પાટીદારોમાં ટાંટિયાખેંચમાં અનામત આંદોલનને સરકારે શિફ્ત પૂર્વક દાબી દીધું , મરાઠાઓ ફાવી ગયા

દેશમાં અનામત એ ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે. ભાજપ શાસિત રાજ્યોમાં જ અનામતનું ભૂત ધૂણી રહ્યું છે. હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહરાષ્ટ્રમાં અનામતનો મામલો દર ચૂંટણીએ સરકાર માટે ચિંતાનો વિષય બને છે. ગુજરાતમાં પણ પાટીદારોએ અનામત માટે જીવ આપવાની સાથે લાંબા સમયથી આંદોલન ચલાવતા હોવા છતાં રૂપાણી સરકારે આ આંદોલનને હવે દબાવવામાં આંશિક સફળતા મેળવી છે. પાટીદાર અનામત માટે આંદોલન કરી રહેલી પાસને પણ સમાજના કેટલાક અગ્રણીઓએ ભાજપ અને કોંગ્રેસ સાથે મળી જઈને રાજકીય મંચ બનાવી દેવાનો પ્રયાસ કરતાં સરકાર બાજી જીતી ગઈ છે. ગુજરાતમાં પાટીદારોઅે અનામત માટે ઘણા વર્ષો સુધી અાંદોલન કરી સરકારની ઊંધ હરામ કરી છે પણ વાસ્તવિકતા એ છે કે, અનામત મેળવવામાં તેઓ સફળ રહ્યાં નથી. સરકારે પછાત સમાજ માટે અલગથી બજેટ ફાળવી આ અનામતને દબાવવા કરેલો પ્રયાસ કઈક અંશે સફળ રહ્યો છે. 

ગુજરાતમાં અનામત આંદોલન ચલાવી રહેલી  પાસ માટે કોંગ્રેસની બી ટીમનું લેબલ લગાવી દેવામાં ભાજપ સરકાર સફળ રહી છે. ગુજરાતમાં સૌથી મજબૂત પાટીદાર સમાજમાં અંદરો અંદરની ટાંટિયાખેંચમાં ગુજરાતમાં પાટીદાર સમાજ અનામતમાંથી પાછળ રહી ગયો છે અને મરાઠાઓ આંદોલન કરી અનામત મેળવવામાં સફળ રહ્યાં છે. જેમાં મરાઠા સમાજની એકતા જવાબદાર છે. ગુજરાતમાં માન, મોભો અને રૂપિયામાં અગ્રણી પાટીદાર સમાજમાં ભાજપના ખોળે બેસવાની વૃત્તિમાં પાટીદાર સમાજના ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો પણ અનામતના લાભથી વંચિત રહી ગયા છે. હવે પાટીદાર અનામત આંદોલનનો દબદબો ગુજરાતમાં ઘટી ગયો હોવાનું કહેવું પણ યોગ્ય છે.

સામાજિક સંસ્થાઓ કાયદાકીય લડતમાં રાજી

હાર્દિક પટેલ હવે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ફરી રહ્યો છે. પાટીદારો માટે અનામત હવે ધીમેધીમે ગૌણ મામલો બનતો જાય છે. ગુજરાતમાં એક સમયે આનંદીબેનને સત્તામાંથી ઉખાડી ફેંકનાર પાટીદાર સમાજના આંદોલનને સરકારે શિફ્ત પૂર્વક દાબી દીધું છે. પાટીદાર સમાજ સાથે જોડાયેલી સંસ્થાઓ આજે પણ કાયદાના સહારે સાથ આપવા તૈયાર છે પણ આ નિવેડો આવતાં વર્ષો લાગી જશે. મરાઠા સમાજે એક આંદોલનમાં જ ભાજપ સરકારને અનામત આપવા માટે મજબૂર કરી દીધી છે. મરાઠા સમાજની પણ વર્ષોથી માગણી હતી. જેમાં મરાઠા નેતાઓએ પક્ષાપક્ષીથી દૂર રહી એકમતે મરાઠાઓને અનામત મળવી જોઈએ તેવો દાવો કર્યો હતો. જેમાં એનસીપી, ભાજપ અને કોંગ્રેસ, શિવસેના અને મનપાના મરાઠા નેતાઓનો એક જ સૂર હતો. ગુજરાતમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓ સિવાય એક પણ રાજકીય અગ્રણી એ જાહેરમાં કહી શકે તેવી સ્થિતિમાં નથી કે પાટીદારોને અનામત મળવી જોઈએ. કોંગ્રેસ માટે પણ કહેવાય છે કે, તે પાટીદારોને નામે રાજકારણ કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસના રાજકીય લાભો જે પણ હોય આ વાસ્તવિકતા છે કે, ગુજરાતમાં પાટીદારોને અનામત મળી નથી.

સરકાર કોર્ટમાં પણ કરશે સપોર્ટ

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની સૌથી મોટી રાજકીય મુશ્કેલી ઉકેલાઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે. પછાત વર્ગના પંચના અહેવાલ મુજબ, મરાઠા સમુદાયને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક આધાર પર પછાત માનવામાં આવ્યો છે. પંચના સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે રિપોર્ટ બાદ મરાઠા સમુદાયને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત મળવાનો માર્ગ સ્પષ્ટ થઈ ચુક્યો છે. પંચના સચિવ આ રિપોર્ટને ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ ડી. કે. જૈનને સોંપે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાનનું કહેવું છે કે આ રિપોર્ટને બોમ્બે હાઈકોર્ટને સોંપવામાં નહીં આવે. જો કે મીડિયામાં અટકળો ચાલે છે કે રિપોર્ટને બોમ્બે હાઈકોર્ટને સોંપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ રિપોર્ટ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરશે. તેઓ મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવશે અને વિધાનસભામાં કાયદો પારિત કરાવશે. જો કોઈ આ કાયદાને કોર્ટમાં પડકારશે… તો તેઓ આ રિપોર્ટને કોર્ટમાં રજૂ કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter