GSTV

ગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે કેજરી સારા કે રૂપાણી

Last Updated on October 30, 2019 by Karan

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર ઊંચા હોવાની અનેકવાર ફરિયાદો મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હંમેશા વીજ ઉત્પાદિત કરતી કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજળી ખરીદવાનું કારણ આગળ ધરીને વારંવાર દરમાં વધારો કરવામાં આવે છે. ત્યારે દિલ્હીમાં 200 યુનિટ વીજદર સામે ત્યાંની પ્રજાને એક પણ પૈસો બિલ આવતું નથી, જ્યારે ગુજરાતમાં આટલા યુનિટે પ્રજાને 1418 રૂપિયાનું મોટું બિલ ચૂકવવું પડે છે. આ તફાવત અંગે ખુદ રાજ્યના ઊર્જા પ્રધાને કબુલાત કરી કે રાજ્યમાં દર વધારે છે અને તે ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે. તો પછી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સારા કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ સારા એવો પ્રશ્ન ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં વીજળી પુરવઠો પૂરી પાડતી વિવિધ કંપનીઓ જેવી કે ગુજરાત વિદ્યૂત બોર્ડ, ટોરેન્ટ પાવર લિ. વગેરે દ્વારા વખતો વખત વીજદરમાં ધરખમ વધારો કરવામાં આવે છે. જેના પગલે પ્રજાની કમર ભાંગી જાય છે. આ સંજોગોમાં અગાઉ પણ અનેકવાર રાજ્ય સરકાર સમક્ષ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી સરકારે આ વીજદર ઘટાડવા કે માફી કરવાની વિચારણા પણ કરી નથી.

દિલ્હી સરકારે 200 યુનિટ સુધી વીજળીના બિલમાં આપી માફી

પહેલી ઓગસ્ટ 2019ના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વીજળીના બિલમાં માફીની યોજના લાગુ કરી છે. તેમણે દિલ્હીમાં 200 યુનિટ સુધીનું વીજળીનું બિલ માફ કરી દેવી જાહેરાત કરી છે. અને સાથે સાથે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી સસ્તી વીજળી આપવાની પણ જાહેરાત કરી છે.

કેજરીવાલે 200 યુનિટ સુધી વીજળી બિલ માફ કરી દેવાનું કહ્યું છે, પણ સાથે 201થી 400 યુનિટના વપરાશ કરનારાના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં જે વીજદર હોય છે તે એકદમ ઓછા અને લોકોને રાહત આપનારા હોય છે. પણ ગુજરાતના વીજદર અતિશય વધારે હોવાના કારણે લોકોનું બજેટ ખોરવાઈ જાય છે.

સૂત્રોએ કહ્યું કે, દિલ્હીમાં જો કોઈ 200 યુનિટ વીજ વપરાશ કરે તો તેને કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ ત્યારબાદ જેટલો વપરાશ કરે તેના યુનિટ દીઠ જે ભાવ નિયત કરાયો હોય તે પ્રમાણે જ બિલ ચૂકવવાનું હોય છે. જ્યારે ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહે છે. અહીં વીજ વપરાશ કરનારને એક પણ યુનિટની માફી નથી આપવામાં આવતી. ઉલ્ટાનું 200 યુનિટથી વધારે વપરાશ હોય તો ત્યારબાદના વીજ યુનિટ પર વધારે ચાર્જ આપવો પડે છે.

ગુજરાતમાં જ ટોરેન્ટના બે શહેરોમાં વીજદરમાં ફરક

રાજ્યમાં ટોરેન્ટ પાવર દ્વારા કેટલાંક શહેરોમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં સુરત અને અમદાવાદ મુખ્ય શહેરો છે. દેશના અન્ય રાજ્યોની પાવર કંપનીઓની સરખામણીમાં ટોરેન્ટના વીજદર પ્રતિ યુનિટદીઠ અનુક્રમે ત્રીજા અને છઠ્ઠા ક્રમાંકે આવે છે. સુરતમાં ટોરેન્ટ પાવર દ્વારા પ્રતિ યુનિટ રૂ. 7.22 વસૂલાય છે, જ્યારે અમદાવાદમાં રૂ. 7.09 વસૂલવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે, એક જ પાવર કંપની બે શહેરોમાં કઈ રીતે અલગ અલગ ભાવ વસૂલી શકે? આ મામલે રાજ્ય સરકારનું સૂચક મૌન ઘણું કહી જાય છે.

શહેર  વીજકંપનીરૂપિયા પ્રતિ યુનિટ દર
મુંબઇટાટા 1208.08
મુંબઇઅદાણી8.08
સુરતટોરેન્ટ7.22
દિલ્હીટાટા7.11
દિલ્હીબીએસઇએસ7.11
અમદાવાદટોરેન્ટ7.09
કલકત્તાસીઇએસઇ6.82
મુંબઇબીઇએસટી4.81

પ્રધાને રેગ્યૂલેટરી બોર્ડ પર ઢોળ્યું

આ અંગે જ્યારે રાજ્યના ઊર્જા પ્રધાન માને છે કે, રાજ્યમાં વીજ દરનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા નથી કરવામાં આવતો. પરંતુ ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી બોર્ડ દ્વારા નિયત કરવામાં આવે છે. અને તે વીજ પુરવઠો પૂરી પાડતી કંપનીઓ સાથે વિષદ ચર્ચા કરીને વીજ દર નક્કી કરતી હોય છે. બોર્ડ દ્વારા નક્કી કરાતાં દરમાં સરકાર માફીની જાહેરાત તો કરી શકે કે નહિ એવા સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. ટૂંકમાં તેમણે વીજ દર વધારાનો ઓળિયો ઘોળિયો રેગ્યૂલેટરી બોર્ડ પર ઢોળીને હાથ ખંખેરી લીધા હતા.

એફપીપીપીએના દરનો વધારો વીજ વપરાશકારો પર નંખાય છે

વીજ નિષ્ણાત કે. કે. બજાજ કહે છે, દેશના રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર પ્રતિ યુનિટ સૌથી મોંઘા છે અને તેના કારણે પ્રજાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. ગુજરાતમાં વિવિધ ચાર્જિસના નામે જે રીતે વીજદર વસૂલવામાં આવી રહ્યો છે તે અસહનીય છે. તેઓ કહે છે દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે જ્યાં પ્રતિ યુનિટ વીજદર 7.09 રૂપિયા છે. ટૂંકમાં પ્રજાને 200 યુનિટના ચાર્જ પેટે મહિને રૂ. 1418નું બિલ ફરજિયાત ચૂકવવું પડે છે.

કે. કે. બજાજ આગળ કહે છે કે, રાજ્યમાં ફ્યૂઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યૂલા હોવાના કારણે યુનિટ દીઠ ૬૧ પૈસા લેવાતા હતા, જે છેલ્લા થોડાક જ વર્ષમાં ઘણાં વધી ગયા છે. ગુજરાતમાં રહેણાંકની વીજળીનો દર યુનિટ દીઠ રૂ. ૭.૦૯ વસૂલ થાય છે, જે દર દેશમાં બીજા નંબરે છે. એફપીપીપીએના દરમાં યુનિટ દીઠ અંદાજે રૂ. 1.10નો વધારો આવ્યો છે. જેના કારણે વીજ ઉત્પાદન માટે વપરાતા ઈંધણના દરમાં થતા ફેરફારને આધારે એફપીપીપીએના દરમાં ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે છે. તેની સાથે વીજળીની માંગ વધે ત્યારે બહારથી વીજળી ખરીદીને ગુજરાતના વપરાશકારોને પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ કારણસર વીજ ખરીદીના દરમાં વધારાનો બોજ પણ વીજ વપરાશકારો ઉપર નાંખવામાં આવે છે.ગુજરાતમાં રહેણાંક વિસ્તારનું વીજ જોડાણ ધરાવતા અને મહિને માત્ર 200 યુનિટ વીજળી વપરાશ ધરાવનારા ગ્રાહકોનો વીજ બિલમાં છેલ્લા 10 વર્ષમાં 38.5 ટકાનો જંગી વધારો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતનો વીજદર દેશમાં બીજા નંબરે

રાજ્યમાં રહેણાંક વીજળીનો દર યુનિટ દીઠ રૂ. 7.09 લેખે વસૂલવામાં આવે છે. આ જે દર છે તે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં બીજા નંબરે સૌથી વધારે દર છે. આ દરમાં ફિક્સ્ડ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યૂઅલ સરચાર્જ અને ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીનો સમાવેશ થાય છે.

વીજ પુરવઠો પૂરી પાડતી કંપનીઓના જે ગ્રાહકો છે તેમાં અંદાજે 70થી 80 ટકા જેટાલ ગ્રાહકો રહેણાંક વિસ્તારના છે. એટલે રાજ્યમાં રહેણાંકના ગ્રાહકો પાસેથી વીજનો ઊંચો દર વસૂલ કરવામાં આવે છે. એક તરફ સરકાર એવો દાવો કરે છે કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો વીજદર વધારવામાં નથી આવ્યો, પરંતુ પાછલા દરવાજે વીજ કંપનીઓ ફ્યૂઅલ સરચાર્જના નામે ભાવ વધારો વખતોવખત પ્રજાના માથે ઝીંકી દે છે.

રાજ્યવાર વીજ દર

રાજ્ય પડતર ભાવ રૂ.
મહારાષ્ટ્ર૮.૩૬
ગુજરાત૭.૦૯
પંજાબ૬.૯૮
રાજસ્થાન૬.૭૪
કર્ણાટક૬.૫૫
મધ્ય પ્રદેશ૬.૪૬
પશ્ચિમ બંગાળ૬.૩૯
ઉત્તર પ્રદેશ૫.૮૩
આંધ્ર પ્રદેશ ૪.૯૫

Read Also

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!