ડૉલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, આ છે કારણ

વાસ્તવમાં રૂપિયાના મૂળિયા અને થડ બધુ જ કમજોર પડી ગયું છે. છેલ્લા ચાર વર્ષના અચ્છે દિવસો દરમિયાન ચાલુ ખાતાની ખાધ એટલે કે વિદેશી સંશાધનોથી થતી આવક અને જાવક વચ્ચે અંતર વધી ગયું છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ એટલે કે ચાલુ ખાતાની ખાધમાં તો રૂપિયાના પ્રાણ વસે છે અને તેમાં જ ગરબડ થાય તો શું થાય એની કલ્પના તો થઇ જ શકે છે.

ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાની તંદુરસ્તીનું રહસ્ય કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ પર આધારિત છે. પણ જૂનના ત્રિમાસિક ગાળામાં આ ડેફિસિટ 2.4 ટકાએ પહોંચી ગઇ છે. જે 15.8 અબજ ડોલર જેવી છે, તે ગયા વર્ષે આ જ અરસામાં 15 અબજ ડોલર હતી. રૂપિયો નબળા પડવાનું એક કારણ એ છે કે, ભારત સ્પર્ધામાં પાછળ રહી ગયું છે. ઉત્પાદન ક્ષેત્રનો જીડીપીમાં હિસ્સો 16-17 ટકા પર અટક્યો છે. ચીન, કોરિયા, થાઇલેન્ડની માફક આ હિસ્સો 25 થી 29 ટકા સુધી લઇ જવા ખૂબ જ મહેનત કરવી પડશે. રૂપિયો ડોલર સામે દર વર્ષે ત્રણથી ચાર ટકા તૂટે છે. જેથી ભારતીય ઉત્પાદનો બજારમાં ટકી શકે. જે વર્ષે આવું ન થાય તે વર્ષે નિકાસ ઉંધા માથે પટકાય છે.

બીજું કારણ એ છે કે, મોદી સરકારના કૂટનીતિક અભિયાનો ભલે ગમે તેટલા આક્રમક હોય ભારતની નિકાસને ડ્રેગન સુંઘી ગયો છે. 2013માં પહેલા બે વર્ષમાં 40 અને 22 ટકાની ઝડપથી વધારી નિકાસ ત્યાર પછીના પાંચ વર્ષમાં ઘટી છે. અને વધારો થાય છે તો પણ તે પાંચ ટકા જેટલો નજીવો હોય છે. છેલ્લા બે વર્ષમાં દુનિયાની આર્થિક અને વ્યાપાર વૃદ્ધિ ઝડપી રહી છે. લગભગ એક દાયકા બાદ વિશ્વ વ્યાપાર ત્રણ ટકાના સરેરાશ વિકાસ દરને પાર કરીને 2016માં 2.4 ટકા, 2017માં 4.7 ટકા પર પહોંચી ગયો હતો. પરંતુ ભારત વિશ્વ વ્યાપારમાં તેજીનો કોઇ ફાયદો લઇ શક્યું નથી. નિકાસમાં સતત ઘટાડાએ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટની આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું છે.

 

ત્રીજુ કારણ છે, દેશમાં રોકાણ માટે યોગ્ય સંશાધનોની અછત છે. આના માટે આપણે વિદેશી રોકાણ પર નિર્ભર રહેવું પડે છે. ભારતમાં જીડીપી સામે જમા બચતના રેશિયોનું અંતર 4.2 ટકાના અંતરે છે. જે 2013 બાદ સૌથી ઊચું છે. સરકારની બચતો શૂન્ય છે અને ખાધ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આથી રૂપિયો એક દુષ્ચક્રમાં ફસાઇ ગયો છે. અમેરિકામાં મંદી ખતમ થવાની જાહેરાતની સાથે જ ડોલરમાં મજબુતિ વધી રહી છે.

ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ સો ડોલરે પહોંચવા બેતાબ છે. રૂપિયો ગગડતો બચાવવા સરકારે આયાત ડ્યુટી વધારી મોંઘવારીની આગમાં વધુ પેટ્રોલ છાંટ્યું છે. હવે વ્યાજ દરો વધશે અને રોકાણકારો વિફરશે. નબળો રૂપિયો, મોંઘુ ફ્યુઅલ, બેકાબુ મોંઘવારી અને મસ મોટી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ. આ બધી જ ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં અચાનક ઉભરેલી તિરાડો છે. પ્રચાર સિવાય આ તમામ મોરચે કોઇ માળખાગત સુધારો નથી થયો. ચૂંટણી તો આવતી જતી રહેશે, પરંતુ આગામી છ મહીના દેશની અર્થ વ્યવસ્થા માટે અત્યંત સંવેદનશીલ સાબિત થનારા છે, એમાં શંકાને કોઇ સ્થાન નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter