છેલ્લા 37 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે ભલે યુધ્ધ ચાલી રહયું છે પરંતુ ખરેખર તો અમેરિકા અને રશિયા વચ્ચે આર્થિક વોર ચાલે છે. યુક્રેન પર હુમલો થયા પછી અમેરિકાએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો મુકતા રશિયાની કરન્સી રુબલ કડડભૂસ થઇને અમેરિકન ડોલરની સરખાણીમાં 40 ટકા જેટલો નીચે ઉતરી ગયો હતો.
યુધ્ધ શરુ ન હતું થયું ત્યારે રૂબલનો ભાવ એક અમેરિકી ડોલર બરાબર 85 રૂબલ હતો. જે જોત જોતામાં 140 રૂબલ સુધી પહોંચી ગયો હતો. 7 માર્ચના રોજ હાઇએસ્ટ 150ની સપાટી સુધી પહોંચી ગયો હતો. રશિયા એક તો યુક્રેનમાં ખાસ કશું મેળવી શકયું નથી અને બીજી બાજુ આર્થિક પ્રતિબંધો મહાસંકટ સમાન સાબીત થયા છે.
રૂબલની વેલ્યુ ઉતરી જતા અમેરિકા તેના આર્થિક પ્રતિબંધોની સિધ્ધિ સમજતું હતું પરંતુ રુબલે ફરી કમબેક કરીને મૂળ સ્થાન મેળવી લેતા અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો ફિયાસ્કો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ 29 માર્ચના રોજ એક સમયે રશિયાના રૂબલની કિંમત ડોલરની સરખામણીમાં 85 પર હતી. જે હજુ પણ ઘણીને 83 થાય તેવી શકયતા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને તો પોલેન્ડ મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે રશિયા પર પ્રતિબંધો મુકીને રુબલને રબલ (ધૂળ જેવો) બનાવી દીધો છે જે 100 ટકા સાચો પડતો જણાતો નથી. યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીની વિરોધમાં અમેરિકા, કેનેડા અને જાપાન ઉપરાંત યૂરોપિય દેશોએ રશિયા પર કડક પ્રતિબંધ લગાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાએ પોતાની અર્થ વ્યવસ્થાને બચાવવા માટે કેન્દ્રીય બેંકના વ્યાજદરમાં 20 ટકા વધારો કરવા ઉપરાંત અનેક પગલા ભર્યા છે. રૂબલને બદલીને યૂરો કે ડોલર ખરીદવા ઇચ્છતા લોકો પર પણ નિયંત્રણો લાદયા હતા. જો કે રશિયાએ પોતાની અર્થ વ્યવસ્થા બચાવવા જે પગલા ભર્યા તે કેટલા કામયાબ છે એ બાબતે નિષ્ણાતોને શંકા હતી પરંતુ રૂબલ ડોલરની સરખામણીમાં મજબૂત થવાની શરુઆત કરતા સારા સંકેત મળી રહયા છે.
અમેરિકા અને નાટો દેશોને એવી આશા હતી કે રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવાથી યુક્રેનમાંથી પોતાની આર્મી પાછી બોલાવવા મજબૂર બની જશે પરંતુ એમ થયું નથી. એના સ્થાને રશિયા પોતાની કરન્સીને મજબૂત બનાવવામાં સફળ થયું હોય તેમ જણાય છે.
જો કે અમેરિકન મીડિયામાં રુબલના રીબાઉન્ડને બનાવટી ગણવામાં આવ્યું છે. મૂડી નિયંત્રણો દ્વારા ચલણને પણ કૃત્રિમ રીતે ફુલાવવામાં આવી રહ્યું છે એટલું જ નહી આ વર્ષે ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન (જીડીપી) 10 થી 15 ટકા ઘટવાની સાથે રશિયનો વધુ ગરીબ બનશે. એવી આગાહી કરવામાં આવી છે. ફુગાવો જ નાગરિકોની કમાણીનો નાશ કરશે એવી આગાહી કરવામાં આવી છે.
નાટો દેશોમાં જોડાવાનો મોહ છોડીને વાસ્તવદર્શી બનેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિવોર ઝેલેંસ્કીને પણ લાગે છે કે રશિયા પરના આર્થિક પ્રતિબંધોની ધારી અસર થઇ નથી. રશિયાના નેચરલ ગેસ અને ક્રુડ પર નિર્ભર યૂરોપિય દેશોએ યુક્રેન યુધ્ધ પછીના આર્થિક પ્રતિબંધો છતાં ખરીદી બંધ કરી નથી. રશિયાએ રુબલમાં પેમેન્ટનો આગ્રહ રાખ્યો છે. રશિયાનું આ પગલાથી પોતાની અર્થ વ્યવસ્થાને રાહત પહોંચી છે.
READ ALSO:
- બોલિવુડ/ રણબીર કપૂરનું નિવેદન થયું વાઈરલ, અંકલ રણધીર કપૂર વિશે કરી આ ચોંકવનારી વાત
- અફઘાનિસ્તાનના હેરાતમાં મોટો ધમાકો, વિસ્ફોટમાં 12 લોકોના મોત; 25 ઘાયલ
- ‘તારે કારણે સમાજમાં આપણી આબરૂ જાય છે’ કહી મહિલાને પોલીસમાંથી નોકરી છોડાવવા દબાણ, પતિની વિકૃત માનસિકતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
- બિલ્ડરોને ઘી-કેળા / રીડેવલોપમેન્ટના નામે લોકોને કરાય છે ઘરવિહોણાં, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
- Cryptocurrency Down: બિટકોઇન 4 ટકા ઘટીને 45,000 ડોલરની અંદર, ભાવમાં ઘટાડા પાછળ આ કારણો જવાબદાર
Toggle panel: Rank Math Overview