GSTV
Home » News » સામના દ્વારા શિવસેનાનો ભાજપ પર શાબ્દિક પ્રહાર : 2019ની ચૂંટણી એકલા હાથે લડશે

સામના દ્વારા શિવસેનાનો ભાજપ પર શાબ્દિક પ્રહાર : 2019ની ચૂંટણી એકલા હાથે લડશે

રિસાયેલા સાથીપક્ષોને મનાવવાના માર્ગ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે તેમના સંપર્ક ફોર સમર્થન યાત્રાનો પહેલો પડાવ જ બેહદ કઠિન છે. અમિત શાહની શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત પહેલા પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં આકરો શાબ્દિક હુમલો કરવામાં આવ્યો છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે 2019ની ચૂંટણી શિવસેના એકલા હાથે લડશે. પાલઘરની પેટાચૂંટણીમાં જીતવા માટે સામ-દામ-દંડ-ભેદનો ભાજપ પર સહારો લેવાનો આરોપ લગાવીને શિવસેનાના મુખપત્રમાં પોતાના સાથીપક્ષને ખેડૂતો અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતના મુદ્દે પણ ઘેરવામાં આવ્યા છે.

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ભાજપને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 2019ની ચૂંટણી શિવસેના એકલા હાથ લડશે. પાલઘર પેટાચૂંટણીમાં ભાજપની જીત બાદ શિવસેના સાથેના તેના સંબંધોમાં ઘણો તણાવ આવ્યો છે. પેટાચૂંટણીમાં ભાજપ પર સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને જીત મેળવવાનો શિવસેનાએ આરોપ લગાવ્યો છે.

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ભાજપ પર પેટ્રોલ-ડીઝલની કિંમતોને કારણે મોંઘવારી વધવાના મુદ્દે અને ખેડૂતોની હડતાલને લઈને વાકપ્રહારો કરવામાં આવ્યા છે. શિવસેનાનું કહેવું છે કે સરકાર પાલઘરની જેમ સામ-દામ-દંડ-ભેદ દ્વારા ખેડૂતોની હડતાલ તોડવાની કોશિશ કરી રહી છે. આરોપ લગાવાયો છે કે વડાપ્રધાન મોદી દુનિયામાં અને અમિત શાહ દેશમાં સંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે.

સંપર્ક અભિયાન પાછલ 2019ની ચૂંટણી એક કારણ હોઈ શકે

સામનામાં બિહારમાં ભાજપ અને જેડીયુના ગઠબંધનનું હનીમૂન સમાપ્ત થયું હોવાનું જણાવીને કહેવામાં આવ્યું છે કે  જેડીયુના નેતા કે. સી. ત્યાગીનું કહેવું છે કે ભાજપને મિત્રોની ચિંતા નથી. તો નીતિશ કુમાર ખુદ નોટબંધીને લઈને પોતાનો સૂર બદલી રહ્યા છે.  આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુની તેલુગૂદેશમ પાર્ટીના એનડીએ સાથે છેડો પાડવાનો મામલાનો ઉલ્લેખ કરીને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં પરિવર્તનની હવા ચાલી રહી હોવાનો દાવો કરાયો છે. સામનાના તંત્રીલેખમાં 2019માં ભાજપ માટે મુશ્કેલી હોવાની વાત કહેવામાં આવી છે. ભાજપનો જનાધાર તૂટી રહ્યો હોવાનું જણાવીને શિવસેનાએ ક્હ્યું છે કે સંપર્ક અભિયાન પાછલ 2019ની ચૂંટણી એક કારણ હોઈ શકે છે.

ભાજપનું તમામ જોર મહારાષ્ટ્ર પર

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં પોતપોતાની શક્તિ વધારવા માટે ભાજપ અને શિવસેનામાં 2014 બાદથી જ સ્પર્ધા શરૂ થઈ છે. આ સ્પર્ધા 2018 સુધી આવી પહોંચી છે. પાલઘર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભાજપ ઘણી કોશિશો બાદ આ બેઠક જીતી શક્યું છે. 80 લોકસભા બેઠકોવાળા યુપી બાદ 48 બેઠકો ધરાવતું મહારાષ્ટ્ર બીજું મોટું રાજ્ય છે. 2014ની ચૂંટણી બાદ યુપીમાં મોટાભાગની પેટાચૂંટણીમાં ભાજપને હાર મળી છે અને તેથી 2019માં યુપીમાંથી તેમને વધુ આશા નથી. કારણ કે યુપીમાં સમાજવાદી પાર્ટી-બીએસપી અને કોંગ્રેસનું મહાગઠબંધન તેમનો રાજકીય ખેલ ખરાબ કરવાની શક્તિ ધરાવે છે. તેથી ભાજપનું તમામ જોર મહારાષ્ટ્ર પર છે.

ઉત્તર ભારતીય હિંદીભાષી વોટ વિભાજીત થવાની શક્યતા

શિવસેનાનું કહેવું છે કે ભાજપે આરએસએસની સલાહ પર પોતાના સાથીપક્ષો સાથે સંપર્ક વધારવાનું શરૂ કર્યું છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં દિલ્હી ખાતે મહારાષ્ટ્ર સદનમાં આરએસએસ અને ભાજપના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. તેના પછી અમિત શાહે સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ એનડીએના નેતાઓ અને દેશના ખ્યાતનામ લોકોના ઘરે જઈને મળવાની શરૂઆત કરી છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને એ ડર પણ સતાવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશની તર્જ પર જો મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ-એનસીપી, બીએસપી અને એસપીનું સંયુક્ત ગઠબંધન બની જશે. તો મુશ્કેલી વધી જશે. આને કારણે ઉત્તર ભારતીય હિંદીભાષી વોટ વિભાજીત થવાની શક્યતા છે. દલિત વોટોમાં પણ વિભાજન થવાની શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે એનડીએમાંથી ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અલગ થઈ ચુક્યા છે. અકાલીદળના પ્રકાશસિંહ બાદલ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પણ એનડીએથી નારાજ છે. તેવામાં ભાજપને 2019માં સિંહાસન ડોલતું નજર આવી રહ્યું છે.

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!