વરસાદ બાદ પૂર્વ અમદાવાદની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં મુકાઇ ગઇ છે. લગભગ તમામ રોડ તૂટી ગયા છે. રિંગ રોડ, મોડલ રોડ, સર્વિસ રોડ, એપ્રોચ રોડ, એક્સપ્રેસ વે, નેશનલ હાઇવે તમામ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જે વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. અકસ્માત, ટ્રાફિકજામની સ્થિતિ પણ વણસી જવા પામી છે.
પૂર્વ અમદાવાદમાં ઓઢવ બ્રિજની નીચેના બંને સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. રોડ લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. ખાબોચિયામાં પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો ખાડામાં પટકાઇને ઇજા પામી રહ્યા છે. કાદવ-કિચડ અને ભરાયેલા પાણી , તૂટેલા રોડ વચ્ચે ટ્રાફિકજામ મોટી સમસ્યા બનીને સામે આવી છે.

મ્યુનિ.તંત્ર દ્વારા તૂટેલા રોડના ખાડાઓ પુરવાની પણ તસ્દી લેવાઇ રહી નથી. ચાલુ વરસાદે રોડ રિસરફ્રેશ ન થઇ શકે પરંતુ મોટા ખાડા પડયા હોય ત્યાં માટી, પથ્થર નાંખીને તેને પુરી તો શકાય છે કે જેથી કરીને ખાડામાં વાહનચાલક ન પટકાય.
ખાડા સામે આવ્યો હોય ત્યારે ખાડામાં વાહન પડતું અટકાવવા માટે વાહનચાલક અચાનક જ સાઇડમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે તેવામાં પાછળ આવતું વાહન તે વાહનને ટકરાઇ જવાના કિસ્સા વધારે બની રહ્યા છે.

સારંગપુરથી લઇને છેક ઓઢવ સુધીનો રોડ બિસ્માર હાલતમાં પડયો છે. નરોડાથી નારોલ સુધીના નેશનલ હાઇવને નંબર ૮ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર પણ રોડ તૂટી જવા, ખાડા પડવા, રોડ ધોવાઇ ગયેલા અનેક જગ્યાએ જોઇ શકાય છે. અમદાવાદ-બરોડા એક્સપ્રેસના એન્ટ્રી અને એક્ઝીટ રોડ પર પણ મોટા ખાડાઓ પડેલા છે.
શહેરના એપ્રોચ રોડની ભારે અવદશા થવા પામી છે.શહેરની ફરતે આવેલા રિંગ રોડ પર વાહનોના અતિભારણના કારણે આ રોડની હાલત સૌથી વધારે ખરાબ છે. રિંગ રોડ પર રિક્ષાનું ટાયર ફસાઇ જાય તેવા મોટા ખાડા પડી ગયા છે. સર્વિર રોડ તો સંપૂર્ણપણે ધોવાઇ જ ગયો છે. રોડની કાંકરિયાઓ ઉખડી ગઇ છે. આ સ્થિતિમાં વાહનચાલકોના જીવનું જોખમ વધ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ પરના ખાડાઓ પુરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
Read Also
- લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે