રૂપાણી સરકાર પણ પાટીદારોને આપશે અનામત?, હવે નીતિનભાઈ જવાબ આપો

મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે આજે મરાઠાઓને 16 ટકા અનામત માટે વિધેયક બીલ વિધાનસભામાં દાખલ કરી દીધું છે. ફડણવીસ સરકાર 5મી ડિસેમ્બરથી મરાઠાઓને શિક્ષણ અને નોકરીમાં 16 ટકા અનામત અાપવાના વચનને પૂરું કરવા માટે ધમપછાડા કરી રહી છે જ્યારે ગુજરાતમાં રૂપાણી સરકાર ફક્ત વાતોના વડાં કરી રહી છે. રાજ્યમાં નીતિનભાઈ પટેલે મરાઠા અનામતનો અભ્યાસ કરી પાટીદારો માટે પણ વિચારાશે એમ કહી વાત ટાળી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ મરાઠા અનામતને ટેકો અાપ્યો છે. 

હવે મરાઠાઓને 16 ટકા અનામત મળવાનું ફાયનલ થતાં ગુજરાતમાં રૂપાણી સરકાર પર ભીંસ વધશે એ ફાયનલ છે. પાટીદારો અા મામલે ચૂપ રહે તેવી કોઈ સંભાવના નથી. અાગામી દિવસોમાં રૂપાણી સરકાર સામે મોટી રણનીતિ હેઠળ સમાજ સંગઠિત થઇને લડે તો નવાઈ નહીં. ફડણવીસે પાટીદાર અનામત નામના ઊંઘતા જીનને ફરી જગાડી દીધો છે. હાર્દિક પાટીદારોને અનામત મામલે ભાજપ સરકાર પર ઘણા આક્ષેપો કરી ચૂક્યો છે. મરાઠાઓને અનામત બાદ ભાજપ સરકાર અને હાર્દિક તરફથી પ્રતિક્રિયા અાવી શકે છે. આજે નીતિનભાઈએ પાટીદારોને અનામત મામલે ખુલાસો કરવો પડશે એ નક્કી છે. 

ગુજરાતમાં પાસને કોંગ્રેસની બી ટીમ ગણાવતી રૂપાણી સરકાર હવે ફસાઈ શકે છે. કોંગ્રેસે પણ અા બાબતે મોટો ખુલાસો કરી દીધો છે. અનામત મામલે કોંગ્રેસ ભાજપની સાથે હોવાના પ્રદેશ પ્રમુખના નિવેદન બાદ હવે ભાજપ અને રૂપાણી સરકાર ભરાઈ છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત ફાયનલ થતાં પાટીદાર યુવાનો ફરી અનામત માટે સક્રિય બન્યા છે.  આગામી વિધાનસભા સત્રમાં પાટીદાર અનામત માટે ખાનગી બિલ લાવવાની હાર્દિકે માંગ કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય વિધાનસભામાં ખાનગી બિલ લાવીને અનામતની માંગ કરે. આમ પાટીદારો કોંગ્રેસનું પણ વલણ સ્પષ્ટ કરવા માગે છે. ભાજપ સરકાર હંમેશાં પાસને કોંગ્રેસની બી ટીમ ગણે છે અને પાટીદારો સાથે પાસ અન્યાય કરી રહી હોવાનો આરોપ લગાવે છે. જેને પગલે મરાઠા અનામત બાદ પાસ ટીમ ફરી અનામત માટે સક્રિય થઇ છે. આ વખતે ગુજરાત સરકાર આરોપ લગાવે તે પહેલાં પાસે કોંગ્રેસને ટાર્ગેટ કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસને પાટીદારોના અનામત મામલે ટાર્ગેટ બનાવાતાં અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી દીધી છે. ભાજપ આ મામલે પાટીદારોને કોંગ્રેસ સાથે ભીડવવા માગતી હતી. જસદણની ચૂંટણીમાં પણ પાટીદાર સમાજ હુકમનો એક્કો સાબિત થાય તેવી સંભાવના છે. ભાજપ કોઈ પણ કાળે પાટીદારો કોંગ્રેસને ટેકો આપે તેવું ઇચ્છતી નથી એટલે પાટીદારોને અનામત મામલે કોણીએ ગોળ લગાડે રાખે છે. લોકસભામાં પણ અનામતનું ગાજર લટકાવી ચૂંટણી જીતવાનો માસ્ટરપ્લાન આવે તેવી પણ સંભાવના છે.

સરકાર સાયન્ટિફિક સર્વે કરાવે

પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસ પર દબાણની રણનીતિ બનાવતાં અનામત અંગે અમિત ચાવડાનું નિવેદન આવ્યું છે. કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. 49 ટકા અનામતમાં ફેરફાર કર્યા વિના બિન અનામત વર્ગના લોકોને 20 ટકા અનામત આપવામાં આવે તે માટે કોંગ્રેસ સ્પષ્ટ છે. કોંગ્રેસ વિધાનસભામાં બિલ પણ લાવી હતી. બિલ પર ચર્ચા થઈ હતી. ભાજપની લાગણી હોત તો બીલનો સ્વીકાર કર્યો હોત. સરકારની જવાબદારી છે સાયન્ટિફિક સર્વે કરાવે. કોંગ્રેસનું બિન અનામત વર્ગને 20 ટકા અનામત મળે એ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે.

પાટીદારોની આ છે રણનીતિ

પાટીદારોને અનામત અપાવવા પાસ દ્વારા કોંગ્રેસ પર દબાણ વધારવા રણનીતિ ઘડવામાં આવી છે. અનામત મામલે પાસની ટીમ પાંચમી ડિસેમ્બરના રોજ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરશે. પરેશ ધાનાણી સાથે પાસની ટીમ અનામત મામલે કોંગ્રેસનું સ્ટેન્ડ નક્કી કરવા મુદે ચર્ચા કરશે. જોકે, અમિત ચાવડાએ આ મામલે ખુલાસો કરી દીધો છે. હવે આગામી સમયમાં પાટીદારોનું અા અંગે કયું સ્ટેન્ડ લેવાય છે તે જોવાનું રહ્યું. પાસની ટીમ 6 ડિસેમ્બરના રોજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાબતે આપેલા વચન અંગે ચર્ચા કરવામાં આવશે..

મહારાષ્ટ્રમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ આપ્યો ટેકો

મહારાષ્ટ્રમાં ત્રીસ ટકા મરાઠા સમુદાયની અનામતની માગણી પર વિધાનસભામાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા ખરડો રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડા પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવામાં આવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાની જોગવાઈ સાથેના ખરડાને મંજૂરી આપવામાં આવી છે. મરાઠા અનામત બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં કોઈપણ પ્રકારની ચર્ચા વગર સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે. આ પહેલા છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમુદાય દ્વારા અનામતની માગણી સાથે આંદોલનો અને દેખાવો થયા હતા. બાદમાં આખો મામલો પછાત વર્ગ પંચની પાસે પહોંચ્યો હતો. આ મામલે મહારાષ્ટ્રમાં રહેતા મરાઠા સમુદાયને 16થી 18 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણને મંજૂર કરી લેવામાં આવશે તેવા સંકેત આપતા દેવેન્દ્ર ફડણવિસે કહ્યુ હતું કે મહારાષ્ટ્રમાં એસસી-એસટી અને ઓબીસી સહીતના કુલ 52 ટકા અનામતમાં કોઈપણ પ્રકારનો ફેરબદલ કર્યા વગર મરાઠાઓને ભલામણ મુજબ 16 ટકા અનામત આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના મામલે ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર દ્વારા રજૂ થયેલા બિલને વિપક્ષ કોંગ્રેસ અને એનસીપી સહીતની વિધાનસભામાં પ્રતિનિધિત્વ ધરાવતી તમામ રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter