રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે. રવિવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ 16 પૈસાના વધારા સાથે 78.84 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યું છે. જ્યારે નવી દિલ્હીમાં ડીઝલ 34 પૈસાના વધારા સાથે 70.76 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 16 પૈસાના વધારા સાથે 86.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 36 પૈસાના વધારા સાથે 75.12 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સામે ગગડી રહેલો રૂપિયો અને ખનીજતેલના વધતા ભાવને કારણે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. સંભાવનાઓ દર્શાવવામાં આવી છે કે બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઈમાં 75 ડોલર પ્રતિ બેરલ સ્તર સુધીનો ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ ઉછાળાની શક્યતાઓ આમ આદમી માટે મોટી ચિંતાનો વિષય બનવાનો છે.