રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડનું વોરંટ ઈશ્યુ કરતા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ વોરંટ પર રશિયા તરફથી નિવેદન આવ્યુ છે. અને કહેવાય છે કે, કાનૂની દૃષ્ટિકોણથી અમને કોઈ વાંધો નથી, કારણ કે તે 2016માં ICC સંધિમાંથી ખસી ગયું હતું. વોરંટને નકારી કાઢતા, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે રશિયા રોમ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી અને તેના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલું નથી. રશિયાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સાથે કોઈ સહયોગ નથી. તેથી તેના દ્વારા જારી કરાયેલા ધરપકડના વોરંટ અમારા માટે કાયદાકીય રીતે અમાન્ય બની જશે.રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમીત્રી મેદવેદેવે પુતિન વિરુદ્ધ આઈસીસી ધરપકડ વોરંટની તુલના ટોયલેટ પેપર સાથે કરી છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ ધરપકડ વોરંટ યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે જારી કરવામાં આવ્યું છે. બાળકોના અપહરણ અને દેશનિકાલ માટે પુતિન જવાબદાર હોવાનું કહેવાય છે. આ વોરંટનો જવાબ આપતા યુક્રેને કહ્યું છે કે આ માત્ર શરૂઆત છે. પુતિનની સામે હજુ વધુ મુશ્કેલીઓ વધવાની છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ શું છે?
તે વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ છે. આ કોર્ટ ચાર પ્રકારના કેસોની સુનાવણી કરે છે – નરસંહારના ગુનાઓ, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધના ગુનાઓ અને આક્રમણના ગુનાઓ. આ કોર્ટ આ કેસોમાં આરોપીઓ સામે જ કાર્યવાહી કરે છે અને કોઈ દેશ કે કોઈ જૂથ વિરુદ્ધ નહીં. તેનું મુખ્ય મથક હેગ, નેધરલેન્ડમાં છે. આ અદાલત સ્વતંત્ર રીતે કામ કરે છે અને તે સંયુક્ત રાષ્ટ્રનો ભાગ નથી. તેથી જ નિર્ણયો લેવા માટે તેને યુએનના સમર્થનની જરૂર નથી.

પુતિન પર શું આરોપો હતા?
ICCના નિવેદન અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ દરમિયાન ઘણા અપરાધ કર્યા હતા. તેઓ યુક્રેનથી બાળકોને ગેરકાયદેસર રીતે રશિયા મોકલતા હતા. પુતિન યુદ્ધ-સંબંધિત કાર્યો કરી રહેલા નાગરિક અને લશ્કરી ગૌણ અધિકારીઓ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. યુએનના તપાસ પંચના અહેવાલને ટાંકીને બીબીસીના અહેવાલમાં જણાવાયું છે કે યુદ્ધ દરમિયાન કેટલાક બાળકોને રશિયન નાગરિકતા લેવાની ફરજ પડી હતી. પરિણામે, તેમને રશિયામાં કાયમી વસવાટ કરવો પડ્યો
લગભગ 16,221 બાળકો હતા જેમને બળજબરીથી રશિયા મોકલવામાં આવ્યા હતા. આ રીતે, આ કેસોમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો ભંગ થયો છે. યુનાઈટેડ નેશન્સે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રેપ અને ટોર્ચર સિવાય રશિયન લોકો પર યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાનો પણ આરોપ છે.

પુતિનની ધરપકડ થશે?
ICC પાસે કોઈ દેશ કે નેતા કે કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા નથી. આનું કારણ એ છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે પોતાનું કોઈ પોલીસ દળ નથી. તેથી, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, કોર્ટ કોઈ નેતાને દોષિત ઠેરવી શકે છે, ધરપકડ વોરંટ જારી કરી શકે છે, પરંતુ તેની ધરપકડ કરવા માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. ધરપકડ બે પરિસ્થિતિઓમાં થઈ શકે છે, પ્રથમ પુતિનનું પ્રત્યાર્પણ થવું જોઈએ એટલે કે રશિયાની બહાર અન્ય કોઈ દેશમાંથી સોંપવામાં આવે અથવા ધરપકડ કરવામાં આવે.
આ કેસના ICCના વકીલ કરીમનું કહેવું છે કે, ICC કોર્ટ પોતાના સભ્ય દેશો પર પુતિનની ધરપકડ કરવા દબાણ કરી શકે છે. આ રીતે પુતિનના વિદેશ પ્રવાસ પર તેની અસર પડી શકે છે.
ધરપકડ કરવી કેટલું મુશ્કેલ છે?
પુતિનની ધરપકડમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે રશિયા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી. આ સિવાય રશિયાએ પુતિન પર લાગેલા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવા કહે છે કે, રશિયા ICCના રોમ સ્ટેચ્યુટનું સભ્ય નથી. તેથી જ તેની પાસે કોઈ જવાબદારી નથી. રશિયા આ કોર્ટનું સમર્થન કરતું નથી. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ તરફથી ધરપકડ માટેનું વોરંટ અમારા માટે કાયદેસર રીતે રદબાતલ છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં