…તો રૂપાણીની ખુરશી મૂકાશે જોખમમાં, ધાનાણી અને ચાવડાને છે પણ આ ભય

આમ તો પ્રજાએ કોંગ્રેસની વંડી ઠેકી કેસરિયો ખેસ ધારણ કરનારા પક્ષ પલ્ટુઓને ઘરભેગાં કરી દીધા છે. પેટાચૂંટણીમાં સૌથી મોટી પરીક્ષા પક્ષપલ્ટો કરી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાની છે. હવે કુંવરજી બાવળીયાને મતદારો બક્ષે છે કે પછી ઘરે મોકલે છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. પરંતુ એટલું તો નક્કી છે કે જસદણ પેટાચૂંટણીની હારજીત બાદ ગુજરાતના રાજકારણમાં નવા વળાંકો આવી શકે છે.

કોંગ્રેસના નેતાઓને છે પણ આ ભય

જસદણ બેઠક કોંગ્રેસનો ગઢ છે. મતદારોએ અહીં ભાજપને જાકારો જ આપ્યો છે. હવે જો કોંગ્રેસ આ બેઠક ગુમાવે તો અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબુકમાંથી બાકાત થઈ શકે છે. આ બંને યુવા નેતાઓ પરંપરાગત બેઠકને જાળવી નહીં શકે તો સિનિયર નેતાઓને ગાળો ભાંડવાનો મોકો મળી જશે. આ બંને નેતાઓ પર રાહુલ ગાંધીએ વિશ્વાસ મુકી પ્રદેશની નેતાગીરી સોંપી છે. ત્યારે આ પેટાચૂંટણી જીતવી જરૂરી બની છે.. જો આ બેઠક હારશે તો પાંચ રાજ્યોના પરિણામની ખુશી પર પાણી ફરી વળે તેમ છે. ભાજપ માટે તો જાણે આ જીત પાંચ રાજ્યોની હાર બાદ ટોનિક સમાન બની રહેશે.

નેતૃત્વ પરિવર્તનની હવાને પણ વેગ મળશે

જો ભાજપ હારશે તો, ગુજરાત ભાજપમાં ઉથલપાથલ થવાના એંધાણ છે કેમકે અસંતુષ્ટોમે મોકળું મેદાન મળી શકે છે. એટલુ જ નહીં, નેતૃત્વ પરિવર્તનની હવાને પણ વેગ મળશે. સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જયેશ રાદડિયા, વિઠ્ઠલ રાદડિયા સહિતના નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા પર સવાલો ઉભા થાય તેમ છે. પરસોત્તમ સોલંકી જેવા કોળી નેતાઓ સામેય આંગળી ચિંધાઈ શકે છે. આમ ભાજપ-કોંગ્રેસ બંને માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

દિલ્હીથી લેવાયેલા નિર્ણયની પણ ભૂમિકા સ્પષ્ટ થશે

જસદણ પેટાચૂંટણીમાં જો ભાજપ જીતે તો ભાજપની નેતાગીરી પણ ખોંખારીને કહી શકે છે કે, દિલ્હીથી લેવાયેલો નિર્ણય સાચો હતો. બાવળીયાને પ્રધાનપદુ આપવું બરાબર હતુ પણ જો ભાજપ હારે તો ભાજપની નેતાગીરીને પણ કાર્યકરોના અસંતોષનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter