હાલમાં રેમો ડિસોઝા નિર્દેશિત એક્શન ફિલ્મ ‘રેસ-૩’માં જોવા મળેલા સલમાન ખાનનું કહેવું છે કે તે રેમોની એક ડાન્સ ફિલ્મમાં પણ કામ કરતો જોવા મળશે. આગામી મહિને ડા-બેન્ગ રિલોડેડ ટૂરથી પરત ફર્યા બાદ સલમાન ‘ભારત’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. ત્યારબાદ તે ‘દબંગ-૩’ પૂર્ણ કરશે.
આ ઉપરાંત ‘કિક-૨’માં કામ કરવાનું પણ નક્કી છે, જોકે તેની સ્ક્રિપ્ટ હજુ તૈયાર થઇ નથી. તેથી તે પહેલાંની ડેટ તેણે રેમોની ડાન્સ ફિલ્મને આપી દીધી છે. સલમાને કહ્યું કે રેમો અને હું ગયા વર્ષે એક ડાન્સ ફિલ્મ કરવાના હતા, પરંતુ રેમો જે પણ વિચારે છે તેવી રીતે દરેક વ્યક્તિ નાચી ન શકે.
ડાન્સ કરતાં સમયે મારા ખભામાં પણ ઇજા થઇ હતી. તે જોતાં મેં આ ફિલ્મને રોકી દીધી. પછી ‘રેસ-૩’નું શૂટિંગ શરૂ થયું. હવે સલમાન ડાન્સ ફિલ્મ પૂર્ણ કરવા તૈયાર છે, જેના માટે તેણે ખૂબ જ અભ્યાસ કરવો પડશે.
ડા-બેન્ગ ટૂર અને એક પછી એક ત્રણ ફિલ્મોના શૂટિગની વ્યસ્તતા છતાં સલમાન નેપાળ ટૂર માટે પણ થોડો સમય કાઢવાની કોશિશમાં છે, જે ગયા વર્ષથી બે વખત ટળી ચૂકી છે. સલમાન કહે છે કે નેપાળમાં સરકાર બદલાવાના કારણે આ પ્રોજેક્ટ પોસ્ટપોન કરવો પડ્યો હતો.
અમારે ફરી વખત અમારો પ્લાન બનાવવો પડ્યો. મારી ટીમ હાલમાં જ ત્યાં જવા ઇચ્છતી હતી, પરંતુ ‘રેસ-૩’ની રિલીઝ નજીક હોવાથી એવું ન થઇ શક્યું. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને ખૂબ જ જલદી ત્યાં જઇશું. ઉલ્લેખનીય છે કે ‘બુલંદ’ ફિલ્મના શૂટિંગ માટે ૯૦ના દાયકામાં સલમાન નેપાળ ગયો હતો, જોકે તે ફિલ્મ ક્યારેય રિલીઝ થઇ શકી ન હતી.