રૂપિયાની કિંમત ઘટી રહી છે કે વધી રહી છે? સમજો સરળ ભાષામાં

રૂપિયાની કીંમત ઘટી રહી છે કે વધી રહી છે એ સમજવાનો સૌથી આસાન ઉપાય છે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનું સંતુલન. ડોલરની ડિમાન્ડ વધી રહી છે એટલા માટે એ રૂપિયાની સરખામણીમાં વધારે મજબૂત બની રહ્યો છે. એટલા માટે જે લોકો કહી રહ્યાં છે કે રૂપિયામાં નબળાઇ વરદાન છે એ સંપૂર્ણ સત્ય નથી. હાલ તો રૂપિયામાં નબળાઇનો અર્થ છે કે ડોલર દેશની બહાર જઇ રહ્યો છે.

રોકાણદારો આશંકા અને ગભરાટના માર્યા પોતાનું રોકાણ પાછું લઇ રહ્યાં છે અને સુરક્ષિત જગ્યાઓએ લગાવી રહ્યાં છે. એવી દલીલ પણ થઇ રહી છે કે તુર્કીના ચલણ લીરા અને આર્જેન્ટિનાના ચલણ પેસો પણ ખરાબ રીતે તૂટી રહ્યાં છે. પરંતુ તુર્કી અને આર્જેન્ટીનાની અર્થવ્યવસ્થાઓ ભારતની અર્થવ્યવસ્થાની સરખામણીમાં ઘણી નબળી છે અને પહેલેથી જ સમસ્યાઓથી ઘેરાયેલી છે એટલા માટે આ સરખામણી પણ યોગ્ય નથી.

આ વર્ષની શરૂઆતથી જ રૂપિયો દસ ટકા જેટલો તૂટી ચૂક્યો છે જે એશિયાની બીજી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ કરતા વધારે છે. છેલ્લા એક પખવાડિયામાં જ રૂપિયો ૨.૧ ટકા જેટલો તૂટયો છે જ્યારે એની સરખામણીમાં એશિયાઇ કરન્સી માત્ર ૦.૭ ટકા જેટલી તૂટી છે. રૂપિયો નબળો પડવાના કારણે એક્સપોર્ટરોને જેટલો ફાયદો થશે એનાથી અનેક ગણું નુકસાન આયાત મોંઘી થવાના કારણે અને મોંઘવારી વધવાના કારણે થશે. ઉપરથી રૂપિયાની કીંમત જાળવવા માટે રિઝર્વ બેંકે કરોડો ડોલર વેચવા પડશે એ અલગ. આમ તો તુર્કીના ચલણ લીરા તૂટવાના કારણે રૂપિયાની કીંમત ઘટવાનો દોર ચાલું થયો છે, પરંતુ એ સિવાય ઘરેલુ સમસ્યાઓ પણ છે.

દેશની ટ્રેડ ડેફિસિટમાં વધારો થઇ રહ્યો છે. જર્મની અને ચીન જેવા દેશો નિકાસ કરીને વધારે ડોલર કમાય છે એટલા માટે તેમનો ટ્રેડ સરપ્લસ હોય છે. પરંતુ ભારત નિકાસ ઓછી કરે છે અને આયાત કરવામાં ડોલર વધારે ખર્ચે છે એટલા માટે ટ્રેડ ડેફિસિટનો શિકાર બને છે. પરંતુ આ ખાધ એક મર્યાદા કરતા વધી જાય ત્યારે અર્થતંત્રને નુકસાન થવા લાગે છે. હાલ દેશની અર્થવ્યવસ્થાને આવું જ નુકસાન થઇ રહ્યું છે.

ગત જુલાઇમાં જ ટ્રેડ ડેફિસિટ ૧૮ અબજ ડોલર નોંધાઇ છે જે છેલ્લા ૬૨ મહિનાઓમાં સૌથી વધારે છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ દરમિયાન ૧૫૭ અબજ ડોલર ટ્રેડ ડેફિસિટ નોંધાઇ છે. આ આંકડો ૨૦૧૬-૧૭ દરમિયાન ૧૦૮ અબજ ડોલર હતો. બીજી બાજુ ક્રૂડ ઓઇલ મોંઘું થવાના કારણે ચાલુ ખાતામાં જીડીપીના ૨.૮ ટકા નુકસાનનું જોખમ રહેલું છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ભારતે ૧૬૦ અબજ ડોલરનો માલસામાન આયાત કર્યો અને આ વર્ષે આ આંકડો ૧૯૦ અબજ ડોલરે પહોંચી શકે છે.

હવે રૂપિયો નબળો પડવાના કારણે આયાત વધારે મોંઘી થઇ જશે અને એની સરખામણીમાં નિકાસ સસ્તી થઇ જશે. એટલા માટે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર પણ વધી જશે જેના કારણે ટ્રેડ ડેફિસિટ ઓર વધશે. આમ પણ આપણે નિકાસ કરતા આયાત વધારે કરીએ છીએ એટલા માટે દેશના અર્થતંત્ર ઉપરનો બોજ વધશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કીંમત આમ પણ વધી રહી છે એમાં રૂપિયાની નબળાઇ ઓર વધારો કરશે અને ક્રૂડ ઓઇલ મોંઘું થવાનો સીધો અર્થ એ છે કે હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter