીં મળે તો મને કોઈ ફેર પડવાનો નથી પરંતુ હું સાચી વાત કહેવા આવ્યો છું.’ જો કે, ધારાસભ્યનો આ વિડીયો રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
અમારા ધારાસભ્યને ડાયાબીટીસ છે, કદાચ ગુસ્સામાં બોલ્યું હશે : જિલ્લા ભાજપ પ્રમુખ
જો કે, ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલા સંખેડાના ધારાસભ્યએ ચૂંટણી પ્રચારમાં યુવકને ધમકાવતો વિડીયો વાયરલ થવા મામલે જિલ્લા ભાજપ પ્રમુખે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ એવું કહ્યું હતું કે, ‘અમારા ધારાસભ્યને ડાયાબીટીસ છે, કદાચ ગુસ્સામાં બોલ્યું હશે. બાપના ત્રણ છોકરા હોય અને બે ખરાબ હોય તો બાપ ચલાવી લે છે. ભારતીય જનતા પાર્ટી માટે મત માંગે છે અમારા ધારાસભ્ય સારા છે. ડાયાબીટીસની એવી કોઈ ગોળી નથી કે તે કાયમ માટે જતો રહે. ચૂંટણીનો પ્રવાસ હોય અને જમવાનું ના મળે તો ગેસ થાય એટલે બોલી જવાય એ કુદરતી પ્રક્રિયા છે પરંતુ જનતા માટે રોષ નથી, નહીં તો તે બે વાર ધારાસભ્ય ના બન્યા હોત.’

આ વીડિયો વિરોધીએ ફેલાવ્યો છે, CM એ કર્યો MLA નો બચાવ
બીજી બાજુ મુખ્યમંત્રીએ પણ સંખેડાના ધારાસભ્યનો બચાવ કર્યો હતો અને છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે, ‘અભેસિંહ તડવી એ પક્ષના જવાબદાર વ્યક્તિ છે. આ વીડિયો વિરોધીએ ફેલાવેલો વીડિયો છે.’ મુખ્યમંત્રીની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. બપોરના સમયે સભામાં મંડપ ન હોવાથી લોકોને તડકામાં બેઠા હતાં. મુખ્યમંત્રીએ આયોજકો વતી લોકોની માફી પણ માંગી હતી. મહત્વનું છે કે છોટા ઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી પ્રજાજનોના પ્રશ્નો પર ભડક્યાં હતાં.
READ ALSO :
- બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ
- કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ
- લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ
- વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ
- રશિયા બનશે વધું મજબૂત: માનવરહિત ઉભા કરી રહ્યુ છે ટેંક, અમેરિકા સુધી કરી શકે છે હુમલાઓ
