હું ૧૯ વર્ષની યુવતી છું, જ્ઞાતિના જ એક યુવકને છેલ્લા ૨ વર્ષથી પ્રેમ કરુ છું, છોકરો સુંદર, સ્માર્ટ છે અને બેંકમાં કાર્યરત છે. તેના ઘરનાં સભ્યો પણ મને પસંદ કરે છે.એટલે મારા કહેવાથી તેઓ મારા ઘરે લગ્નની વાત કરવા આવ્યા પણ વાતચીત કરતા ખબર પડી કે તેમનું અને અમારું ગોત્ર એક જ છે.આ વાતને મુદ્દો બનાવીને મારાં માતાપિતા આ લગ્ન માટે ઈન્કાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે એક જ ગોત્રના હોવાના કારણે અમે બંને ભાઈબહેન થઈએ. એટલે આ લગ્ન કોઈપણ ઉપાયે ન થઈ શકે.અમે બંને બહુ પરેશાન છીએ. અમે બંનેએ દ્રઢ નિર્ણય કર્યો છે કે લગ્ન કરીશું તો એકબીજા સાથે જ, નહીં તો જિંદગીભર આમ જ રહીશું. છોકરો કોર્ટ મેરિજની સલાહ આપે છે પણ ઘરના સભ્યોને નારાજ કરીને લગ્ન કરવા શું યોગ્ય રહેશે? એક યુવતી (અમરેલી)
આ જમાનામાં પણ તમારા માતાપિતા આટલી જુનવાણી વાતો કરે છે, એ બહુ આશ્ચર્યની વાત છે. તમે તેને દરેક રીતે સમજાવવાનો શક્ય એટલો પ્રયત્ન કરો.છતાં પણ જો તેઓ રાજી ન થાય અને તમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હોય તો કોર્ટ મેરિજ કરવામાં કોઈ અડચણ નથી. રહી ઘરનાં સભ્યોની નારાજગીની વાત, તો તેઓ વહેલામોડાં આ સંબંધનો સ્વીકાર કરી જ લેશે. તમારા સંબંધમાં સૌથી અનુકૂળ વાત તો એ છે કે છોકરાનાં ઘરનાં સભ્યો આ લગ્ન માટે રાજી છે, કે જ્યાં તમારે લગ્ન કર્યા પછી જઈને રહેવાનું છે.

હું ૬૦ વર્ષની મહિલા છું. પતિ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. ૩ માળનું ઘર છે. ઉપરના બંને માળમાં દીકરાઓ પોતપોતાના પરિવાર સાથે રહે છે અને નીચેના ભાગમાં અમે પતિપત્ની અમારી છૂટાછેડા લીધેલ દીકરીની સાથે રહીએ છીએ.દીકરીની ઉંમર ૩૫ વર્ષ છે. અમે વિચાર્યું હતું કે મકાનનો નીચેનો ભાગ અને એક મોટી રકમ દીકરીના નામે કરી દઈશું. જેથી તેની જિંદગી અમારા ગયા પછી પણ આરામથી પસાર થાય, પરંતુ છોકરી પોતાના ઉછાંછળા વ્યવહારના કારણે અમને જગમાં હાંસીપાત્ર બનાવી રહી છે. નાની અમસ્તી નોકરી કરે છે. રાતના મોડેથી પાછી ફરે છે. ઘરમાં તો તેને કોઈ પસંદ નથી કરતું, પણ ગલીમાહોલમાં પણ લોકો વાતો કરે છે. તેને ઘરે રહેવાનું કહું છું તો કહે છે કે બોર થઈ જાઉં છું. હું શું કરું? એક મહિલા ( અમદાવાદ)
ઘરથી બહાર મિત્રો, ગમે તે પુરુષ હોય કે મહિલા, સાથે મળવા જવા પર વાંધોે ન ઉઠાવો અને પોતાની દીકરીને તેની જિંદગી જીવવા દો. પરિવારની કે સમાજની નહીં, તેની સુરક્ષાની ચિંતા કરી શકો છો તમે.તમારી દીકરીની ઉંમર ઓછી છે. તેનાં મનને પારખો અને તેનાં બીજા લગ્ન કરાવી દો. તેની સામે આખી ઉંમર પડી છે. આર્થિક રીતે ભલે તમે તેને સક્ષમ બનાવવાની યોજના બનાવી લીધી હોય પણ તેને એક જીવનસાથી પણ જોઈએ, આથી એ તરફ ધ્યાન આપો.

હું ૨૧ વરસનો યુવક છું, હું બિહારનો રહેવાસી છું અને દિલ્હીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહું છું. ઘરમાલિકની દીકરી અવ્યવસ્થિત વસ્ત્રો પહેરીને જ્યારે ત્યારે મારા રૂમમાં આવે છે. તે ૧૬ વર્ષની છે અને સ્કૂલમાં ભણે છે, પરંતુ તેનું શરીર ઉઘાડું રહે તેવો પોશાક અને હાવભાવથી હું ચલિત થઈ જાઉં છું. હજુ સુધી તો મેં જેમતેમ કરીને પોતાના પર સંયમ રાખ્યો છે પણ ડરુ છું કે ક્યાંક બહેકી ન જાઉં જો એવું થાય તો હું પોતાની નજરમાંથી ઊતરી જઈશ. હું મારા માતાપિતાને વિશ્વાસ આપીને આવ્યો છું કે કોઈ એવું કામ નહી કરું, જેથી તેમને શરમિંદા થવું પડે. હું માતાપિતાનો એકનો એક કમાતો દીકરો છું. તેમને મારી પાસેથી ઘણી આશાઓ છે. શું કરું કે તે છોકરી મારા રૂમમાં જ આવવાનું છોડી દે. શું તેને ધમકાવી દઉં? એક યુવક (દિલ્હી)
મોટા શહેરોમાં કિશોરીઓનો પહેરવેશ અને વ્યવહાર થોડો વધારે સ્વચ્છંદ થઈ ગયો છે. તમને એ આશ્ચર્યકારક લાગતું હશે. છોકરીને સમજાવવાનો પ્રયત્ન કરો કે તે કસમયે તમારા રૂપમાં ન આવે. તમે ડિસ્ટર્બ થાઓ છો. આમ પણ તે ઉંમર જ એવી હોય છે કે એમાં સમવયસ્ક લોકોનો સાથ ઈચ્છતા હોય છે. તમે નાના શહેરની માનસિકતા અને નૈતિક અને અનૈતિકતાની વાત છોડો, વ્યવહારિકતાથી વિચારો. વધારે ભય એ રાખો કે તમને ફોસલાવશે અને ફસાયા પછી તમારા પર જ દોષ લગાડશે. એવો ભય સાચો લાગે તો ઘર છોડી દો. નહીં તો મિત્રતા વધવા દો.

હું ૨૫ વર્ષની પરિણીત અને ત્રણ વર્ષના દીકરાની માતા છું. પતિ પિતાનો વ્યવસાય સંભાળે છે. તેઓ મને અને દીકરાને બહુ પ્યાર કરે છે, પરંતુ તેમનામાં એક બહુ મોટું દૂષણ છે કે તેઓ દરરોજ દારૂ પીએ છે. સાસુને ફરિયાદ કરુ છું તે તે કહે છે કે અમીર છોકરાઓને આવા પ્રકારના શોખ હોવા કોઈ નવી વાત નથી. તમારા સસરા પણ યુવાનીમાં ખૂબ પીતા હતા, પછી જેમ જેમ મેચ્યોર થતા ગયા, તેમ ટેવ છૂટતી ગઈ. હું શું કરું? એક મહિલા
પતિને કોઈ નશામુક્તિ કેન્દ્રમાં લઈ જાઓ. અહીં ઈલાજ કરાવવાથી તમારા પતિની દારૂની ટેવ છૂટી જશે, પરંતુ એ માટે તમારે પહેલાં પતિને માનસિક રીતે તૈયાર કરવા પડશે કે દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આનાથી તે ઘણા પ્રકારના રોગના સકંજામાં આવી શકે છે. તમે દરરોજ સાંજે તેમને કોઈ કામમાં પરોવવાનો પ્રયત્ન કરો. ક્યારેક કોઈના ઘરે લઈ જાઓ, તો ક્યારેક કોઈને બોલાવી લો, પિક્ચર જોવા લઈ જાઓ, ઘરમાં બાળકોને રમાડવામાં લગાડી દો. પ્રયત્ન કરો કે રસોડાનું કામ વહેલાં પૂરું કરી લો જેથી તેમની પાસે બેસવાનો સમય મળે અને તેઓ એકલા ન પડે.
READ ALSO
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ