700 કરોડના પ્રોજેક્ટનો ધુમાડો, 144 કરોડમાં ખરીદાયેલું જહાજ 26 દિવસમાં જ ખોટવાયું

વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રોપેક્ષનું જહાજ મધ દરિયે બંધ પડતા રોપેક્ષ સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. અને આંખો ફાટી જાય તેવી કિંમતે ખરીદાયેલા જહાજ ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે. તો સાથે જ સમગ્ર 700 કરોડના પ્રોજેક્ટનો હાલ તો ધુમાડો થઈ ગયો હોય તેમ દેખાય છે.

રો-રો ફેરી રોપેક્ષ સેવા માટે 20 મિલિયન ડોલર એટલે કે, તે સમયના અંદાજિત 125 કરોડ અને હાલના 144 કરોડ રૂપિયામાં વોયેજ સિમ્ફની જહાજ ખરીદવામાં આવ્યુ હતુ. જે દરિયામાં 26 દિવસ ચાલ્યા બાદ મધદરિયે એન્જીન ફેઈલ થતા અટકી ગયુ. કહેવાય છે કે, આ જહાજની ખરીદીમાં ટેકિનીકલ સ્ટાફ એન્જીનની નબળાઈથી વાકેફ હતો પરંતુ તેમને આટલા જલદી જહાજ અટકશે તેવો અંદાજ ન હતો. સામાન્ય રીતે નબળા જહાજ પણ વર્ષોના વર્ષો સુધી સફર ખેડી શકે છે તેવા અંદાજ સાથે નબળા જહાજની ઓછી કિંમતે ખરીદી કરી ઓન પેપર 20 મિલિયન ડોલર દર્શાવી મોટા પાયે ગોલમાલ કરાઈ હોવાની શક્યતા છે.

વોયેજ સિમ્ફની જહાજ ખરીદવામાં મોટું કૌભાંડ આચરી કેટલાક મોટા માથાઓએ ગજવા ભર્યા હોવાની ચકચાર મચી છે. જહાજની બહારથી જાકમજોળ દેખાય છે પરંતુ ટેકિનકલ રીતે આ જહાજ નબળુ હોવાનો ગોકીરો મચ્યો છે. સુત્રોના મતે આ ગોટાળામાં ખૂબ જ મોટા ગજાના નેતાઓ સંડોવાયા હોવાની આશંકા સેવાઈ રહીં છે. રો-પેક્ષ સેવા પાછળ જે કરોડોનો ધૂમાડો કરાયો છે આટલી રકમમાં તો ચીને ઘોઘાથી દહેજ વચ્ચે દરિયામાં બ્રીજ ઉભો કરી ફોર-ટ્રેક માર્ગ બનાવી આપ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter