GSTV

જમીન વિકાસ નિગમની કચેરીમાં આખી રાત એસીબીના ધામા

Last Updated on April 13, 2018 by

રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા જમીન વિકાસ નિગમની કચેરીમાં લાખો રોકડા મળવાની ઘટનામાં આખી રાત એસીબીની તપાસ ચાલી છે. એસીબી પરમારને લઇને અમદાવાદ જવા રવાના થઇ છે.

એસીબીએ કે સી પરમાર સહિતના અધિકારીઓના લેપટોપ, સીપીયુ અને અન્ય કેટલાંક દસ્તાવેજો કબજે લીધા છે. નિગમના ક્લાસ વન ઓફિસર કે. સી પરમાર તેમજ અન્ય અધિકારીઓની પૂછપરછ પણ કરાઇ છે.

એસીબીની ટીમ આખી રાત નિગમની કચેરીએ હતી. જ્યાં પરમાર ઉપરાંત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરાઇ હતી. મહત્વનુ છે કે ગુરૂવારે સાંજે ગાંધીનગરમાં આવેલી જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીની ટીમ ત્રાટકી હતી.

આ ટીમે કચેરીમાંથી 55 લાખની બિનહિસાબી રોકડ અને સોનું ઝડપ્યું હતું. જેમાં નિગમના ડાયરેક્ટર કે. સી. પરમારના ડ્રોઅરમાંથી જ રોકડા 40 લાખ તેમજ અન્ય અધિકારીના ડ્રોઅરમાંથી રોકડા બેથી પાંચ લાખ મળી આવ્યા હતા.

જમીન વિકાસ નિગમની કચેરીમાં જમીન સંપાદન, ખેત તલાવડીઓનું કામ કરવામાં આવે છે.

આ કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અનેક વખત ફરિયાદો થઈ હતી. જેને પગલે ગુરૃવારે સાંજે એસીબીની ટીમે આ કચેરી પર દરોડો પાડયો હતો.

સૌ પ્રથમ નિગમના ડિરેક્ટર કે. સી. પરમારના ટેબલના ખાનાઓની તપાસ કરતા 40 લાખ રોકડા મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આથી તુરંત કચેરીના અન્ય અધિકારીઓના ડ્રોઅરની તલાશી લેતા કોઈના ડ્રોઅરમાંથી રોકડા બે લાખ તો કોઈનો ડ્રોઅરમાંથી ત્રણથી પાંચ લાખની ચલણી નોટો મળી આવી હતી.

એક સાથે આટલી મોટી રકમ મળી આવતા એસીબીએ નોટો ગણવાના મશીનની મદદ લીધી હતી. બધી રકમની ગણતરી કરતા આંકડો પંચાવન  લાખને પાર પહોંચ્યો હતો. બીજી બાજુ એસીબીએ કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના મોબાઇલ ફોન કબ્જે લઈ લીધા હતા.

કચેરીના કુલ 25થી 27 કર્મચારીઓને બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી. તેમજ બહારથી પણ કોઈ માણસને અંદર આવવા દેવાયા નહોતા. ત્યારબાદ એસીબીએ જોઇન્ટ ડાયરેક્ટર કે. સી. પરમાર સહિતના 7 થી 8 અધિકારીઓના ઘરે તપાસ ટીમોને રવાના કરી હતી.

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કહેતા હોય છે કે, ભાજપની સરકાર આવ્યા બાદ ભ્રષ્ટાચાર સદંતર બંધ થઈ ગયો છે. પરંતુ સરકારી કચેરીમાંથી જે રીતે કરોડો મળ્યા તે જોતા  ‘હું ખાતો નથી અને કોઈને પણ ખાવા દેતો નથી.’ એવું જોરશોરથી બોલતા વડાપ્રધાનની વાતો પણ માત્ર એક ભ્રમણા સાબિત થઈ રહી છે.

કે. સી. પરમાર ચાંદખેડામાં પરમેશ્વર બંગલોમાં રહે છે. ટીમ દ્વારા મોડી રાત્રે પણ સર્ચ ઓપરેશન ચાલુ રખાયું હતું. પરમારના પરિવારના સભ્યોની પણ પૂછપરછ હાથ ધરાઇ હતી. આ દરોડાના પગલે કચેરીની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Related posts

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

Dhruv Brahmbhatt

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari

મોદી સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયા, એક વર્ષમાં પેટ્રોલનો ભાવ 23 રુપિયા વધ્યો : પ્રિયંકા ગાંધીના ચાબખાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!