GSTV

સુમિત બ્લૂ જીન્સ અને લાલ ટોપમાં સજ્જ યુવતીમાં લેતો હતો રસ : માધવીને પણ ન છોડી, સુંદર યુવતી જોતાં જ બની જતો દિલફેંક આશિક

મારા પતિ સુમિત ખૂબ સરસ ડાન્સ કરે છે. એમની પાર્ટનર બ્લૂ જીન્સ અને લાલ ટોપમાં સજ્જ યુવતી પણ ડાન્સમાં એમનાથી ઓછી ઊભરતી નહોતી. ક્લબના ડાન્સ ફ્લોર પર તે બંને છવાઈ ગયા હતા. હું તે યુવતીને ઓળખતી નહોતી. સુમિતને તે યુવતીમાં રસ લેતો જોઈને મારી ઘણી બહેનપણીઓએ આવીને મને એનો પરિચય કરાવ્યો. ”એનું નામ નિશા છે. પેલી જે શામળા ચહેરાવાળી જાડી સુષ્મા છે, આ નિશા એની નણંદ છે. નોકરી કરવા માટે મેરઠથી દિલ્લી થોડાં દિવસો પહેલાં જ આવી છે. સુમિત તો એકદમ એનો દીવાનો થઈ ગયો છે.” મને આ જાણકારી આપતી વખતે તે દરેકની આંખોમાં શરારતી ચમક હતી.

સુમિત સાથે મારાં લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલાં થયાં હતાં. મારા સુંદર, સ્માર્ટ પતિની છાતીમાં એક દિલફેંક આશિકનું હૃદય ધબકતું હતું, એ વાત લગ્નના શરૂઆતના દિવસોમાં જ હું સમજી ગઈ હતી. પૈસાદાર લોકોને પૈસાદાર ટકી રહેવા માટે ખૂબ તાણવાળી જિંદગી જીવવી પડે છે. તાણમાંથી છુટકારો મેળવવા માટે પછી ઘણી બધી પાર્ટીઓ યોજાય છે. લગ્ન પછી અમારે પણ અઠવાડિયામાં આવી ૧-૨ પાર્ટીઓમાં જવું પડતું હતું. આવી પાર્ટીઓમાં સુંદર સ્ત્રીઓની ભારે ભીડ મળે છે. એમની સામે જતાં જ સુમિતનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. વાતવાતમાં તે જોક્સ અને શાયરીઓ સંભળાવે. એમની મજેદાર વાતો કોઈપણ સુંદરીની પ્રશંસા કરી અને સાતમા આસમાને પહોંચાડી દેતી. તેઓ જ્યાં હોય, ત્યાં હસવા હસાવવાનું વાતાવરણ સરળતાથી ઊભું થઈ જતું. આવા પ્રસંગોએ મારા જેવી નવવધૂની માનસિક સ્થિતિ કેવી હોઈ શકે તેનો ખ્યાલ આવી શકે તેમ છે. હું પોતાને ઉપેક્ષિત અને અસલામત અનુભવતી. બનાવટી હાસ્ય જ્યારે મારા ચહેરાના સ્નાયુઓને થકવી દેતું, ત્યારે હું ઉદાસ થઈ જતી.

વહેલામોડા પણ એમને મારી તકલીફ અથવા નારાજગીનો અહેસાસ થઈ જ જતો. પહેલાં તો તેઓ મોટી સ્ટાઈલ મારીને આશ્ચર્ય પ્રકટ કરતા અને પછી ગુસ્સામાં નારાજગી વ્યક્ત કરતા કેટલાંક વાક્યો બોલીને મારા પર ચિડાઈ જતાં હતાં. જ્યારે મારી આંખમાંથી આંસુ છલકાઈ જતાં તો તેઓ ખૂબ પ્રેમથી મને સમજાવતા, ”સપના ડાર્લિંગ, મારા પર શંકા કરવાની તારી ખોટી આદતને છોડી દે. ફક્ત તું જ મારા દિલની રાણી હતી, છો અને રહીશ. તારું વર્તન મારા હૃદયને ખૂબ દુ:ખી કરે છે.” ”તમારા દિલફેંક વર્તનના કારણે બધી મહિલાઓ મારા પર હસે છે. મારી મજાક ઉડાવવી, બધાની નજરમાં મને ઉતારી પાડવી શું તમને સારું લાગે છે?” ક્યારેક ગુસ્સાથી, તો ક્યારેક આંખમાં આંસુ લાવીને હું મારા મનની વાત એમને કહી દેતી.” ”લોકોની ચિંતા છોડ અને મારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલ, સપના ડિયર. મારો સ્વભાવ હસમુખો જરૃર છે, પણ મારી દાનત ખોટી નથી. મારી સાથે મસ્તીથી જીવ, માય ડાર્લિંગ.” તેમની આવી વાતો સાંભળીને હું પોતે જ અપરાધી હોવાનો અનુભવ કરતી. મેં પ્રયત્ન કરીને ઝડપથી મારા સ્વભાવને બદલી નાખ્યો. તેમને સુંદરીઓ સાથે મન મૂકીને હસતાં-બોલતાં જોઈને હું મનમાં ને મનમાં અકળાઈ જતી, પણ ફરિયાદ કરવી કે તેમનાથી નારાજ દેખાવાનું મેં બિલકુલ છોડી દીધું.

પછી લગ્નના લગભગ ૫ મહિના પછી માધવી મને મળવા માટે મારા ઘરે આવી અને સુમિતના શિથિલ ચારિત્ર્યનું સત્ય મારી સામે ખુલ્લું પડી ગયું. તબિયત સારી ન હોવાના કારણે સુમિતના એક મિત્રની જાનમાં હું જઈ શકી નહોતી. મારી સાથે કોલેજમાં ભણેલી મારી સાહેલી માધવી તે મિત્રની મામાની દીકરી બહેન થતી હતી. નટખટ અને હસમુખી માધવી જાનમાં ખૂબ નાચી. તેમાં સુમિતે સતત એને સાથ આપ્યો. ફક્ત ૧ કલાકમાં જ એમની વચ્ચે સારી એવી ઓળખાણ થઈ ગઈ. માધવીએ મને કહ્યું, ”સપના, તારા પતિનો ચહેરો, શરૃઆતથી જ મને જાણીતો લાગ્યો હતો. ફક્ત એ ધ્યાનમાં ન આવ્યું કે તે તારા પતિ છે. જ્યારે પાછળથી મને તારા અને સુમિતના સંબંધની જાણ થઈ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.” ”શેનું મોડું થઈ ગયું હતું? તારા કહેવાનો શું અર્થ છે?” હું તરત જ મૂંઝવણ અને અકળામણ અનુભવવા લાગી. ”સપના, જાનમાં નાચતી વખતે અમે ખૂબ હસતાં વાતચીત કરતાં હતાં. મને લાગ્યું કે સુમિત કુંવારો છે. એની આંખમાં મારા પ્રત્યેની પ્રશંસાની લાગણી જોઈ હું ખુશ થઈ હતી.” ”પછીથી વરમાળાના સમયે ભીડનો લાભ લઈ સુમિતે અચાનક મારો હાથ પકડયો અને મને કાનમાં કહ્યું કે તું ખૂબ સુંદર છો, માધવી. મારી સાથે મિત્રતા કરીશ?”

”મેં હાથ છોડાવી લીધો અને એનાથી દૂર ખસી ગઈ, પણ મારા મનમાં ઘણી ગલીપચી થઈ રહી હતી. પછી મેં તપાસ કરાવી, તો જાણ્યું કે મને લાઈન મારનારા સાહેબ ફક્ત પરિણીત જ નથી, પરંતુ મારી ખાસ સાહેલીના જીવનસાથી પણ છે.” ”ત્યારે મને તારા સુમિત પર ખૂબ ગુસ્સો આવ્યો હતો… અને હજી પણ આવે છે.” ગઈ રાતની ઘટનાનું વિગતવાર વર્ણન કરતાં માધવીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો
સુમિતનું કારસ્તાન જાણીને મને પણ ખૂબ ગુસ્સો આવ્યો હતો. સાથે જ મને મારી જાત પર જ શરમ આવતી હતી. અચાનક જ મારી આંખમાંથી આંસુ છલકાઈ ગયાં.

”આમ કમજોર બનીને દુ:ખી ન થા, સપના. માધવીનો અવાજ કઠોર બન્યો, તારા મનની વાત મને કહે. તારા જેવી સુંદર, સુડોળ પત્નીને મેળવ્યા પછી પણ સુમિત કેમ બીજી યુવતીઓની પાછળ ભટકે છે? શું તને પ્રેમ નથી કરતો?” ”અત્યાર સુધી તો એ દગાબાજ માણસ મને જ પોતાના દિલની રાણી કહેતો હતો, માધવી.” મારા અવાજમાં પણ કટુતા આવી ગઈ, ”શરૃઆતમાં હું બૂમો પાડતી હતી કે સુંદર યુવતીઓની પાછળ ન ભટકો, તો તેઓ મને ખોટી સાબિત કરીને ચુપ કરી દેતા હતા. તારી પાસેથી એમની અસલિયત જાણીને મારું દિલ કહે છે કે… હું એમને છૂટાછેડા આપી દઉં અથવા એમનું મોં તોડી નાખું.” ”છૂટાછેડા લેવાની વાત તો તું ના કરીશ સપના, પણ તારા પતિને પાઠ તો ભણાવવો જ પડશે.” માધવીનો ચહેરો લાલધૂમ થઈ ગયો. ”ડરાવવા-ધમકાવવાથી કે રડવાથી તે સીધા રસ્તે નહીં આવે, માધવી.” ”હું સમજું છું આ વાતને, પણ આપણે સુમિતને એવો જોરદાર ઝટકો આપીશું કે એના પગ નીચેની જમીન સરકી જશે. ભવિષ્યમાં કોઈ છોકરીને લાઈન મારવાની વાતથી તે હંમેશાં માટે તોબા પોકારી ન જાય, તો મારું નામ બદલી નાખજે.” ”એમને સીધા રસ્તે લાવવાનો કોઈ પ્લાન તારી પાસે છે?”

”ગુસ્સાના કારણે આખી રાત જાગીને બીજું હું શું કરવાની હતી? તારા પતિની પૂંછડી હંમેશાં માટે સીધી કરવાની એક જોરદાર યોજના છે મારી પાસે.” ”હું દરેક પગલે તને સહકાર આપીશ, માધવી.” હું ભાવુક થઈને મારી સાહેલી માધવીને ભેટી પડી. બપોરના ભોજના સમય સુધીમાં મેં માધવીની યોજના સંપૂર્ણ રીતે સમજી લીધી. એ જ દિવસથી તેના પર અમલ કરવાનો અમે દ્રઢ નિર્ણય કર્યો. મારી સાથે ભોજન લીધા પછી તેણે યોજનાનો અમલ પણ શરૃ કરી દીધો. મારા ઘરના ફોનથી જ માધવીએ સુમિતની ઓફિસનો નંબર જોડીને તેની સાથે વાતો કરી. પાછલી રાત્રે સુમિતે એને પોતાનું કાર્ડ આપ્યું હતું. એટલે જ માધવીનો અવાજ સાંભળીને એને સુખદ આશ્ચર્ય જરૃર થયું પણ કોઈ પ્રકારની શંકા એના મનમાં જરા પણ ઊભી થઈ નહીં. ”તારો અવાજ સંભળાવીને તેં મારા દિવસને ખૂબ સુંદર બનાવી દીધો છે, માધવી. બોલ, કેવી રીતે યાદ કર્યો આ બંદાને?” સુમિતનો સ્પીકરમાંથી આવતો અવાજ હું સ્પષ્ટ સાંભળી શકતી હતી. ”હું એકવાર તને જરૃર ફોન કરું, એવી તારી જીદને પૂરી કરી રહી છું.” માધવી સહજ રીતે બોલતી હોય એ રીતે વાતચીતની શરૃઆત કરી. ”થેંક્યૂ, ડિયર. હવે મારી એક બીજી જીદ પણ પૂરી કરી દે.”

”કઈ?” ”આજે સાંજે ચા-કોફી પીવા માટે ક્યાંક મળીએ. કાલે રાત્રે તારી સાથે વધારે વાતો ન થઈ શકી. એ તરસ હજી પણ અધૂરી છે.” ”પરિણીત વ્યક્તિએ યુવતીઓ સાથે મિત્રતા કરવાના ચક્કરમાં ન પડવું જોઈએ, જનાબ.” ”આ તો કોઈ વાત ન થઈ. તારી સાથે મિત્રતા કરવાની મારી ઈચ્છા કેવી રીતે ખોટી હોઈ શકે?” ”સામાન્ય મિત્રતા કરવામાં કોઈ વાંધો નથી, પણ તેં કાલે જે રીતે મારો હાથ પકડયો, શું એ ખોટું નહોતું?” ”તને ખરાબ લાગ્યું?” ”મારા સવાલનો જવાબ આપ પહેલા.” ”બધા જવાબો જ્યારે આપણે સામસામે બેઠા હોઈશું, ત્યારે આપીશ. પ્લીઝ, આજે સાંજે મળવા આવ ને.” ”હું અડધા કલાકથી વધારે સમય સુધી નહીં રોકાઈ શકું.” ”ઓહ, થેંક્યૂ, થેંક્યૂ.” સુમિતના અવાજમાં છુપાયેલા આનંદને જોઈને મારું લોહી ઊકળવા લાગ્યું હતું. આગામી દિવસોમાં હું મારા પતિના ચાલાક વર્તનને જોઈને મનમાં ને મનમાં ખૂબ આશ્ચર્ય અનુભવતી. જો માધવી મને રોજનો રિપોર્ટ ન આપતી હોત, તો મને સપનામાં પણ શંકા ન થાત કે સુમિત કોઈ બીજી યુવતીના ચક્કરમાં ફસાઈ ગયો છે. ઘરે મોડા આવવાનાં એમનાં બહાનાં એકથી એક ચઢિયાતા હતાં. ”આજે ગાડી સ્ટાર્ટ જ ન થઈ. મિકેનિકે રિપેર કરવામાં ૨ કલાક લગાવ્યા. હવેથી યોગ્ય સમયે સર્વિંસિંગ કરાવી લઈશ.” માધવી સાથે પહેલીવાર રેસ્ટોરન્ટમાં મળ્યા પછી મહાશયે આ બહાનું બનાવ્યું હતું. રજાના દિવસે તેઓ માધવીને ફિલ્મ જોવા લઈ ગયા. તે દિવસે તેઓ હોસ્પિટલમાં દાખલ કરેલા પોતાના એક સહકર્મચારીની ખબર કાઢવા જવાની વાત કહીને ઘરેથી નીકળ્યા હતા.

જે દિવસે ફાઈવ-સ્ટાર હોટલમાં માધવી સાથે ડિનર કર્યું, તે રાત્રે તેઓ ઓફિસમાં એક મહત્ત્વની કોન્ફરન્સમાં વ્યસ્ત હતા. હવે પછીના ડિનરનું બહાનું, પોતાના મિત્રના દીકરાની જન્મદિવસની પાર્ટીમાં જવાનું હતું. મને એમના માધવી સાથે થતા દરેક કાર્યક્રમની જાણકારી પહેલેથી જ ખબર પડી જતી. એમને ખૂબ જ સહજતા અને સ્પષ્ટતા સાથે જૂઠું બોલતા જોઈને હું સાચે જ આશ્ચર્યમાં પડી જતી. ન કોઈ ખચકાટ, ન અકળામણ અને ન કોઈ પ્રકારનો અપરાધભાવ. પોતાના પતિઓ પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકનારી સ્ત્રીઓ મહામૂરખ હોય છે, તેમનું વર્તન જોઈને આ પ્રેરણા રોજ મારા મનમાં વધારે દ્રઢ બનતી જતી હતી. લગભગ ૧૦ દિવસના મેળાપ મુલાકાતો પછી સુમિત પાઠ ભણાવવાનો સમય આવી જ ગયો. તે દિવસે માધવીને સવારે ૧૧ વાગે સુમિતે ફોન કર્યો તો એણે મારા પતિને જાણ કરી કે, ”આજે સાંજે નહીં મળી શકું, મારે એક પ્રોગ્રામમાં જવાનું છે.” સુમિતના પૂછવાથી એણે ખુલાસો કર્યો, ”માસીને ત્યાં ગૃહપ્રવેશનું ફંક્શન થવાનું છે. મમ્મીપપ્પા સવારે ગયા છે, હું સાંજે જઈશ.” ”તો શું અત્યારે ઘરે એકલી ઊંઘીશ.”

”લંચ મારી સાથે લે અને બાકીના સમયે ઊંઘી જજે.” ”હું બહાર નીકળવાના મૂડમાં નથી, સુમિત.” ”નો પ્રોબ્લેમ, ડિયર, હું ‘પેકડ લંચ’ લઈને હાજર થાઉં છું. બરાબર ૧ વાગે પહોંચી જઈશ.” ”ના, તું અહીં ના…” ”ખોટી ગભરાઈશ નહીં. હું આવું છું. સારું ચલ બાય. બોસ બોલાવે છે, હું ૧ વાગે મળું છું.” આ પ્રયોગ બનાવીને બેવફા સુમિત અમારી જાળમાં બધી રીતે ફસાઈ ગયો હતો. ૧ વાગવામાં થોડી મિનિટો જ બાકી હતી ત્યારે મેં સુમિતને માધવીના ફ્લેટમાં ઝડપથી જતાં જોયા. એ વખતે હું માધવીના પડોશી યોગેશભાઈના ઘરમાં હાજર હતી. એમના ઘરે અડધો કલાક પહેલાં માધવી જ મને બેસાડીને ગઈ હતી. મેં ચહેરા પર ગંભીરતાનું મહોરું ધારણ કરી લીધું. મનમાં ગુસ્સાનો ભાવ લાવવાની શરૃઆત કરી અને સુમિતના અંદર ગયાની લગભગ ૫ મિનિટ પછી માધવીના ફ્લેટની ડોરબેલ વગાડી. દરવાજો માધવીએ ખોલ્યો. કોઈ સજ્જન પુરુષની જેમ સુમિત ખૂબ સભ્યતાથી સોફા પર બેઠેલા જોવા મળ્યા. મને જોઈને માધવીએ ચોંકી જવાનું ખૂબ સુંદર નાટક કર્યું. જ્યારે સુમિત તો સાચે જ એવી રીતે ઊછળી પડયા જાણે કે એમને અચાનક વીજળીનો આંચકો લાગ્યો હોય. ”અરે, સપના તું? અહીં અચાનક? સાચે જ તને જોઈને ખૂબ આનંદ થયો.” માધવી સરસ નાટક કરતા મને ભેટી પડી. ”મને નહોતી ખબર કે તું આ ફ્લેટમાં રહે છે.” એનાથી છૂટી પડીને મેં નિરસ શબ્દોમાં જવાબ આપ્યો.

”મને નહીં તો પછી કોને મળવા આવી છો?” ”તને જ. મારો કહેવાનો અર્થ છે કે હું ‘માધવી’ નામની યુવતીને જ મળવા આવી છું, પણ મને નહોતી ખબર કે એ યુવતી મારી સાથે કોલેજમાં ભણતી મારી સૌથી સારી સાહેલી જ નીકળશે.” મેં સુમિત તરફ જોયું. મારી વાત સાંભળીને સુમિતનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો. ”આ મારા સારા મિત્ર સુમિત છે.” માધવીએ મને સુમિત તરફ નજર કરતા જોઈને અમારી ઓળખાણ કરાવી. ”પ્રેમીને મિત્રનું નામ ન આપ, માધવી.” હું નિરસ અંદાજમાં હસી. ”ના એવું કોઈ ચક્કર નથી અમારી વચ્ચે. સુમિત પરિણીત છે.” માધવી શરમાઈને હસી પડી. ”મને ખબર છે.” ”કેવી રીતે?” એણે વિચારવાનો પ્રયત્ન કર્યો. ”તારા રોમિયોની પત્ની તારી સામે જ ઊભી છે. હેલો, પતિદેવ.” મેં કડવાશભર્યા અવાજમાં સુમિતને ‘હેલો’ કહ્યું. સુમિતે પોતાની જાતને સંભાળી અને નારાજગીભર્યા અવાજમાં મને કહ્યું, ”માધવી અને મારા પર ખોટી શંકા કરવાની મૂર્ખામી ન કર, સપના. એક લગ્નમાં થોડા દિવસો પહેલાં જ અમારી ઓળખાણ થઈ છે. આજે સવારે ફોન કર્યો તે ખબર પડી કે એમની તબિયત ખરાબ છે. હું તો ફક્ત ખબર અંતર પૂછવા માટે આવ્યો છું.”

”જૂઠું ન બોલો.” હું તરત જ ગુસ્સે થઈ ગઈ, મારા એવા હિતેચ્છુ છે તમારી ઓફિસમાં જે મને તમારી એકએક હિલચાલની બધી માહિતી આપતા રહે છે. તમે માધવીને સાથે એક ફિલ્મ જોઈ છે, ૩ વાર ડિનર લીધું છું અને લગભગ રોજ સાંજે એને મળો છો. આજે મેં તમને રંગે હાથ પકડી પાડયા છે. હવે તો જૂઠું ન બોલો.” મારી વાત પૂરી કર્યા પછી હું સાચે જ રડવા લાગી. છેલ્લા ૧૦ દિવસથી મનમાં સુમિતની બેવફાઈને કારણે જે આક્રોશ મારા મનમાં ધૂંધવાતો હતો તે અચાનક આંસુઓની સાથે વહેવા લાગ્યો. સુમિત પોતાના બચાવમાં કંઈ કહે તે પહેલાં જ માધવી રડતી રડતી મારી સામે આવીને ઊભી રહી. મારા સાચાં આંસુઓના કારણે કદાચ એને પણ દુ:ખી અને શરમની લાગણી દેખાડવામાં વધારે નાટક કરવું પડયું નહીં. ”મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, સપના. મને માફ કરી દે. મને નહોતી ખબર કે મારા મનોરંજન માટે મેં રમતરમતમાં પોતાની સૌથી પ્રિય સાહેલીના પતિ પર નજર નાખી છે. હું ખૂબ શરમ અનુભવું છું, સપના.” માધવીએ ખૂબ ભાવુકતાથી મારી સામે હાથ જોડી દીધા.

માધવીએ પોતાના ગેરકાયદે પ્રેમ સંબંધનો એકરાર કરી લીધો, તેથી સુમિતની પાસે હવે વધારે જૂઠું બોલવાની કોઈ તક રહી નહીં. તે એકીટશે ક્યારેક મારો તો ક્યારેક માધવીનો ચહેરો જોવા લાગ્યા. માધવીનો અને મારો સારો અભિનય કરવાનું ચાલુ જ રહ્યું, ”આ માણસને હું તનમનથી સંપૂર્ણપણે સમર્પિત છું અને એના બદલામાં એમણે મને શું આપ્યું? દગો, બનાવટ, જૂઠાણા સિવાય કંઈ જ નહીં. મારું મન કહે છે કે ક્યાં તો આત્મહત્યા કરી લઉં… અથવા છૂટાછેડા લઈ લઉં આ જૂઠા માણસથી.” મારા અવાજમાં નફરત ભડકી ગઈ. ”થોડી શાંતિથી કામ લે, સપના, અને…” ”તમારા મોંએથી મારું નામ ન લો.” મેં એટલી મોટી ચીસ પાડી કે સુમિત પાછળ ખસી ગયા. ”તું ચુપ રહે, સુમિત. મને મારી સહેલી સાથે વાત કરવા દે.” જ્યારે માધવીએ પણ ગુસ્સાથી એવા છાંછિયા કર્યા કે સુમિતના આત્મવિશ્વાસનો ફુગ્ગો એકદમ ફૂટી ગયો. પરેશાન અને ગભરાયેલા સુમિત તરફ ધ્યાન આપ્યા વગર મેં અને માધવીએ યોજના પ્રમાણે વાર્તાલાપ શરૃ કર્યો.

”સાહેલી, જો તું આત્મહત્યા અને છૂટાછેડાની વાત કરીશ, તો હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. તારે સુમિત અને મને બંનેને માફ કરવા જ પડશે.” લાગણીશીલ અંદાજમાં માધવીએ વાર્તાલાપ આગળ વધાર્યો. ”તારાથી નહીં, પરંતુ ફક્ત સુમિત સામે ફરિયાદ છે મને અને એમને માફી આપવાનો સમય વીતી ચૂક્યો છે.” મેં કડક અવાજમાં જવાબ આપ્યો. ”એવું ના કહે, સપના. આટલી બધી ગુસ્સે ન થા.” ”મને તારી સલાહની જરૃર નથી. તને સુમિત પ્રત્યે વધારે સહાનુભૂતિ છે, તો મેં તને અત્યારે જ આ સમયે એમને તને સોંપ્યા. છૂટાછેડાં પણ જ્યારે થશે ત્યારે થશે પણ એમને તું સાચવ.” ”આવી ડંખે એવી વાત ન કર, સપના. હું તારી મિત્રતા ગુમાવવા માગતી નથી. હું સુમિત સાથે આખી જિંદગી એકપણ શબ્દ નહીં બોલું, તું કહીશ તો રાખડી બાંધી દઈશ સુમિતને, પણ મને તારી નજરમાંથી નીચી ન ઉતારી દે.” ”માધવી, હું પણ તારી મિત્રતા ગુમાવવા નથી ઈચ્છતો, પણ…” ”પણ ને ગોળી માર, સપના. હવેથી તને મારાથી કે સુમિતથી ક્યારેય કોઈ ફરિયાદ નહીં થાય. અને બંને તને વચન આપીએ છીએ.” માધવીની આંખના ઈશારા સમજીને સુમિત તરત મારી પાસે આવ્યા અને મારો હાથ પકડીને કરુણ અવાજે કરગરતા બોલ્યા, ”સપના પ્લીઝ, આ વખતે મને માફ કરી દે. એ પછી ક્યારેય હું તને ફરિયાદની તક નહીં આપું. પ્લીઝ, ગુસ્સો થૂંકી નાખ.”

”સોરી, હું હવે તારા પર વિશ્વાસ નહીં કરી શકું.” મેં અધૂરા મને એમનાથી મારો હાથ છોડાવવાનો પ્રયત્ન શરૃ કરી દીધો. ”પ્લીઝ, સપના.” એમણે ફરીથી આજીજી કરી, ”નહીં, હવે તમે માધવીની સાથે જ રહો.” ”સુમિત, સપનાનો હાથ ત્યાં સુધી ન છોડતો જ્યાં સુધી એ તને માફ ન કરી દે. તું… તું જમીન પર નાક ઘસીને માફી માંગ… જલદી.” સુમિતને ઉતાવળ કરવા માટે માધવી ખૂબ ઉત્સાહિત થઈ ગઈ. પોતાની પત્ની આગળ કયો પતિ આટલી સરળતાથી નાક ઘસવા તૈયાર થશે? મેં એમના પર દબાણ વધારવા માટે કહ્યું, ”અરે, આ ક્યારેય સુધરવાના નથી. તમે બંને સાથે રહો કે ઝઘડો, પણ હું તો આજે જ હંમેશાં માટે મારા પિયર જાઉં છું.” ”સુમિત, થોડું શું કામ કરે છે? નાક ઘસીને માફી માંગી લે’ નહીંતર તો હંમેશાં માટે સપનાને ગુમાવી દઈશ.” માધવીએ ચીસ પાડીને કહ્યું. સુમિત ખૂબ જ ગભરાઈ ગયા. તેમણે નાક તો જમીન પર ના ઘસ્યું, પણ ઝાટકા સાથે મારા પગ પકડી લીધા. હું ચોંકીને પાછળ ખસી ગઈ અને બોલી, ”અરે, આ શું કરી રહ્યાં છો? મારા પગ પકડવાથી તમને માફી નહીં મળે.” ”સુમિત, જો એ તને માફ ન કરે, તો તું ફરીથી તેના પગ પકડી લે.” માધવીએ તરત જ સુમિતને સલાહ આપી અને પછી એનાથી નજર બચાવીને હસીને મને આંખ મારી.

સુમિત શરમ અનુભવતા બીજીવાર મારા પગમાં ઝૂક્યા, તો મેં ઝડપથી કહ્યું, ‘હું તમને સાફ કરી દઉં, પણ તમારા સુધરવાની ગેરંટી શું છે?” ”એ ક્યારેય કોઈ બીજી સ્ત્રી તરફ ખોટા ઈરાદાથી આંખ ઊંચી કરીને પણ નહીં જુએ એની ગેરંટી મારી છે, સપના અને પછી ક્યારેય એમણે આમતેમ પ્રેમાલાપ કરવાનો પ્રયત્ન કર્યો, તો તારા એમની સાથે હું છૂટાછેડા કરાવીશ. બોલો, શું કહો છો સુમિત?” માધવીએ એમની સામે કતરાતી નજરે જોયું. ”હું આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરું.” સુમિતે તરત જ વચન આપ્યું. ”જો કરી તો સપનાથી દૂર થવું પડશે.” આ વાતને સારી રીતે સમજી લે. ”મંજૂર છે.” ”તો પછી માથું નીચું રાખીને કેમ ઊભો છે? અરે, આગળ વધીને તારી પત્નીને તારી બાહોપાશમાં કેમ નથી લેતો?” માધવીએ એમને ધક્કો માર્યો. સુમિત ડરતાંડરતાં મારી તરફ વધ્યા. મારા માટે મારું હસવાનું રોકવું મુશ્કેલ હતું, પણ હું ગંભીર રહી. સુમિત મને ભેટી પડયા. એમની પીઠ પાછળ માધવી અને મેં હાથ મિલાવીને એકબીજાને પોતાની જીત માટે ધન્યવાદ આપ્યા. એ દિવસ પછી સુમિત કોઈપણ યુવતી સાથે પ્રણયફાગ ખેલવાની હિંમત જ ગુમાવી ચૂક્યા. તે પહેલાંની જેમ દરેક સુંદરીઓ સાથે મન મૂકીને હસીને વાતો જરૂર કરે છે, પણ લક્ષ્મણ રેખા પાર કરવાની હિંમત એમનામાં રહી નથી.

એ રાત્રે પણ સુષમા જાડીની નણંદ નિશા સાથે યોગ્ય તક જોઈને મેં ફક્ત ૧૦ મિનિટ હસીને વાતો કરી. સુમિતે દૂરથી અમને હસતાં અને વાતો કરતા જોયા અને નિશાથી દૂર જતા રહ્યા. પછી તેમણે એની સાથે ડાન્સ પણ ન કર્યો. ”તું નિશાને પહેલેથી ઓળખે છે?” થોડીવાર પછી મારી પાસે આવીને સુમિતે સવાલ કર્યો. ”ના, હમણાં હમણાં જ દોસ્તી થઈ છે.” મેં એમની ટાઈની ગાંઠ સરખી કરતાં જવાબ આપ્યો. ”શું વાતો કરી એની સાથે?” ”કંઈ ખાસ નહીં.” તમને કેવી લાગી એ?” ”કંઈ ખાસ નહીં.” એમણે વિચિત્ર મોં કર્યું અને પછી અમે બંને ખડખડાટ હસી પડયા. સુમિતને જે પાઠ માધવી અને મેં ભણાવ્યો હતો, તે એમને સારી રીતે યાદ છે. કોઈ સુંદરી તરફ એમનો ખોટો ઝુકાવ મને દેખાય, તો હું એની સાથે મિત્રતા કરી લઉં છું. હું આવું કરું છું એટલે તરત સુમિત સાવધ થઈને પોતાના દિલફેંક વર્તન પર અંકુશ લગાવી દે છે. મને ફરિયાદ કરવાની તક આપવી એમના માટે ખતરનાક સાબિત થશે, આ ધમકી એમના દિલો-દિમાગમાં મજબૂત રીતે બેસી ગઈ છે. મને વિશ્વાસ છે કે સુંદરીઓ સાથે પ્રણયફાગ ખેલવાની પોતાની આદતથી હવે તેઓ તોબા પોકારી ગયા છે.

Related posts

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!