સુપર સ્ટાર સલમાન ખાનની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડીની રિલિઝ ડેટ શુક્રવારે જાહેર થતાં સ્પષ્ટ થયું હતું કે આ વખતે સલમાન ખાન રણબીર કપૂર સાથે બોક્સ ઑફિસ પર ટકરાશે.
દબંગ થ્રીનું ડાયરેક્શન પ્રભુ દેવા સંભાળી રહ્યા છે. ઓરિજિનલ ફિલ્મની હીરોઇન સોનાક્ષી સિંહા અને અરબાઝ ખાન બંને ત્રીજી કડીમાં પણ ચમકવાનાં છે.
શુક્રવારે સલમાને ટ્વીટર પર દબંગ થ્રીની રિલિઝ ડેટ જાહેર કરતાં લખ્યું હતું, ચુલબુલ પાંડે ઇઝ બેક…દબંગ થ્રી 2019ના ડિસેંબરની 20મીએ રજૂ થશે.
સામાન્ય રીતે આમિર ખાનની ફિલ્મો ક્રિસમસની આસપાસ રજૂ થતી હોય છે. પરંતુ આ વરસે ક્રિસમસ પર આમિર ખાનની કોઇ ફિલ્મ રજૂ થવાની શક્યતા દેખાતી નથી. ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ભારતીય સુપર સ્ટાર ટાઇપની ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્ર પણ વીસ ડિસેંબરે રજૂ થવાની છે. બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ ચમકી રહ્યાં છે.
આ ફિલ્મ પણ 20 ડિસેંબરે રજૂ થવાની છે એટલે કે દબંગ થ્રી સાથે બ્રહ્માસ્ત્ર ટકરાશે.જો કે બોલિવૂડના જાણકારો કહે છે કે બને ત્યાં સુધી બેમાંથી એક ફિલ્મની રિલિઝ ડેટ બદલાશે. જોવાનું એ છે કે કોણ રિલિઝ ડેટ બદલે છે ? કરણ જોહર કે સલમાન ખાન ?